કોંગ્રેસમુક્ત ભારતનો નારા લગાવતી ભાજપે થાણેની અંબરનાથ નગર પરિષદમાં સીધા કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે. મુંબઈથી માત્ર ૭૦ કિલોમીટર દૂર સ્થિત અંબરનાથ નગર પરિષદમાં શિંદે સેનાને સત્તાથી દૂર રાખવા માટે ભાજપે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના આ ગઠબંધને રાજકારણ ગરમાવ્યું છે અને રાજ્યમાં હલચલ મચાવી દીધી છે.

આ ગઠબંધનને “અંબરનાથ વિકાસ આઘાડી” નામ આપવામાં આવ્યું છે. જોકે, આ ઘટનાક્રમથી શિવસેના શિંદે જૂથમાં વ્યાપક અસંતોષ ફેલાયો છે. ભાજપ-કોંગ્રેસ ગઠબંધનથી શિંદે સેના ગુસ્સે થઈ ગઈ છે. શિવસેના શિંદે જૂથે ભાજપ પર આકરા પ્રહારો શરૂ કર્યા છે, અને આ ગઠબંધનને “અભદ્ર ગઠબંધન” ગણાવ્યું છે. શિંદે જૂથના ધારાસભ્ય ડા. બાલાજી કિનીકરે કોંગ્રેસ મુક્ત ભારતની હિમાયત કરતી ભાજપ પર કોંગ્રેસ સાથે જોડાણ કરીને શિવસેના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

અંબરનાથને શિંદે સેનાનો ગઢ માનવામાં આવે છે, જ્યાં એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે સંસદ સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. તાજેતરમાં, અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સીલની ચૂંટણીઓ યોજાઈ હતી. આ મ્યુનિસિપલ કાઉન્સીલની ચૂંટણીમાં ભાજપે શિંદે સેનાને હરાવ્યું હતું, અને ભાજપે મેયરની પસંદગી કરી હતી. આ ચૂંટણીમાં, શિંદે સેના સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી પરંતુ બહુમતીથી થોડી ઓછી રહી હતી. શિંદે સેનાને ભાજપ સાથે નગર પરિષદમાં સરકાર બનાવવાની આશા હતી, પરંતુ એવું બન્યું નહીં. શિંદે સેનાને બદલે, ભાજપે કોંગ્રેસ સાથે જોડાણ કર્યું અને નગર પરિષદમાં સત્તા સ્થાપિત કરી. કોંગ્રેસ સાથે જાડાણ કરીને સ્થાનિક સ્તરે સત્તા સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

સાંસદ શ્રીકાંત શિંદેએ અંબરનાથમાં રાજકીય વિકાસ પર એક નિવેદન જારી કર્યું છે. અંબરનાથમાં ભાજપ-કોંગ્રેસ ગઠબંધન અંગે, શ્રીકાંત શિંદેએ કહ્યું, “આ પ્રશ્ન સંપૂર્ણપણે અમારા સાથી પક્ષ, ભારતીય જનતા પાર્ટીનો છે. ભાજપના નેતાઓ તેનો શ્રેષ્ઠ જવાબ આપી શકશે. ઘણા વર્ષોથી, ભાજપ અને શિવસેના કેન્દ્ર, રાજ્ય અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ગઠબંધનમાં રહ્યા છે. આ ગઠબંધન અખંડ રહેવું જોઈએ. શિવસેના અંબરનાથમાં સત્તામાં હતી, અને શિવસેનાએ અંબરનાથમાં સારા વિકાસ કાર્ય કર્યા છે. હવે, તેઓ જે પણ નિર્ણય લેશે, શિવસેના વિકાસની રાજનીતિ કરનારાઓની સાથે રહેશે.”

અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સીલ ચૂંટણી પરિણામોઃ કુલ બેઠકો – ૬૦: ભાજપ – ૧૪, શિવસેના – ૨૭,કોંગ્રેસ – ૧૨,એનસીપી – ૪,અપક્ષ – ૨

શિવસેનાએ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના આ જાડાણને પીઠમાં છરો મારવા જેવું ગણાવ્યું છે. ભાજપે આ આરોપોને ફગાવી દીધા છે. ભાજપના ઉપપ્રમુખ ગુલાબરાવ કરંજુલે પાટીલે શિંદે જૂથ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે જો તેઓ છેલ્લા પચીસ વર્ષથી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા શિંદે જૂથ સાથે સત્તામાં હોત, તો આ ખૂબ જ અયોગ્ય જોડાણ ન હોત. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સીલ માટે શિંદે જૂથ સાથે મહાગઠબંધન અંગે ચર્ચા કરવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના નેતાઓ તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

એક તરફ, ભાજપ-કોંગ્રેસ ગઠબંધન અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સીલમાં સત્તા વહેંચણી અંગે સ્પષ્ટતા કરી રહ્યું છે. બીજી તરફ, આ ગઠબંધને કારણે મહાગઠબંધનમાં તણાવ પેદા થયો છે. અંબરનાથમાં આ જોડાણ અયોગ્ય છે કે અનિવાર્ય છે તે અંગે રાજકીય દોષારોપણનો ખેલ આગામી દિવસોમાં વધુ તીવ્ર બનવાની શક્યતા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અંબરનાથમાં રાજકીય ઘટનાક્રમ અંગે કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે કોંગ્રેસ સાથે જોડાણ અસ્વીકાર્ય છે. અંબરનાથમાં સ્થાનિક સ્તરે લેવાયેલા નિર્ણયને સુધારી લેવામાં આવશે, અને કોંગ્રેસ સાથે કોઈ જોડાણ થશે નહીં.

આ દરમિયાન, મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકલે આ ઘટનાક્રમ અંગે નેતાઓને ચેતવણી આપી છે. તેમણે કહ્યું, “જો કોઈ સ્થાનિક નેતા ભાજપ સાથે જોડાણ કરશે, તો કોંગ્રેસ તે નેતા સામે કડક કાર્યવાહી કરશે…કોઈપણ કિંમતે, કોંગ્રેસ ભાજપ સાથે ચૂંટણી લડશે નહીં, ભલે ચૂંટણી ગમે તે હોય.”