રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં એક વ્યક્તિએ તેની કારમાં ટેકનિકલ ખામીઓ મળી આવતા કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અને અન્ય લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એક અધિકારીએ બુધવારે આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું કે ભરતપુરના મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં એડવોકેટ કીર્તિ સિંહ (૫૦) ની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. સિંહે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે ૨૦૨૨ માં હરિયાણાના સોનીપતમાં એક ડીલરશીપ પાસેથી હ્યુન્ડાઇનું ‘અલકાઝાર’ મોડેલ ૨૩.૯૭ લાખ રૂપિયામાં ખરીદ્યું હતું. તેમણે ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે તેમણે કાર ખરીદતાની સાથે જ તેમાં ગંભીર ટેકનિકલ ખામીઓ આવવા લાગી, ખાસ કરીને ‘એકસીલરેટિંગ’ વગેરે. સિંહે આરોપ લગાવ્યો હતો કે, ‘કાર વાઇબ્રેટ થવા લાગી, સ્પીડ વધારવામાં મુશ્કેલી પડી અને એન્જીન મેનેજમેન્ટ સિસ્ટમમાં ખામી સર્જાઈ. આ કારણે મારા અને મારા પરિવારના જીવન પર ઘણી વખત જાખમ રહ્યું છે.
સિંહના જણાવ્યા મુજબ, જ્યારે તેમણે ડીલરશીપનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે સ્વીકાર્યું કે સમસ્યા હ્યુન્ડાઇ તરફથી ઉત્પાદન ભૂલને કારણે હતી પરંતુ તેમણે ફક્ત કામચલાઉ ઉકેલો સૂચવ્યા. તેમણે કહ્યું, ‘આ સમસ્યા વારંવાર થતી રહી, જેના કારણે નાણાકીય, શારીરિક અને માનસિક મુશ્કેલીઓ થઈ.’ સિંહે એમ પણ કહ્યું કે ખામી દૂર ન થવા છતાં, તેઓ કારનું લોન ચૂકવી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણનું પણ ફરિયાદમાં નામ આપવામાં આવ્યું છે, તેમને હ્યુન્ડાઇના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દર્શાવવામાં આવ્યા છે. સિંહે આરોપ લગાવ્યો કે કંપની અને તેના ડીલરોને ખામી વિશે પહેલાથી જ ખબર હતી પરંતુ તેમણે તેને છુપાવી દીધી, જે છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસ ભંગ અને કાવતરુંનો કેસ છે.
પોલીસે જણાવ્યું કે કાયદાની સંબંધિત કલમો હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે અને તપાસ ચાલુ છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં બોલિવૂડ સ્ટાર્સ વિરુદ્ધ ઘણી ફરિયાદો દાખલ કરવામાં આવી છે. અગાઉ, સટ્ટાબાજી એપ્લીકેશનના કેસોમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ વિરુદ્ધ પણ તપાસ કરવામાં આવી છે. એટલું જ નહીં, આ પહેલા કોર્ટે ઘણા બોલિવૂડ સ્ટાર્સને સમન્સ નોટિસ પણ મોકલી છે. હવે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયા છે.