૨૦૨૨નો પ્રારંભ થઈ ગયો.ઈસવી સન ૨૦૨૧ની સમાપ્તિ થઈ ગઈ અને ઈસુનું નવું વર્ષ શરૂ થઈ ગયું છે. કોરોનાના કારણે ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે છેલ્લાં બે વર્ષ બહુ આકરાં ગયાં છે. કોરોનાએ લોકોનાં જીવનને કોઈએ ધારી ના હોય એવી અસર કરી છે. કોરોના હજુ ગયો નથી તેથી લોકોમાં ફફડાટ છે જ પણ નવા વરસમાં બધું ખતમ થશે એવો આશાવાદ પણ છે.
ભારત માટે આ નિર્ણાયક વર્ષ છે તેથી ૨૦૨૨ના આ વર્ષમાં ભારતમાં શું બનશે તેની અટકળો ચાલી રહી છે. ભારત કોરોનાને પાછળ મૂકીને આગળ વધવા તરફ મીટ માંડીને બેઠું છે ત્યારે આ વર્ષમાં કેટલીક એવી ઘટનાઓ બનશે કે જે ભારતના ભાવિને એક નવી દિશા આપશે. ભારતમાં તમામ સ્તરે પરિવર્તનની પ્રક્રિયા ચાલી રહી છે. આ પરિવર્તન કઈ હદે સફળ થાય છે તેના પર ભારતના વિકાસનો બહુ મોટો મદાર છે ત્યારે ૨૦૨૨માં ભારત માટે રાજકીય, સામાજિક, આર્થિક, શાસન અને વિદેશ નીતિ એ પાંચ મહત્વના મોરચે શું બનવાનું છે તેના પર નજર નાંખીએ.
રાજકીયઃભારત માટે રાજકીય રીતે અત્યંત મહત્વનું વરસ છે. કોરોના સામે લડવામાં મોદી સરકારની નિષ્ફળતા અને કૃષિ કાયદા રદ કરીને લગાવેલી ગુલાંટના પગલે ભાજપ ભીંસમાં છે એ સ્પષ્ટ છે. જો કે લોકોને ભાજપ અણગમતો લાગે છે કે નહીં એ મહત્વનું છે ને તેનો ફેંસલો આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીઓમાં થશે. ૨૦૨૨માં ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત જેવાં ભાજપ માટે મહત્વનાં રાજ્યો સહિત કુલ ૯ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે.
હવે પછી ભારતનું રાજકારણ કઈ દિશામાં જશે તેનો મદાર આ ચૂંટણીઓ પર છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં શું થાય છે તેના પર સૌની નજર છે કેમ કે ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું મોટું રાજ્ય છે અને લોકસભાની ૮૦ બેઠકો ધરાવે છે. નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી અપાવીને સત્તા મેળવીને સૌને છક કરી નાંખેલા. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મોદીએ વધારે બેઠકો મેળવીને સત્તા કબજે કરી. મોદીએ કોંગ્રેસને સાવ સાફ કરીને પ્રાદેશિક પક્ષની કક્ષાએ લાવીને મૂકી દીધો છે પણ મોદી પ્રાદેશિક પક્ષોને પૂરા સાફ નથી કરી શક્યા. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી ભાજપને ટક્કર આપે તેવા વરતારા છે ત્યારે શું થાય છે એ જોવાનું છે.
મોદીએ લોકસભાની ચૂંટણીમાં અખિલેશ યાદવ અને માયાવતીને ધોઈ નાંખેલાં પણ કૃષિ કાયદાના કારણે અખિલેશ પાછા સત્તામાં આવી જાય તો એ ભાજપનાં વળતાં પાણીનો સંકેત હશે. ગુજરાતમાં શું થાય છે એ પણ મહત્વનું છે. ૨૦૧૭માં પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપ ભીંસમાં હતો ને માંડ માંડ જીત્યો હતો. આ વખતે ભાજપે મંત્રીમંડળમાં નો રીપીટ થીયરીનો દાવ ખેલ્યો છે ને સી.આર. પાટિલ જેવા બિન ગુજરાતીની છાપ ધરાવતા નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે મૂક્યા છે. આ કારણોસર વિધાનસભાની ચૂંટણીમાં હારી જાય તો મોદીનું નાક વઢાઈ જાય. દેશભરમાં હવા જામવા માંડે કે મોદીનું પોતાનું ઘર સચવાતું નથી તો એ આખો દેશને શું સાચવવાના ? ભાજપ એવું ના જ ઈચ્છે તેથી એ પૂરી તાકાત લગાવી દેશે. ૨૦૨૨ની ચૂંટણીઓ ભાજપ માટે આબરૂ અને અસ્તિત્વ બંનેનો સવાલ છે ને આ ચૂંટણી દેશનું રાજકીય ભાવિ નક્કી કરશે.
આર્થિકઃ ભારતીય અર્થતંત્ર માટે કોરોના ઘાતક સાબિત થયો છે. કોરોનાને કારણે લાદવા પડેલા લોકડાઉનના કારણે દેશમાં વેપાર-ધંધા પડી ભાંગ્યા છે અને કરોડો લોકો બેરોજગાર બન્યા છે. દેશના અર્થતંત્રને ફરી બેઠું કરવું એ મોદી સરકાર માટે મોટો પડકાર છે પણ અત્યારે જે સંજોગો છે તે કપરા છે. ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની આવક વધી છે પણ એ વધારો બહુ મોટો નથી. બીજી તરફ દેશમાં વિદેશી રોકાણ જોઈએ એટલું આવતું નથી.
મોદી સરકારે જીએસટીને એક ક્રાન્તિકારી કદમ ગણાવીને અમલ શરૂ કરેલો. તેના કારણે દેશની આર્થિક વ્યવસ્થા સંપૂર્ણ બદલાઈ જશે, મોંઘવારી પર નિયંત્રણ આવી જશે, ભારતમાં જંગી પ્રમાણમાં વિદેશી રોકાણ ઠલવાશે એવા દાવા થયા હતા પણ એવું કશું થયું નથી. ઉલટાનું તમામ મોરચે હાલત બગડી છે. વિદેશી કંપનીઓ ભારતમાં ભરવા પડતા ભાતભાતના ટેક્સથી કંટાળેલી છે ને તેના કારણે અહીં નથી આવતી. જીએસટી આવશે તો વિદેશી કંપનીઓનો ખચકાટ દૂર થઈ જશે એવી વાતો થતી હતી. જીએસટી સફળ થશે તો ધીરે ધીરે ઈન્કમટેક્સ સહિતના પર્સનલ ટેક્સીસ પણ ઘટશે એવા દાવા કરાતા હતા પણ કશું બદલાયું નથી. ઉલટાનું મોદી સરકાર ફરી કરવેરા વધારવાના જૂના રસ્તે આવી ગઈ છે. લોકોને એ મંજૂર નથી તેનો પરચો કાપડ ઉત્પાદનો પરની જીએસટી વધારવાના પ્રચંડ વિરોધમાં જોવા મળ્યો. મોદી સરકારે નાકલીટી તાણીને એ વધારો પાછો ખેંચવો પડ્‌યો છે.
મોદી સરકારે આ દેશના અર્થતંત્રમાં ખરેખર ક્રાન્તિ લાવવી પડે એમ છે. અત્યાર સુધી તો મોદી સરકાર એવું કશું કરી શકી નથી પણ આશા અમર છે. આ વરસે એવો કોઈ ચમત્કાર થઈ જાય એવી આશા રાખીએ.
સામાજિકઃ ભારતમાં સામાજિક સ્તરે બહુ મોટાં પરિવર્તન આવી રહ્યાં છે અને કટ્ટર હિંદુવાદી પરિબળો મજબૂત બની રહ્યાં છે એ ચિંતાનો વિષય છે. મુસ્લિમોના દેશપ્રેમ સામે સવાલ ઉઠાવીને તેમના સંહારની વાતો કરવી, મહાત્મા ગાંધીને ગાળો આપીને નાથુરામ ગોડસેનાં વખાણ કરવાં વગેરે દેશવિરોધી પ્રવૃત્તિઓ વધી રહી છે. મોદી સરકાર માટે આ પ્રવૃત્તિઓને નાથીને સામાજિક સંવાદિતા જાળવી રાખવી એ મોટો પડકાર છે.
મોદી સરકાર માટે બીજો પડકાર સમાન સિવિલ કોડનો અમલ છે. ભારત સેક્યુલર દેશ છે પણ મતબેંકના રાજકારણને કારણે વરસો સુધી સેક્યુલારિઝમનું તૂત ચાલ્યું. સાચા સેક્યુલર દેશમાં દરેક ધર્મના લોકો માટે સરખા કાયદા હોવા જોઈએ પણ સેક્યુલારિઝમના તૂતના કારણે ભારતમાં દરેક ધર્મના લોકો માટે અલગ પર્સનલ લો બન્યા. તેની અસર એ થઈ કે બંધારણ આ દેશમાં પુરૂષો અને સ્ત્રીઓને સમાન ગણે છે પણ બધા ધર્મની સ્ત્રીઓને આ સમાનતાનો લાભ નથી મળ્યો. આ સમાનતા લાવવા માટે સમાન સિવિલ કોડ જરૂરી છે.
સમાન સિવિલ કોડ ભાજપના મુખ્ય મુદ્દામાં એક છે ને સુપ્રીમ કોર્ટ પણ તેની તરફેણ કરી ચૂકી છે. સમાન સિવિલ કોડ અમલી બને તો આ દેશમાં સામાજિક રીતે બહુ મોટું પરિવર્તન આવશે પણ મોદી સરકાર એ ક્રાન્તિકારી કદમ ઉઠાવશે કે કેમ તેમાં શંકા છે. મોદી સરકારે છોકરીઓની લગ્નની વય ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરવાનો મોટો નિર્ણય લીધો હતો. લોકસભામાં તેને લગતો કાયદો પસાર પણ થયો પણ છેલ્લી ઘડીએ સરકાર ફસકી ગઈ. હિંદુઓમાં ઘણી જ્ઞાતિઓમાં નાની વયે લગ્નપ્રથા છે. યુપી સહિતનાં રાજ્યોમાં આ જ્ઞાતિઓ વધારે છે તેથી નુકસાનનો ડર લાગતાં સરકાર પાણીમાં બેઠી. આશા રાખીએ કે, સરકારમાં હિંમત આવે અને સમાન સિવિલ કોડ બનાવી નાંખે.
શાસનઃ ભારતમાં લોકશાહી છે પણ રાજ નરેન્દ્ર મોદીનું છે. ઈન્દિરા ગાંધીના સમયમાં હતી એ સ્થિતી અત્યારે આવીને ઉભી રહી ગઈ છે. કોઈ પણ મોરચે સામૂહિક જવાબદારી કે સામૂહિક નિર્ણયો લેવાના બદલે મોદીને ગમે એ જ સાચું એવી હાલત છે. તેના કારણે કૃષિ કાયદા જેવા, દેશ માટે નુકસાનકારક નિર્ણય લેવાયા અને પ્રચંડ આંદોલન થતાં સરકારે એ કાયદા રદ કરવાની ફરજ પડી. દેશના ઈતિહાસમાં આ ઐતિહાસિક ઘટના છે કેમ કે કોઈ સરકારે પોતે બનાવેલા કાયદાને પોતે રદ કર્યા હોય એવું પહેલી વાર બન્યું. બીજા ઘણા મુદ્દે પણ એ સ્થિતી સર્જાઈ છે ને તેનું કારણ મોદીનું એકહથ્થુ શાસન છે.
ભારતે પ્રગતિ કરવી હોય તો આ સ્થિતી બદલવી પડે ને તેના માટે ભાજપના નેતાઓએ પહેલ કરવી પડે. મોદીના દરેક નિર્ણયને નીચી મૂંડી કરીને સ્વીકારવાના બદલે જે દેશના હિતમાં નથી તેની સામે અવાજ ઉઠાવવાની હિંમત કેળવવી પડે. દેશનું શાસન એક વ્યક્તિ નહીં પણ સામૂહિક જવાબદારીથી ચાલે એ જરૂરી છે. મોદી પોતે પણ આ પરિવર્તન લાવી શકે. પોતે જ બધું કરવાના બદલે પોતાના સાથીઓને જવાબદારી સોંપીને દેશને નવી દિશા આપી શકે.
વિદેશ નીતિઃ વિશ્વ અત્યારે એક નિર્ણાયક મોડ પર છે. અત્યારે જે સમીકરણો છે તેના પરથી લાગી રહ્યું છે કે વિશ્વ ફરી કોલ્ડ વોરના યુગ તરફ ધકેલાઈ રહ્યું છે. અમેરિકા તો તાકતવર છે જ પણ રશિયા ફરી જોરાવર બની રહ્યું છે. ચીન ત્રીજી મહાસત્તા તરીકે ઉભર્યું છે ને ભારતને સૌથી વધારે ખતરો ચીન તરફથી છે. ગલવાન ઘાટીમાં બનેલી ચીનના લશ્કર સાથેની અથડામણ કે પછી અરૂણાચલ પ્રદેશમાં ચીને કરવા માંડેલાં બાંધકામો પરથી સ્પષ્ટ છે કે, ભારત માટે હવે પાકિસ્તાન કરતાં ચીન તરફથી વધારે ખતરો છે. આ ખતરાને કઈ રીતે મોદી સરકાર પહોંચી વળશે એ જોવાનું છે.
ભારતમાં વિકાસ માટે જરૂરી પરિબળો પૈકી રાજકીય સ્થિરતાને બાદ કરતાં બાકીનાં પરિબળોનો સંબંધ વિદેશ સાથે છે. વિકાસ માટે જંગી ભારતમાં વિકાસ માટે જરૂરી પરિબળો પૈકી રાજકીય સ્થિરતાને બાદ કરતાં બાકીનાં પરિબળોનો સંબંધ વિદેશ સાથે છે. વિકાસ માટે જંગી વિદેશી રોકાણ પ્રાથમિક જરૂરીયાત છે. ભારતમાં શાંતિ અને સલામતી જોઈએ તો સાથે સાથે વિદેશી ટેકનોલોજી પણ જોઈએ. આપણા માલને ખપાવવા માટે વિદેશનાં બજારો પણ જોઈએ. મોદી સરકાર આ સંતુલન ૨૦૨૨માં જાળવી શકશે કે નહીં તેના પર દેશના ભાવિનો આધાર છે.