શકરી તો બે ઘડી બેસીને ચાલી ગઈ પરંતુ બે જુવાન હૈયાનાં શાંત જળમાં કંઈ કેટલાયે કાંકરા નાખતી ગઈ. એ સમથળ દલના તળમાં કેટલાયે વમળ ઉઠયા અને એ બે જૂવાન હૈયા વિક્ષુબ્ધ થઈ ઉઠયા!
શકરીને વળાવીને રાજેશ્વરી પાછી ફરી ત્યારે કોણ જાણે કોઈ અભેદ સૂનકાર ઘરમાં ફરી વળ્યો હતો. હજી તો આમ તો સવારના ચા નાસ્તા બાકી હતા. પણ રોજની જેટલી સ્ફૂર્તિથી અનિતા નાસ્તો તૈયાર કરી રહી નહોતી.
આમ પણ એના મનમાં બાપુની યાદે ફરી પાછુ એનુ મન ભૂતકાળમાં જઈ ચડયુ હતુ. આજે આટલા સમય પછી બાપુની યાદ તેના હૈયાને ઘેરી વળી. અને અને એના હૃદયની સપાટી ઉપર યાદોની ઝાકળ વરસી પડી. કોમળ હૈયા ઉપર એક તીણો સબાકો આવ્યો અને એ સબાકો દર્દ બનીને ફરી એકવાર તેની આંખોમાં ભીનાશ બનીને તગતગી ઉઠયો… રસોડામાં ચા બનાવતી અનિતાનુ શરીર અહીં યા હતું પણ મન તો શહેરની પેલે પાર ડુંગરની પાછળ આવેલા પહાડી ઈલાકાની કાંખમાં આવેલા ગામની શેરીઓમાં દોડી ગયુ.
એ બંધ શેરી, શેરીમાં એક જાહલ ખડકી ખડકીની પેલે પાર દેશી નળિયાવાળુ છાપરુ જેને ‘ઘર’ કહેવામાં આવતુ.
-ચા ઉભરાઈ જવાની અણી ઉપર જ હતી. ત્યાં જ રાજેશ્વરી રસોડામાં પ્રવેશી અને ચા ના ઉભરો જાઈને તેનાથી સહજપણે બોલાઈ ગયુઃ અરે, અનિતા..હમણા ચા ઉભરાઈ જશે. ત્યાં તો ઉભરો આવી પણ ગયો અને તપેલીમાંથી બહાર ચા ઉભરાઈ પણ ગઈ. અનિતા ગભરાઈ ફૂંક મારી રહી પણ ત્યાં સુધીમાં તો ગેસ-સ્ટવ પર ચા ઢોળાઈ પણ ગઈ. એ યાચના ભરી દ્રષ્ટિથી રાજેશ્વરી સામે તાકી રહી કે રાજેશ્વરીએ સ્વાભાવિકતાથી કહ્યુઃ ‘કેમ આજે આમ થયુ? તારુ મન તારા ગામમાં તારા ઘરે પહોંચી ગયુ લાગે છે. નહિતર તારાથી આવી ભૂલ થાય નહી.’’
અનિતા ઝંખવાઈ ગઈ પોતાની ભૂલ જ હતી કારણકે પોતે બે ધ્યાન થઈ હતી. એટલે એણે કાનની બે બૂટ પકડીને આંખોમાં તગતગતી ભીનાશ લઈને રાજેશ્વરીને સામે ગુન્હેગારની માફક ઉભી રહી ગઈ.
‘અરે, ગાંડી થઈ ગઈ છો કે? ’ રાજેશ્વરીએ તેના બન્ને હાથ છોડાવી નાખતા ગાલે ટપલી મારી કહ્યુઃ ‘‘ એવુ તો ચાલે, કાંઈ મોટી ભુલ નથી કરી તે ઃ ચલ, બહુ ડાહી….થોડુ હસ જાઉ…..’’
અનિતાએ પરાણે હસવાનો અભિનય કર્યો,પણ આખરે પકડાઈ ગઈ.
બે દિવસ જેવુ નીકળી ગયુ. એ દરમિયાન અનિતા અને ઈન્દ્રજીત વચ્ચે કશી વાતચીત થઈ નહોતી.
કોઈ અભેદ કિલ્લો જાણે તેમની વચ્ચે ચણાઈ ગયો હતો. રાજેશ્વરીએ આ વાતની નોંધ લીધી હતી. એક દિવસ ઈન્દ્રજીત સાંજે ઓફીસેથી ઘેર આવ્યો ત્યારે રાજેશ્વરીએ કહ્યુઃ ‘દેવરાજી, ચાલોને આપણે અત્યારે પડખે સિટીમાં બાળકોના ડોકટર પાસે ભોલુને બતાવી આવીએ.’’
‘‘કેમ? વોટ હેપન્ડ? ભોલુને શું થયુ?’’
‘‘એ રાત્રે કરાંજયા કરે છે. પેટમાં ચૂંક આવતી હોય કે રામ જાણે. પણ ઘડીએ ઘડીએ ઉઠી જાય છે. મને થયુ કે, સિટીમાં ચાઈલ્ડ સ્પેશ્યાલીસ્ટ ડો.શર્માને બતાવી આવીએ.’’
‘‘હા, તો વાંધો નહી,જઈ જ આવીએ.’’
‘‘ડોકટર તો હશે ને?’’
‘‘અરે, એ તો નવ વાગ્યા સુધી બેઠો હોય’’
‘‘ તો પછી ચા પી લ્યો. હુ તૈયાર થઈ જાઉ.’’
બન્ને નીકળી ગયા. બહાનુ તો જનરલ ચેકઅપનું હતુ. બાકી ભોલુ તો સ્વસ્થ જ હતો. ડો.શર્માએ સામાન્ય દવાઓ આપીને રવાના કર્યા. પાછા વળતા રાજેશ્વરીએ વાત કાઢી.
‘‘દેવરજી, હમણા હમણાથી અનિતા ઉખડી ઉખડી રહ્યા કરે છે.
કદાચ તેનુ મન-’’ ‘‘ રાજુ પાસે પહોંચી ગયુ છે….’’ રાજેશ્વરી સામે નજર રાખ્યા વગર જ ડ્રાઈવ કરતા કરતા જાણે હોઠો ઉપર જ હતુ એ ઈન્દ્રજીતે કહી દીધુ. રાજેશ્વરીને અંદાજ તો હતો જ, કે દેવરના મનમાં જે દિ’ ની શકરી આવી ને ગઈ છે, ત્યારનું રાજુના નામનુ ભૂત
ધૂણવા મંડયુ છે! એટલે કદાચ રાજેશ્વરીએ આવા જવાબની જ ધારણા કરી હશે. છતાં પણ દિયરના મનનો તાગ લેતા એણે કહ્યુઃ ‘હવે અનિતાને ને રાજુને બાર ગાઉનુ છેટુ પડી ગયુ છે દેવરજી મને તો એની આંખોમાં તમે દેખાવો છો.’’
‘‘ભા ભી……’’ ઈન્દ્રજીતના હોઠો ઉપર ગુસ્સો છલકાઈ વળ્યોઃ ‘‘હું મૂરખ નથી. કે નથી અબૂધ! મને એટલી ખબર પડે છે કે, રાજુ
અનિતાને પ્રેમ કરતો હતો અને અનિતા રાજુને અને પહેલો પ્રેમ કયારેય ભૂલાતો નથી.’’
‘‘હા, દેવરજી, વાત તમારી સાચી છે. પણ તમે જ હમણા કહ્યુ એવુ છે. રાજુ અનિતાને પ્રેમ કરતો હતો અને અનિતા કદાચ એને પ્રેમ કરતી હતી. પણ હવે એના જીવનની કિતાબમાંથી રાજુ નામનુ પાનુ એણે સ્વૈચ્છાએ ફાડી નાખ્યુ છે. એ માત્ર તમને અને તમને જ પ્રેમ કરે છે. સમજયા?’’
‘‘બકવાસ પ્રેમ?’’ ઈન્દ્રજીત ગુસ્સાથી ભભૂકી ઉઠયોઃ ‘‘ આજે પેલીવાર
આભાર – નિહારીકા રવિયા શકરી આવી ત્યારે સાચી ખબર પડી. અને શકરી ગયા પછી તમે જાયું? એના પ્રેમની યાદમાં એ ગૂમસૂમ થઈ ગઈ છે. નથી બોલતી કે નથી ચાલતી એનો અર્થ એ જ થાય કે, એ રાજુના ખ્યાલોમાં અને રાજુના વિચારોમાં છે. મેં એનો જીવ બચાવ્યો, એ ઉપકાર એને મન કશી વિસાતમાં જ નથી. એનું જીવન એટલે રાજુ એનુ તનમન એટલે રાજુ…એનો શ્વાસ એટલે એને મન માત્ર ને માત્ર રાજુ જ છે. ભાભી..હવે તમે એમાં કબાબમાં મને હડ્ડી ન બનાવો. હવે એને જવાબ દો. એ મુક્ત, હું મુક્ત હા, તમને ખબર છે કે મને એના પ્રત્યે પ્રેમ જાગી ઉઠયો હતો. પણ એ તો માત્ર સપનુ! અને સપનું તો પરપોટા જેવુ ફાટી જવાનુ! ભાભી, મેં અમથે અમથુ ખોટેખોટુ સપનું જાયુ. સાચું કહુ તો હવે એના પ્રત્યે મને લાગણી નથી. એને હવે એના મામાને ઘેર અથવા એના બાપુને ઘેર મોકલી દઈએ.
રાજેશ્વરીના દિલને પણ દર્દ થયુ. એક ટીસ ઉઠી. નહિંતર અનાઘાત પુષ્પ જેવી. અનિતાએ દિયરના દિલમાં પોતાનુ સ્થાન જમાવી દીધું હતું અને દિયર પણ એના પ્યારમાં ગિરફતાર થઈ ચુકયા હતા. નહિંતર પચ્ચીસ ત્રીસ છોકરીઓને જાયા પછીય દિયર ના પાડતા હતા એ
દિયરનુ મન અનિતામાં ઠર્યુ હતુ.! પણ રે! કિસ્મત…પ્યાર અને નફરત કયારે….સામસામા આવી જાય છે કશુ નક્કી નથી હોતુ. એ વિચાર કરતી થઈ ગઈ.‘‘તમે સાંભળ્યું ભાભી? ‘‘અચાનક ચરર કરતી જીપને બ્રેક મારીને ઈન્દ્રજીતે જીપને રસ્તા વચ્ચે ઉભી જ રાખી દીધી.
રાજેશ્વરી હબકી ગઈઃ શું ? શું કહ્યુ ઈન્દ્રભાઈ-’ ‘બસ, એજ ..કે એને હવે જયાં જવુ હોય ત્યાં જવા દો. હવે આપણે કોઈની થાપણને નથી રાખવી…’’
-રાજેશ્વરી કશુ બોલી ન શકી. કે ઈન્દ્રજીતે જીપ ચાલુ કરીને ફરીવાર બબડયોઃ ‘કોઈનો ઉતાર મારો શણગાર બને એવુ હરદમ હું ઈચ્છતો નથી.’’
મોડેકથી દિયર ભાભી ભોલુને બતાવીને ઘરે આવ્યા, એ ભેગા ઈન્દ્રજીતે ચાનો કપ આપવા આવેલી અનિતાને એકદમ રૂક્ષતાથી કહી દીધુઃ ‘‘તારે થેલો તૈયાર કરવો હોય તો કરી લેજે હુ તને કાલે તારા ગામ મુકવા આવુ છુ…’
-અનિતા સ્તબ્ધ બનીને ઈન્દ્રજીતને તાકી રહી…