મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ફેલાયેલા પસંદ કરેલા સ્થળોમાં મહારાષ્ટ્રમાં સાલ્હેર, શિવનેરી, લોહગઢ, ખંડેરી, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા, વિજયદુર્ગ અને સિંધુદુર્ગ તેમજ તમિલનાડુમાં ગિન્ગી કિલ્લોનો સમાવેશ થાય છે.શિવનેરી કિલ્લો, લોહગઢ, રાયગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા કિલ્લો, વિજયદુર્ગ, સિંધુદુર્ગ અને ગિન્ગી કિલ્લો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ સુરક્ષિત છે, જ્યારે સાલ્હેર કિલ્લો, રાજગઢ, ખંડેરી કિલ્લો અને પ્રતાપગઢ મહારાષ્ટ્ર સરકારના પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક દ્વારા સુરક્ષિત છે. દરિયાકાંઠાની ચોકીઓથી લઈને પહાડી કિલ્લાઓ સુધીના વિવિધ ભૂપ્રદેશોમાં સ્થિત, આ કિલ્લાઓ ભૂગોળ અને વ્યૂહાત્મક સંરક્ષણ આયોજનની સુસંસ્કૃત સમજણને પ્રતિબિંબિત કરે છે. સાથે મળીને, તેઓ એક સુવ્યવસ્થિત લશ્કરી લેન્ડસ્કેપ બનાવે છે, જે દેશમાં કિલ્લા નિર્માણ પરંપરાઓના નવીનતા અને પ્રાદેશિક અનુકૂલનને પ્રકાશિત કરે છે.
સાલ્હેર, શિવનેરી, લોહાગઢ, રાયગઢ, રાજગઢ અને ગિંગી પર્વતીય વિસ્તારોમાં આવેલા છે અને તેથી તેમને પર્વતીય કિલ્લા કહેવામાં આવે છે. ગાઢ જંગલોમાં વસેલો પ્રતાપગઢ, પર્વતીય વન કિલ્લો તરીકે વર્ગીકૃત થયેલ છે. ઉચ્ચપ્રદેશની ટેકરી પર સ્થિત પન્હાલા, પર્વતીય કિલ્લો છે. દરિયા કિનારે સ્થિત વિજયદુર્ગ એક નોંધપાત્ર દરિયાકાંઠાનો કિલ્લો છે, જ્યારે સમુદ્રથી ઘેરાયેલા ખંડેરી, સુવર્ણદુર્ગ અને સિંધુદુર્ગને ટાપુ કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે.
સમિતિની બેઠક દરમિયાન, ૨૦ માંથી ૧૮ સભ્ય દેશોએ આ મહત્વપૂર્ણ સ્થળને યાદીમાં સમાવવાના ભારતના પ્રસ્તાવને સમર્થન આપ્યું. આ પ્રસ્તાવ પર ૫૯ મિનિટ સુધી ચર્ચા થઈ અને ૧૮ સભ્ય દેશોની સકારાત્મક ભલામણો પછી, બધા સભ્ય દેશો, યુનેસ્કો, વર્લ્ડ હેરિટેજ સેન્ટર અને યુનેસ્કોના સલાહકાર સંસ્થાઓએ ભારતીય પ્રતિનિધિમંડળને આ મહત્વપૂર્ણ પ્રસંગ માટે અભિનંદન આપ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા કરી અને દેશના લોકોને અભિનંદન આપ્યા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો) ની વિશ્વ વારસા યાદીમાં મરાઠા શાસકોની કિલ્લેબંધી પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરતા ‘મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ્સ’નો સમાવેશ રાજ્ય માટે ‘ગૌરવપૂર્ણ ક્ષણ’ છે.
ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર એક પોસ્ટમાં કહ્યું, ‘મહારાષ્ટ્ર સરકાર આપણા પ્રિય છત્રપતિ શિવાજી મહારાજને સલામ કરે છે!! મહારાષ્ટ્રના તમામ નાગરિકો અને શિવભક્તોને હાર્દિક અભિનંદન.’ તેમણે કહ્યું, ‘મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણા મહાન રાજા છત્રપતિ શિવાજી મહારાજના ૧૨ કિલ્લાઓનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.’
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં છત્રપતિ શિવાજી મહારાજના ૧૨ કિલ્લાઓનો સમાવેશ રાજ્ય માટે ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ અને ગર્વની વાત છે. પવારે કહ્યું કે આ કિલ્લાઓ છત્રપતિ શિવાજી મહારાજ અને મરાઠા યોદ્ધાઓની બહાદુરી, બલિદાન અને દૂરંદેશીના સાક્ષી છે અને હવે તેમના વારસાને વૈશ્વીક સ્તરે માન્યતા અને સન્માન મળશે.