અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરી દીધો.
અમેરિકન પત્રકાર ટકર કાર્લસને પોતાના ઓનલાઈન શો ‘જજિંગ ફ્રીડમ’માં અઠવાડિયા પહેલાં દાવો કરેલો કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલા પર હુમલો કરી શકે છે અને આ વાત સાચી પડી છે. અમેરિકાના લશ્કરે શનિવારે વેનેઝુએલાના ચાર મોટાં શહેરો પર હુમલા કર્યા અને ગણતરીના કલાકોમાં તો વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્નીને કેદ કરી લીધા. ટ્રમ્પે લગભગ મહિના પહેલાં માદુરોને અઠવાડિયામાં વેનેઝુએલા છોડીને જતા રહેવા અલ્ટિમેટમ આપી દીધેલું પણ માદુરો આ અલ્ટિમેટમને ઘોળીને પી ગયેલા.
ટ્રમ્પે અઠવાડિયા પછી ક્રુડ ઓઈલનાં ટેન્કરોના વેનેઝુએલા આવવા-જવા પર પ્રતિબંધ મૂકીને સંપૂર્ણ નાકાબંધીનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પે પોતાના સોશિયલ પ્લેટફોર્મ ટ્રુથ પર લખેલું કે વેનેઝુએલા અમેરિકાની સૌથી મોટા નૌકાદળની ઘેરાબંધીથી ઘેરાયેલું છે અને વેનેઝુએલા અમેરિકાના ચોરેલા ઓઈલ, જમીન અને અન્ય સંપત્તિઓ પાછી નહીં આપે તો નાકાબંધી વધશે. ટ્રમ્પે લશ્કરી જમાવટ કરેલી પણ માદુરો સામે કશું ના કર્યું તેથી સૌને લાગેલું કે, ટ્રમ્પ રાબેતા મુજબ ખાલી થૂંક ઉડાડી રહ્યા છે અને માદુરોને ડરાવી રહ્યા છે. ટ્રમ્પ ખાલી હૂલ આપ્યા કરશે એવું સૌને લાગતું હતું પણ ટ્રમ્પે સાચે જ હુમલો પણ કરી દીધો અને માદુરોને જેલભેગા પણ કરી દીધા. હવે અમેરિકા વેનેઝુએલામાં પોતાની કઠપૂતળી સરકાર બેસાડશે એ કહેવાની જરૂર નથી.
મજાની વાત એ છે કે, ટ્રમ્પ પોતાને શાંતિદૂત ગણાવે છે. દુનિયામાં ચાલતાં યુધ્ધો રોકાવવા માટે પોતે સક્રિય હોવાના ફાંકા મારે છે અને તેનાથી વિપરીત તેમણે હુમલો જ કરી દીધો. તેના પરથી સાબિત થાય છે કે, ટ્રમ્પ દાવા ગમે તે કરે પણ એ મૂળ આક્રમણખોર જ છે.
અમેરિકા કેમ વેનેઝુએલાનું દુશ્મન બન્યું ?
અમેરિકા અને વેનેઝુએલાની દુશ્મની અઢી દાયકા જૂની છે. આ દુશ્મનીના મૂળમાં વેનેઝુએલાના પેટ્રોલિયમ ભંડાર છે. વેનેઝુએલા ઓરિનોકો બેલ્ટમાં દુનિયામાં સૌથી મોટા પેટ્રોલિયમ ભંડાર ધરાવે છે. પહેલાં વેનેઝુએલાના પેટ્રોલિયમ ભંડારો પર અમેરિકાનો કબજો હતો પણ હ્યુગો શેવેઝે અમેરિકાને તગેડી મૂક્યું તેમાં સંબંધો બગડી ગયા. અમેરિકા વરસોથી આ ભંડારો ફરી કબજે કરવા મથે છે પણ વેનેઝુએલા મચક નથી આપતું તેથી અમેરિકા વેનેઝુએલામાં શાંતિ નથી થવા દેતું.
વેનેઝુએલામાં મોટા ભાગનો સમય સમાજવાદીઓનું શાસન રહ્યું તેથી અમેરિકા ઘૂસી નહોતું શકતું. સમાજવાદ સામ્યવાદનું જ સ્વરૂપ છે તેથી વેનેઝુએલાની સરકારોની નીતિઓ સામ્યવાદીઓ જેવી જ હતી એટલે અમેરિકાનો ગજ નહોતો વાગતો. ૧૯૭૪માં કાર્લોસ એન્ડ્રેઝ પેરેઝ સત્તા પર આવ્યા તેથી અમેરિકાને વેનેઝુએલામાં પગપેસારો કરવાની તક મળી ગઈ ને અમેરિકાએ ભરપૂર લાભ લીધો. પેરેઝ પોતાને લોકશાહી તરફી ગણાવતા ને વૈશ્વિક સ્તરે લોકશાહીતરફી એટલે અમેરિકા તરફી કહેવાય.
પેરેઝે વેનેઝુએલામાં પેટ્રોલિયમ ઉત્પાદન વધારીને વેનેધુએલાને સમૃધ્ધ કર્યું ને એ બહાને અમેરિકાની મોટી કંપનીઓને ઘૂસાડી દીધી. અમેરિકાની મોટી કંપનીઓએ પેરેઝના શાસનમાં પેટ્રોલિયમ ક્ષેત્ર પર વર્ચસ્વ સ્થાપી દીધું, બલ્કે કબજો જ કરી લીધો. લોકોને શરૂઆતમાં સમૃધ્ધિ સારી લાગી પણ ૧૯૯૦ના દાયકામાં તેની ખરાબ અસરો શરૂ થઈ તેથી સરકારની આર્થિક હાલત બગડવા માંડી હતી. દરમિયાનમાં ૧૯૮૯માં ફરી પેરેઝ પ્રમુખ બન્યા અને તેમણે અમેરિકા સામે શરણાગતિ જ સ્વીકારી લીધી. તેના કારણે અમેરિકાની કંપનીઓ તગડી થઈ ગઈ અને દેશની હાલત બગડી ગઈ. ચીજવસ્તુઓના ભાવો પણ વધતાં લોકોમાં જોરદાર આક્રોશ પેદા થયો. તેના કારણે પ્રચંડ આંદોલન થયું અને બોલિવર ક્રાન્તિ થઈ તેમાં અમેરિકા તરફી સરકાર ફેંકાઈ ગઈ.
હ્યુગો શાવેઝ બોલિવર ક્રાંતિના પ્રણેતા હતા.
શેવેઝને વેનેઝુએલા અને અમેરિકા વચ્ચેની દુશ્મનાવટના પણ પ્રણેતા માનવામાં આવે છે કેમ કે ૧૯૯૯માં હ્યુગો શેવેઝ પ્રમુખ બન્યા પછી અમેરિકન કંપનીઓને ઉચાળા ભરાવ્યા. શાવેઝે અમેરિકાની નાગચૂડમાંથી વેનેઝુએલાને આઝાદ કરવા કમર કસી અને સાથે સાથે વેનેઝુએલાની કાયાપલટ કરી નાંખી તેથી શાવેઝ આજે પણ વેનેઝુએલામાં હીરો ગણાય છે.
શાવેઝે દુનિયાની મોટી ઓઈલ કંપનીઓને વેનેઝુએલા છોડી જવા કહ્યું તેમાં સંઘર્ષ શરૂ થયો કેમ કે મોટા ભાગની કંપની અમેરિકન હતી. અમેરિકાએ હ્યુગોને માઠાં પરિણામોની ધમકી આપી પણ શાવેઝે તેની અવગણના કરીને ઓઈલ પ્રોજેક્ટ્સમાં સરકારી કંપની પીડીવીસએએના બહુમતી શેર હોય એવો કાયદો બનાવી દીધો. શેવરોન, ટોટલ વગેરે વિદેશી કંપનીઓએ શરણાગતિ સ્વીકારીને કામ ચાલુ રાખ્યું પણ એક્સોનમોબિલ અને કોનોકોફિલિપ્સ જેવી અમેરિકન કંપનીઓએ આ કાયદાને માનવાનો ઈન્કાર કરી દીધો. શાવેઝે સખ્તી બતાવીને અમેરિકન કંપનીઓની સંપત્તિઓ જબરદસ્તીથી છિનવીને આ કંપનીઓને તગેડી મૂકી. અમેરિકાની કંપનીઓ આ પગલાને ગેરકાયદેસર ગણાવીને ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન કોર્ટમાં કેસ લડ્યા કરે છે.
અમેરિકાએ વેનેઝુએલાને ભિડાવવા માટે તેના પર નિયંત્રણો લાદવા માંડ્યાં. શાવેઝ પણ મચક આપતા નહોતા. તેમણે વેનેઝુએલાના અર્થતંત્રને સધ્ધર કરવા માટે આવકના બીજા સ્રોત ઉભા કરવા માંડ્યા. રશિયા અને ચીન સહિતનાં અમેરિકા વિરોધી પરિબળોએ પણ મદદ કરી. વેનેઝુએલાને વિદેશમાંથી મળતી કુલ આવકના ૯૫ ટકા ક્રૂડઆૅઈલ નિકાસમાંથી મળતી. અમેરિકાએ ગાળિયો કસવા માંડ્યો તેથી તેના પર અસર પડી.
શાવેઝે તેનો રસ્તો કાઢીને મકાઈ, જુવાર, શેરડી, કોફી, કેળાં જેવી ખેતપેદાશો આધારિત ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ વિકસાવીને દેશમાં રોજગારી ઉભી કરી. વેનેઝુએલામાં વિશાળ તેલભંડારો તેમજ કોલસા, લોખંડ, બોક્સાઇટ અને સોનાનો જથ્થો આવેલો છે. શાવેઝે તેના આધારિત અર્થતંત્ર વિકસાવ્યું અને પેટ્રોલિયમ ઉપરાંત ખેતીપેદાશો, ખનીજો, બાંધકામનાં સાધનો, દવાઓ, પશુ ખાણદાણ, વિવિધ મશીનરીઓની નિકાસ કરીને અર્થતંત્રને જમાવ્યું.
શાવેઝે નવા ઉદ્યોગો ઉભા કર્યા તેના કારણે વેનેઝુએલા પર દેવું વધ્યું પણ એકંદરે સ્થિતી કાબૂમાં હતી. શાવેઝ કાબેલ શાસક હતા તેથી વેનેઝુએલા અમેરિકાનાં નિયંત્રણો સામે પણ ઝીંક ઝીલી ગયું અને અમેરિકા કદી શાવેઝને નમાવી ના શક્યું અને વેનેઝુએલામાં ના ઘૂસી શક્યું.
અમેરિકાને ૨૦૧૩માં તક મળી ગઈ.
હ્યુગો શાવેઝનું ૨૦૧૩માં અવસાન થયું ત્યારે વેનઝુએલા સારી સ્થિતીમાં હતું પણ અચાનક ક્રુડ ઓઈલના ભાવોમાં કડાકો બોલી ગયો તેમાં વેનેઝુએલાની પનોતી બેસી ગઈ. શાવેઝના નિધનના બાદ હાલના પ્રમુખ નિકોલસ માદુરોએ સત્તા સંભાળી પણ માદુરો શાવેઝ જેવા કાબેલ નહોતા તેથી મોંઘવારી વધવા માંડી. ફુગાવો વાર્ષિક પચાસ ટકાના દરે વધવા માંડેલો તેથી માદુરોએ ચીન અને રશિયા પાસેથી સહાય લીધી પણ અમેરિકાના કાવાદાવા સામે ટકવું મુશ્કેલ બની ગયું હતું. વેનેઝુએલાના માથે અત્યારે ચીન અને રશિયા સહિતના દેશોનું ૧૪૦ અબજ ડોલરનું દેવું છે. આ દેવું ચૂકવવા સરકારને સમય અપાયો છતાં માદુરો સરકાર ચૂકવણી ના કરી શકી તેમાં આર્થિક હાલત બગડી. બીજી નાણાંકીય સંસ્થાઓનું દેવું પણ નથી ચૂકવી શકાતું તેના કારણે અર્થતંત્ર તૂટી પડ્યું છે.
માદુરોએ છેલ્લો દાવ ખેલીને વર્ચ્યુઅલ કરન્સી લોંચ કરી હતી. માદુરોનો ઈરાદો દુનિયાભરનાં કાળાં નાણાંનું વેનેઝુએલામાં રોકાણ કરાવવાનો હતો પણ અમેરિકાએ વર્ચ્યુઅલ કરન્સીને નિષ્ફળ બનાવવા પૂરી તાકાત લગાવી દીધી. વર્ચ્યુઅલ કરન્સીનો પ્રભાવ વધે તો અમેરિકાની દાદાગીરીના દિવસો પૂરા થાય. વેનેઝુએલા સફળ થાય તો દુનિયા એક નવા યુગમાં પ્રવેશે ને પછી દુનિયાનો દરેક દેશ અમેરિકાના ઈશારે ચાલતા અર્થતંત્રને ફગાવીને વર્ચ્યુઅલ કરન્સીને અપનાવે તેથી અમેરિકાએ સામ, દામ, દંડ, ભેદ અજમાવીને માદુરોનો દાવ ના ચાલવા દીધો તેથી સ્થિતી વધારે ખરાબ થઈ.
આ સંઘર્ષ દરમિયાન પણ અમેરિકા માદુરોને પોતાની તરફ ખેંચવા દાણા તો નાંખ્યા જ કરતું હતું. માદુરો અમેરિકાની પેટ્રો કંપનીઓને એન્ટ્રી આપે તો અમેરિકા માદુરોને મદદ કરવા તૈયાર હતું. એ માટે પાછલા બારણે અમેરિકાએ મથામણ કરી જોઈ પણ માદુરોએ મચક ના આપી તેથી ડોનાલ્ડ ટ્રમ્પ ભડકી ગયા. ટ્રમ્પે છેલ્લે પાટલે બેસીને એલાન કર્યું કે, વેનેઝુએલાએ અમેરિકાના ઓઈલ અને એનર્જીના અધિકારોને ગેરકાયદેસર રીતે છીનવી લીધા છે. આ અધિકારો પાછા નહીં આપે તો હુમલો કરી દેશે. ટ્રમ્પે માદુરો અમેરિકામાં ડ્રગ્સ અને હથિયારો ઘૂસાડે છે એ બદલ તેમની સામે કેસ ચલાવવાની ચીમકી પણ આપી હતી.
માદુરોએ આ ચેતવણીને અવગણી તેથી અમેરિકાએ હુમલો કરી દીધો. માદુરોની દલીલ છે કે, વેનેઝુએલાના કુદરતી ભંડારો પર તેના સિવાય કોઈને અધિકાર નથી. શાવેઝના સમયમાં કંપનીઓને ચૂકવણી કરી દેવાઈ છે તેથી હવે કોઈ નાણાં ચૂકવવાનાં થતાં નથી.
અમેરિકાએ આ વાત ના માની ને તેનો અંત માદુરો ઘરભેગા થયા તેમાં આવ્યો છે. ભૂતકાળમાં અમેરિકાએ અફઘાનિસ્તાન, ઈરાક વગેરે દેશોમાં સત્તાપલટો કરાવ્યા પછી એ દેશોને નોંધારા છોડી દીધા પણ વેનેઝુએલાને નોંધારું નહીં છોડે કેમ કે વેનેઝુએલા સોનાનાં ઈંડાં આપતી મરઘી છે. હવે વેનેઝુએલામાં અમેરિકાની કઠપૂતળી સરકાર બેસશે ને અમેરિકા વેનેઝુએલાને ફરી દોહવાનું શરૂ કરશે તેમાં શંકા નથી.








































