વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયા સામેની આગામી પાંચ મેચની ટી ૨૦ શ્રેણી માટે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ ઇએસપીએન ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, તે પ્રથમ બે મેચ માટે ઉપલબ્ધ રહેશે. શ્રેણીની બીજી ટી ૨૦ મેચ ૨૩ જુલાઈ બુધવારે સબીના પાર્ક ખાતે રમાશે, તે મેચ પછી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેશે. તમને જણાવી દઈએ કે જમૈકા રસેલનું હોમ ગ્રાઉન્ડ છે.

રસેલના નિર્ણયથી વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. વિન્ડીઝ ટીમને ૭ મહિના પછી ટી ૨૦ વર્લ્ડ કપ રમવાનો છે, તે પહેલાં રસેલનો આ નિર્ણય તેમના માટે કોઈ મોટા ઝટકાથી ઓછો નહીં હોય. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા વેસ્ટ ઈન્ડીઝના સ્ટાર ટી ૨૦ ખેલાડી નિકોલસ પૂરને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. રસેલ ૨૦૧૨ અને ૨૦૧૬ માં ટી ૨૦ વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઈન્ડીઝ ટીમનો ભાગ હતો. ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ભારત અને શ્રીલંકા દ્વારા યોજાવાનો છે. વેસ્ટ ઈન્ડીઝની ટીમ રસેલ અને પૂરન જેવા દિગ્ગજ ખેલાડીઓ વિના ટી ૨૦ વર્લ્ડ કપમાં રમશે.

આન્દ્રે રસેલના આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે ૧ ટેસ્ટ, ૫૬ વનડે અને ૮૪ ટી ૨૦ મેચમાં વેસ્ટ ઈન્ડીઝનું પ્રતિનિધિત્વ કર્યું છે. બેટિંગની વાત કરીએ તો, તેણે ટેસ્ટમાં ૨ રન,વનડેમાં ૧૦૩૪ રન અને ટી ૨૦ માં ૧૦૭૮ રન બનાવ્યા છે. બોલિંગમાં, તેણે ટેસ્ટમાં ૧ વિકેટ,વનડેમાં ૭૦ વિકેટ અને ટી ૨૦ માં ૬૧ વિકેટ લીધી છે. તેણે ૨૦૧૦ માં વેસ્ટ ઈન્ડીઝ માટે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેની ૧૫ વર્ષની કારકિર્દીમાં, તે ૧૪૧ આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યો.

ઓસ્ટ્રેલિયા સામે ટી ૨૦ શ્રેણી માટે વેસ્ટ ઈન્ડીઝ ટીમ

શાઈ હોપ (કેપ્ટન), જ્વેલ એન્ડુ જેડિયા બ્લેડ્‌સ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, અકીલ હોસીન, અલ્ઝારી જાસેફ, બ્રાન્ડન કિંગ, એવિન લુઈસ, ગુડાકેશ મોતી, રોવમેન પોવેલ, આન્દ્રે રસેલ, શેરફેન રૂથરફોર્ડ, રોમારિયો શેફર્ડ.