સંજય ઓફિસથી સાંજે ઘરે આવ્યો કે પાણીનો ગ્લાસ આપણાં એકદમ ખુશ ખુશ દેખાતી સોનલે ઉમળકાથી કહ્યું: “ આજે બપોરે મારા પપ્પાનો ફોન આવ્યો હતો ઃ અશોક હવે તૈયાર થયો છે અને પપ્પાને હા પાડી છે. પપ્પાએ કહ્યું છે કે સંજયકુમારને કહેજે કે સ્હેજ ઉતાવળ રાખે. આમને આમ ભાઇને પાત્રીસ પુરા થવા આવ્યા.” “ભાઇ બહુ નાચ્યા….” સંજયના મોઢે આ શબ્દો આવી ગયા પણ પત્નીનું દિલ દુભાશે એમ સમજીને મૌન રહ્યો અને પત્નીના ખુશહાલ ચહેરા સામે તાકી રહ્યો.
“તો પછી હું શું કહુ છું કે…” પાણીનો ગ્લાસ પરત લેતા સોનલ ઉત્કંઠાથી કહેતી હતી: “તમે ભટ્ટભાઇને પૂછી જ જુઓને તેમની દીકરી વૈશાલીને તો મેં જાઇ જ છે કેટલી સરસ દેખાય છે ભલે છાંડેલી છે પણ અશોક એને જાઇને તરત જ હા પાડી જ દેશે ! તમે જરા ફોન…” “એ વાતને આજે છ મહિના થવા આવ્યા અને ભટ્ટભાઇની બદલી થઇ તેને ય ત્રણ મહિના થઇ ગયા. વૈશાલીનું શું થયું એ તો મનેય ખબર નથી. ” “વાત કરો તો ખબર પડે ને ? ” સોનલે ઉતાવળા થતા કહ્યું: “પ્રસ્તાવિક ફોન કરીને એમને હા પાડી જ દો.” ભાઇનું ‘ઘર’ બંધાવાની હોંશમાં ને હોંશમાં સોનલે પતિએ ટીપોય ઉપર મુકેલો મોબાઇલ અંબાવતા કહ્યું ઃ “લો એકવાર વાત કરી લોને ?” સંજયે ફોન લગાડયો. ફોન સ્પિકર ઉપર જ રાખ્યો હતો. બદલી થયા પછી નવા તાલુકાનું વાતાવરણ અને સ્ટાફ વિશે થોડી વાત કરી સંજયે કહ્યું: “ભટ્ટજી…. પછી તમને જવાબ આપવામાં વિલંબ થઇ ગયો અને હું ય થોડા કામમાં પડી ગયો હતો… આપણે બેન માટે જે વાત કરેલી એ બાબતે અમે આગળ વધવા માગીએ છીએ. ભલે જે કંઇ હોય પણ…” “ સંજયભાઇ થોડાંક મોડા પડયા…” ભટ્ટભાઇએ નિખાલસતાથી કહ્યું : “હજી અષાઢી બીજે જ વૈશાલીનું નક્કી કર્યું. સાચું કહું તો તમારી જવાબની રાહ ખૂબ જાઇ પણ પછી માન્યું કે જવાબ આપવામાં તમારીય કોઇક મજબૂરી હશે બાકી સોનલબેનના પરિવારમાં થતું હોત તો હું બીજે કયાંય ના કરત! ખેર, છોકરો બીજવર જ છે પણ કોઇ છૈયું છોકરૂં નથી. તેની પહેલી પત્ની કોરોનામાં ચાલી ગઇ પછી એ છોકરાનું મન બીજે કયાંય લાગતું નહોતું. પણ આપણી વૈશુને જાયા પછી એ ઢળ્યો. આમ તો છોકરો, ઘર પરિવાર ખુબ સીધા છે. પહેલામાં તો આપણે થાપ ખાઇ ગયા પછી ‘દૂધનો દાઝયો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે’નો સમય આવ્યો છે. પણ અત્યારે તો બધું સારૂં લાગે છે બાકી તો એની જિંદગી ઉપરવાળાને હાથ…! ” એક બાપની લાગણી તેમના શબ્દોમાં તરવરતી હતી. થોડું અટકીને એ બોલ્યા: “તેમ છતાં તમારા સાળા માટે હું ટ્રાય કરતો રહીશ કયાંક એવું બરાબરીનું કુંટુંબ મળશે તો જરૂર તમને કેવરાવીશ.” ફોન પૂરો થયો અને સોનલ નિરાશ થઇ બેસી પડી.: “ અને પછી ભાઇ ઉપર વરસી પડી: “એક આ અશકાએ દિ’ દીધા છે. આટલી બધી છોકરીઓ બતાવી પણ કયાંય હા પાડી જ નહી. હવે આ ઉંમરે તેને અપ્સરા જાઇએ છે. નવરી બેઠી હશે કયાંય એની રાહ જાઇને ?? જવાબ આપવામાં
આભાર – નિહારીકા રવિયા આટલા થાંથાવેડા કર્યા ને વૈશાલી જેવી મસ્ત છોકરી હાથમાંથી ગઇ…” ગુસ્સાનું સ્થાન દર્દએ લીધું અને તેની આંખમાં પાણી આવી ગયા. સંજયે પાસે બેસીને તેને આશ્વાસન આપ્યું:“એમાં તારો વાંક નથી. એ ભાઇ જ બધી રીતે જવાબદાર છે. આમને આમ બાપુજીનું બી.પી. વધાર્યા કરશે!! ”
—
આ વાતને લગભગ પોણો મહિનો થયો હશે કે એક દિવસ કયાંકથી સોનલના વોટસએપ ઉપર સંજુ દસ બાર વરસ પહેલા ગઢપુર તાલુકામાં નોકરી કરતો હતો એ તાલુકાની ઇરીગેશન ઓફિસમાં નોકરી કરતા એક સ્ત્રી અને એક પુરૂષે સજાડે દવા પીને આપઘાત કરી લીધાનો મેસેજ આવ્યો એટલે સોનલ ચમકી. આમ તો આવા સેડ ન્યૂઝ તે બહુ વાંચતી નહી પણ ગઢપુર ઇરીગેશન કચેરીનું નામ વાંચ્યા પછી તેને થયું કે આ કોણ હશે ? ઉપર એક સ્ત્રી અને પુરૂષનાં ડેડ બોડીના ફોટા હતા અને ઉપર લખ્યું હતું: ‘લગ્નેત્તર સંબંધોનો કરૂણ અંજામ !” એના મોઢામાંથી નીકળી ગયું: “ આ મોબાઇલે પણ હદ કરી છે ને કાંઇ !! ” સાંજે જયારે સંજય ઓફિસથી ઘેર આવ્યો ત્યારે સોનલે ઉત્કંઠાથી પૂછયું: મેં તમને મેસેજ મોકલ્યો એ વાંચ્યો કે નહીં ? ગઢપુર તાલુકાની કોઇ ઇરીગેશન ઓફિસમાં નોકરી કરતી કોઇ લેડિઝે એ જ ઓફિસમાં નોકરી કરતા કોઇ પુરૂષ સાથે મળીને દવા પીને આપઘાત કરી લીધો. તમે ત્યાં નોકરી કરી છે એટલે કદાચ ઓળખતા હો !” “ગઢપુરમાં ? ઇરીગેશન ઓફિસમાં જ દવા પી લીધી ? ” સંજય આશ્ચર્યાઘાતમાં સરી પડતા બોલ્યો: “ ત્યાં તો ઘણાં બધાને ઓળખું ” “ તો મેસેજ જાઇ લો.” સોનલે કહ્યું: “ મને એમ કે તમે મેસેજ વાંચી લીધો હશે.” “ ના રે ના… કામમાં ને કામમાં મેં વોટસઅપ ખોલ્યું જ નથી.” ખિસ્સામાંથી મોબાઇલ કાઢતા સંજયે કહ્યું અને મોબાઇલ નેટવર્ક ઓન કરી સોનલે મોકલાવેલા મેસેજને ઝૂમ કરીને જાયો. અંદર સ્ત્રી, પુરૂષના લગ્નેત્તર સંબંધોની ટીકા કરીને સ્ત્રી પુરૂષના નામ લખ્યાં હતા પણ કોઇ વિશેષ ઓળખાણ ન પડી. સોનલે પૂછયું: “તમે ઓળખો છો ?” “ઓળખતો તો નથી પણ બેચરને પૂછી જાઉં” પોતે જયાં પહેલા નોકરી કરતો હતો એ ઓફિસના પટ્ટાવાળા બેચરને ફોન કર્યો કે બેચરે ધડાકો કર્યો “એ જે ભાઇ છે એ આપણી ઓફિસના જુનિયર કલાર્ક શીલાબેનના ઘરવાળા છે તમને તો ખબર ન હોય, કારણ કે તમે હતા ત્યારે શીલાબેનની સગાઇ થઇ નહોતી. ઓફિસમાં અમદાવાથી બદલી થઇને એક બાઇ અહી આવી તેને આ શીલાબેન અને તેમના ઘરવાળાએ રહેવા કારવવાની બધી વ્યવસ્થા કરી દીધી. આવરોજાવરો વધ્યો એમાં એ બાઇનો ઘરવાળો તો શનિ – રવિની રજામાં કયારેક આવે પણ શીલાબેનના ઘરવાળા ચંદુલાલ સાથે તે બાઇની આંખ મળી ગઇ. શીલાબેન તો ભોળા એમને તો કંઇ ખબર જ ન પડી પણ ઓફિસમાં એકવાર બેય જણાને પટ્ટાવાળો જાઇ ગયો ને વા’ વાત લઇ ગયો ! છિનાળવું ઢાંકયું રહે ? શીલાબેન પહેલા તો રડયા પછી આપઘાત કરી લેવાની ધમકી આપી કે ચંદુલાલ ડરી ગયા. પેલી બાઇના પતિને પણ ખબર પડી. આ બાજુ શીલાબેનને એક આઠ દસ વરસની દીકરી અને ઇ બાઇને ત્યાં બે દીકરા છે. પણ પાછું ફરીને જાયા વગર જ બે દિ’ પહેલા બેય જણાએ સાંજે ૬ વાગ્યા પછી બધા વહ્યા ગયાને દવા ગટગટાવી લીધી. ફોટા જાયા ને સંજયભાઇ… ખાલી ખોળિયા જુદા લાગે બાકી જીવતો બેયનો એક જ…” “અરે ભગવાન…” સંજયના મોઢેથી અરેરાટી છુટી ગઇ. શીલા જેવી ભોળી છોકરીને માથે આ વિપત પડી ? બહુ કરી…” એણે સોનલને શીલા જુનિયર કલાર્ક તરીકે હાજર થઇ ત્યારની તેના ભોળપણની, માસુમિયતની, તેના ગરીબ ઘરની પરિસ્થિતિની તમામ વાત કરી. “અને… આ એક લઠ્ઠ ચંદુલાલ…” સંજયે આક્રોશ કાઢ્યો: “ સતી સીતા જેવી શીલાને મૂકીને પર સ્ત્રીની સોડમાં ભરાણે ? યાર, પુરૂષો કેવા કેવા થાય છે ! પોતાનું સુખ મૂકીને બીજે ઠેકાણે સુખ શોધવા નીકળી જાય છે ! ” “ભમરા કહો ભમરા…” સોનલને પણ ચંદુલાલ અને પેલી સ્ત્રી ઉપર દાઝ ચડી. કૈંક વિચારીને થોડી ક્ષણો પછી સંજય બોલ્યો: “સોનલ, મારે શીલાને આશ્વાસન આપવા એનાં મોઢે જવું પડશે એ બિચારી છોકરી મને ‘મોટાભાઇ’ કહીને જ બોલાવતી હતી. મને દુઃખ થાય છે. એનો શું વાંક ?’ “એક કામ કરીએ ? અચાનક સોનલની આંખમાં અનોખી ચમક આવી: “થોડાક દિવસો જવા દઇએ. પછી જઇએ, ત્યાં સુધી એક વાત પાક્કી કરી લઉં.” “કઇ વાત ?” સંજયે પૂછયું તો સોનલ મ્હોં મલકાવીને “પછી કહીશ.” કરતી રસોડામાં ચાલી ગઇ. આ વાતને સવા મહિના જેવું થયું કે સોનલે એક
આભાર – નિહારીકા રવિયા દિવસ કહયું: “હવે તમે પેલા બેચરને પૂછી જુઓને કે શીલાબેન નોકરી ઉપર હાજર થઇ ગયા ? અને એક એમનો ‘મોબાઇલ નંબર લઇ લેજા.’ “સારૂં ” કહી સંજય ઓફિસે આવ્યો. બેચર સાથે વાત કર્યા પછી શીલાનો ફોન નંબર મેળવી આવતા બીજા શનિવારની જાહેર રજામાં પોતે સપત્ની આવશે એમ વાત કરી, શનિવારની સવારે બન્ને બાળકોને કહી પોતે અને સોનલ કાર લઇને ગઢપુર જવા નીકળી ગયા. ત્યાં પહોંચ્યા ત્યારે બાર તો વાગી ચૂક્યા હતા. શીલાએ સાદુ ભોજન તૈયાર જ રાખ્યું હતું. ચા – પાણી પી, જે ઘટના ઘટી ગઇ એ વિષે દિલાસો પાઠવી ત્રણેય બેઠા. શીલાની આંખો ભીની હતી પણ તેનું રૂપ, પુરૂષને ઠારે તેવું હતું. અગાઉથી જ પ્રિ-પ્લાન કરી સંજય સાથે ચર્ચા વિચારણા કરીને જમ્યા પછી આ પ્રસ્તાવ મૂકવો એવું બેય પતિ-પત્નીએ આંખોથી નક્કી કરી લીધું. ઘરમાં પરી જેવી આઠેક વર્ષની દીકરી પતંગિયા જેમ આમથી તેમ દોડી રહી હતી પણ આ ક્ષણે ‘મોટાભાઇ’ ‘મોટાભાઇ’ ‘ભાભી…’ ‘ભાભી’ કરતી શીલાનો લાગણીશીલ સ્વભાવ પહેલા જ પરિચયમાં સોનલને છેક સુધી સ્પર્શી ગયો હતો. જમીને ત્રણેય જણા બેઠા કે સંજયે વાતની માંડણી બાંધતા કહ્યું: “શીલા તને મારી નાની બહેન જ સમજુ છું તો મોટાભાઇને નાતે એક શિખામણ પણ આપું છું કે હજી તારી ઉંમર કેટલી ? વધુમાં વધુ પાત્રીસ જેટલી ! સમાજ કંઈ બાકી નથી રાખતો એટલે આજે નહીં તો કાલે પણ મોટાભાઇની એક વાત મામીશ ?…” બોલી સંજય, શીલા આંખોમાં તાકી રહ્યો પછી કહ્યું: “કોઇ સારૂં પાત્ર મળી જાય તો એ દિશામાં વિચારજે… બાકી તો…” એટલું કહી તેણે પત્ની સામે જાયું કે સોનલે વાત ઉપાડી લીધી ઃ “હા, શીલાબેન તમારા ભાઇ સાચું કહે છે અને આજે એક પ્રસ્તાવ પણ મૂકુ છું કે મારો નાનો ભાઇ છે. પાત્રીસ વર્ષની ઉંમર છે. હજી કુંવારો જ છે. વિચારીને કહેજા તો આગળ વધીશું…” “વખત હાથમાં નથી રહેતો… કયારેક અફસોસ થાય, કયારેક દર્દ થાય, કયારેક જાત ઉપર પણ ક્રોધ ઉપજે. વધારે શું કહું ? પણ ઘટના ઘટ્યાના બાર દિવસ પછી શોભના (ચંદુલાલની પ્રેમિકા) ના પતિ અરવિંદ ખરખરે અને દિલસોજી આપવા આવ્યો ત્યારે ભૂલને સ્વીકારતા એમણે કહ્યું કે “કયાંક મારી કે કયાંક તમારી પણ ભૂલ હશે કે આપણાં પાત્રોને આપણે ઓળખી તો ન શક્યા પણ આપણે કયાંક એમને ઓછા પણ પડયા એય જાણી ન શકયા. બાકી એનો તો તમારા ઘરમાં રાત દિ’ નો આવરોજાવરો હતો પણ તમેય કાચા પડયા. ચિંતા તો ત્રણેય બાળકોની છે કે એમનું શું થશે ? ખેર, મારી કયાંય ભૂલ લાગતી હોય તો ખરા દિલથી માફી માગુ છું કહીને હાથ જાડીને નીકળી ગયા. હું વિચાર કરતી થઇ ગઇ મોટાભાઇ કે આમાં બાળકોનો શું વાંક ? એમના બે અને મારી આ એક…’ થોડે દૂર લેશન કરવા બેઠેલી બેબી તરફ એણે આંગળી ચિંધી .વરસી વાળ્યા પછી વળતો વહેવાર રાખવા હું પણ એક દિવસ અમદાવાદ એમના ઘેર ગઇ ત્યારે તેઓ છોકરાઓને નવડાવી ધોવડાવી તૈયાર કરતા હતા. ગઇ તો તેઓ રાજી થયા કહે કે હવે જમીને જ જવાનું છે અને બાળકો તો ? તેની આંખમાં આંસુ આવી ગયા. એમના દેવ અને દીપ તો મારી પીંકીને જાઇને એવા તો રાજી થઇ ગયા કે જાણે સગ્ગી નાની બેન આવી એમના ઘેર. બાળકોને એકબીજામાં સમાઇ ગયેલા જાયા પછી એમણે મને પૂછયું ઃ આનાથી વિશેષ તમારે હવે શું જાઇએ ? વેણ રાખો તો વ્હાલપને કોઇ નામ આપીએ…” અને પછી સમાજ શું કહેશે તેની તમા રાખ્યા વગર ફકત બાળકોને ખાતર જ મોટાભાઇ…” વાકયને અધ્યાહાર રાખીને નજર નીચે કરીને તે બોલી: “તેર તારીખે શોભનાની વરસી વળાઇ જાય કે પંદરમીએ અમે ફૂલહાર કરી લેવાના છીએ.”
જાણે વીજળીનો કડાકો થયો. બોલવા જેવું હવે કશું હતું નહીં. દસ મિનિટ પછી બન્ને ઊભા થઇ ગયા, સંજયથી કારની ચાવી કાઢતા કાઢતા અશોકનો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો શર્ટના ખિસ્સામાંથી બહાર ડોકિયુ કરી ગયો કે સોનલે, ઝાપટ મારીને તેને અંદર સરકાવી દીધો !!