આઇસીસી અંડર-૧૯ વર્લ્ડ કપ ૧૫ જાન્યુઆરીથી શરૂ થવાનો છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ માટે જારશોરથી તૈયારી કરી રહ્યા છે. ભારતીય ટીમ હાલમાં વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા વોર્મ-અપ મેચ રમી રહી છે, જ્યાં તેમનો સામનો પ્રથમ મેચમાં સ્કોટલેન્ડ સામે થયો હતો. ટીમ ઈન્ડિયાએ ડીએલએસ નિયમ હેઠળ આ મેચ ૧૨૧ રનથી જીતી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી અને ત્રણ અન્ય બેટ્‌સમેનોએ પણ અડધી સદી ફટકારી હતી.
આ મેચમાં, ભારતે પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૩૭૪ રન બનાવ્યા હતા. ઓપનર આયુષ મ્હાત્રે ૧૯ બોલમાં ૨૨ રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે વૈભવ સૂર્યવંશીએ ૫૦ બોલમાં ૯૬ રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગ્સમાં ૯ ચોગ્ગા અને ૭ છગ્ગા ફટકાર્યા હતા. વૈભવની સાથે, એરોન જ્યોર્જે પણ ૫૮ બોલમાં ૬૧ રન બનાવ્યા હતા. વિહાન મલ્હોત્રાએ પણ ૮૧ બોલમાં ૭૭ રનનું યોગદાન આપ્યું હતું. અભિજ્ઞાન કુંડુએ ૪૮ બોલમાં ૫૫ રન બનાવ્યા હતા. આ મેચમાં એરોન જ્યોર્જ, વિહાન મલ્હોત્રા અને અભિજ્ઞાન કુંડુએ અડધી સદી ફટકારીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આનાથી ભારતને જંગી સ્કોર બનાવવામાં મદદ મળી હતી. દરમિયાન, બોલિંગમાં સ્કોટલેન્ડ માટે ઓલી જાન્સે સૌથી વધુ વિકેટ લીધી, ચાર વિકેટ લીધી.
સ્કોટલેન્ડનો દાવ શરૂ થાય તે પહેલાં વરસાદ શરૂ થયો, જેના કારણે મેચ ઘણા સમય માટે રોકવી પડી. વરસાદને કારણે, મેચને પાછળથી ૨૪ ઓવર સુધી ઘટાડી દેવામાં આવી. સ્કોટલેન્ડને ડીએલએસ પદ્ધતિ હેઠળ ૨૩૪ રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો. રન ચેઝમાં, સ્કોટલેન્ડ માટે થિયો રોબિન્સને ૩૯ બોલમાં ૩૦ રન બનાવ્યા, જ્યારે ઓલી પિલિંગરે ૫ બોલમાં ૨ રન બનાવ્યા. મેક્સ ચેપ્લીન પણ ૨૨ બોલમાં ૨૨ રન બનાવીને આઉટ થયો. સ્કોટલેન્ડ ૨૩.૨ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને માત્ર ૧૧૨ રન જ બનાવી શકયું. આમ,ડીએલએસ પદ્ધતિ હેઠળ ભારતે ૧૨૧ રનથી જીત મેળવી. બોલિંગમાં, ખિલન પટેલ અને દીપેશ દેવેન્દ્રને ભારત માટે ત્રણ-ત્રણ વિકેટ લીધી. ભારતીય ટીમ હવે ૧૨ જાન્યુઆરીએ ઇંગ્લેન્ડની અંડર-૧૯ ટીમનો સામનો કરશે.