વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા કોલેજો માટે આજથી ફરી નવી શરૂઆત, નવા સત્ર સાથે નવા શૈક્ષણિક વર્ષની, નવી આશા, નવા અરમાન સાથે, આજથી શાળા કોલેજો ધમધમશે. માર્ચ એપ્રિલમાં વાર્ષિક પરીક્ષાઓ બાદ વેકેશનમાં મે જૂનમાં પરિણામની સિઝન પછી ફરી વર્ગ બઢતી સાથે આજથી સમગ્ર રાજ્યમાં શાળા કોલેજોમાં એક સાથે નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. લાંબા વેકેશન બાદ સૂમસામ પડેલી શાળાઓ ફરી આજે બાળકોના આગમનથી ધમધમતી થશે. પસંદગીના કોર્સ અને સ્કૂલ કે કોલેજોમાં એડમિશન લીધા બાદ ગમતી શાળા કોલેજના વર્ગખંડમાં વિધિવત રીતે પ્રવેશ કરીને નિયત સમય સુધી શીખવા શીખવવાની પ્રક્રિયાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે, સૌપ્રથમ તો શિક્ષણ જગત સાથે સંકળાયેલ સૌ બાળકો, શિક્ષકો અને વાલીઓને નવા શૈક્ષણિક વર્ષની ભવ્ય સફળતાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વીતેલા વર્ષની સફળતા નિષ્ફળતાઓની સમીક્ષા સાથે નવું વર્ષ હમેશા નવા અરમાનો અને નવી આશાઓ સાથે શરૂ થતું હોય છે. આ આશાઓ અને અરમાનો પૂરા કરવા યોગ્ય દિશામાં આયોજનપૂર્વકની મહેનત કરવી પડે છે. જો શરૂઆતથી જ આખા વર્ષનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવે અને ક્રમિક નિયમિત રોજે-રોજ ચાલતા પાઠ્‌યક્રમનું પુનરાવર્તન કરવામાં આવે તો સત્ર અને વર્ષના અંતે ધારેલું પરિણામ લાવવું સરળ બની જતું હોય છે. ગત વર્ષના ટોપર્સ આના નજર સામેના ઉદાહરણો છે. પ્રારંભિક શિક્ષણ મેળવતા ભૂલકાઓ માટે એના માર્ગદર્શક સમા શિક્ષકોનો અભિગમ વર્ષના પ્રારંભથી બહુ સ્પષ્ટ હોવો જોઈએ. જે તે ધોરણની સંખ્યા, એનો અભ્યાસક્રમ અને કામના દિવસો પહેલેથી જ નક્કી હોય છે. વચ્ચે આવતી બિન શૈક્ષણિક કામગીરી અને અંગત રાજાઓની લમસમ ગણતરી કરીને એ દિવસો બાદ કરતાં વધેલા નક્કર કામના દિવસો અને કલાકો કાઢીને એ મુજબ ઉપરથી તંત્રે આપેલ છાપેલ માસિક આયોજનને શક્ય એટલું અનુકૂળ થતાં થતાં આખા વર્ષના બન્ને સત્રમાં વ્યવસ્થિત રસપૂર્વક, નિષ્ઠાપૂર્વક પોતાની આવડતને સો ટકા બાળકો માટે સમર્પિત કરી શકે તો ઘણું ધાર્યું પરિણામ વર્ષના અંતે લાવી શકે. શિક્ષકના આવા સંનિષ્ઠ પ્રયત્નોમાં વાલીની જાગૃતિ અને સહકાર મળે તો સોનામાં સુગંધ ભળે.
બાળકોની નિયમિત હાજરીથી માંડીને ગૃહકાર્યની કાળજી વાલી પક્ષે ખૂબ જરૂરી છે. ત્રીજું પરિબળ એટલે તંત્ર. શિક્ષણના વિદ્વાનો દ્વારા સંશોધનના તારણોના આધારે કેટલીક નવી નીતિઓ ઘડાય છે, પાઠ્‌યક્રમ અને પુસ્તકો બદલાય છે એ મુજબ શિક્ષકોને તાલીમ અપાય છે. ગયા વર્ષની કે ઘણા વર્ષથી ચાલી આવતી પરાણે પરિણામ લાવવાની મહત્વાકાંક્ષાવાળી પદ્ધતિના બદલે નવી પદ્ધતિ અમલમાં મુકાતી હોય છે. ટૂંકમાં નાના મોટા ફેરફાર સાથે નવા પુસ્તકો, નવા ધોરણ અને નવા અરમાનો સાથે જૂના ટાર્ગેટ સિદ્ધ કરવા માટે મોનિટરીંગ સિસ્ટમ પણ આજથી પુરેપુરી સક્રિય થઈ જશે. ખરેખર તો શિક્ષણ ક્ષેત્રમાં મોનિટરીંગ સિસ્ટમને બદલે મદદ સિસ્ટમ સક્રિય થાય તો ખરા અર્થમાં જેણે પાયામાં કામ કરવાનું છે એ પ્રેશરના બદલે પ્રેમથી કૈંક વિશેષ પીરસી શકે! કોઈપણ કાર્યની સફળતા માટે આયોજન કરવું ખૂબ જરૂરી છે, પણ આ આયોજન એટલું ચુસ્ત અને જડ ના હોવું જોઈએ કે તમારો મૂળ હેતુ માર્યો જાય! કામ કરનારને મશીનની જેમ ચારે બાજુથી સૂચનાઓ અને હુકમનો મારો ચલાવ્યે રાખીને પછી પોતાની ઈચ્છા મુજબના અપેક્ષિત પરિણામ પરાણે કાગળ ઉપર ચીતરવા મજબૂર કરવાથી માત્ર ભ્રામક સફળતાની ચમક દમક દેખાય છે. ખરી સફળતા તો શીખનાર, શીખવનાર અને વાલી રાજી થાય એમાં છે, નહિ કે પાઠ આયોજનોના રેડીમેડ ચોગઠામાં બિનજરૂરી ટી.એલ.એમ.ના ઢગલા કરાવીને શિક્ષણ શાસ્ત્રોના સિદ્ધાંતોને રૂપકડા નામ આપીને ક્ષમતાઓ સિદ્ધ કરવાની મથામણ શિખવનારને મૂંઝવતી હોય છે. ખરેખર તો રોટલાનું કામ હોય કે ટપાકાનું? આટલા બધા વર્ષોથી આટલા બધા અખતરા કર્યા પછી એકાદ વર્ષ એવું ના વિચારી શકાય કે શિક્ષક અને શાળાને માહિતી અને પત્રકોની પોથીઓમાંથી થોડીક મોકળાશ મળે અને વધુમાં વધુ સમય બાળકોની સાથે વિતાવે તો શિક્ષક મનથી મહેનત કરીને મોજથી શીખવે. અને વર્ષના અંતે એક જ વાર ઔપચારિક મૂલ્યાંકન થાય, પછી બાળકોમાં પ્રગતિ દેખાય તો જ આવી સ્વતંત્રતા આપવાની. સરકારની કેટલીક ખાસ યોજનાઓના કારણે ખાનગી અને સરકારી શાળાઓ વચ્ચેના ભેદની ફી રૂપી રેખાઓ ભુંસાતી જાય છે.
ભૌતિક સગવડતાઓ પણ હવે બન્નેમાં લગભગ સરખી થતી જાય છે. માત્ર મૂળ કામ એટલે કે ભણાવવાની પદ્ધતિ અને શિક્ષકોની સ્વતંત્રતા બાબતે નીતિ-રીતિમાં ફરક જોવા મળે છે. આ વાત કુમળી વયના નાના ભૂલકાઓને અપાતા પ્રારંભિક શિક્ષણની હતી. બાકી હાઈસ્કૂલથી આગળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાતે વધુ મહેનત કરીને શીખી શકે એટલા સમજણા હોય છે. એમને મુંજવતા પ્રશ્નો સાંભળીને, સમજીને એનું સોલ્યુશન કરી આપે એવા માર્ગદર્શક શિક્ષક કે પ્રોફેસરનો
સહકાર મળી રહે એટલે સરળતાથી શીખી શકે. પ્રોફેશનલ કે સર્ટિફિકેટ કોર્સમાં જોડાયેલ વિદ્યાર્થીઓ માટે એના ટેકનિકલ જ્ઞાનને ખીલવવા માટે પર્યાપ્ત સુવિધા સાથેની લેબ કે વર્કશોપ મળી રહે અને કોર્ષ પૂર્ણ કર્યા બાદ જે તે ફિલ્ડમાં સારું પ્લેસમેન્ટ કરાવી આપવાનું સંસ્થા પ્લેટફોર્મ પૂરું પાડે એવી શુભેચ્છાઓ. ટૂંકમાં, ગયું વર્ષ ગમે તેવું ગયું હોય પણ આજથી શરૂ થયેલ ૨૦૨૫-૨૬ નું નવું શૈક્ષણિક વર્ષ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, સંસ્થાઓ, સમાજ અને સરકાર સૌના માટે સાચા અર્થમાં યશસ્વી, ફળદાયી અને સફળ બની રહે એવી મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને શુભેચ્છાઓ સહ સફળતા માટેના ત્રણ સોનેરી સૂત્રોઃ • જ્યાં ધ્યેય છે ત્યાં માર્ગ અચૂક મળી જાય છે. • તમે જે ઈચ્છો છો તે મેળવવા માટે મહેનત કરો. • દરેક પ્રયાસ તમારા માટે નવી તક લાવે છે. અસ્તુ જય શિક્ષણ !!!