અમદાવાદના વેજલપુર વિસ્તારમાં મકરબા રોડ પાસે આવેલા કૃષ્ણનગર રો–હાઉસમાં મંગળવાર મધરાતે ભીષણ આગ ફાટી નીકળતાં દુઃખદ ઘટનામાં પિતા અને ૯ વર્ષીય પુત્રનાં મોત થયા છે. ગોહિલ પરિવાર રાત્રે ઊંઘમાં હતો ત્યારે લગભગ ૩ઃ૩૦ વાગ્યે આગ ભભૂકી હતી. પરિવારના અન્ય ત્રણ સભ્યો જીવ બચાવી બહાર આવી શક્યા હતા.
ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, મકાનના નીચલા હોલ વિસ્તારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. થોડા જ સમયમાં ધુમાડો આખા મકાનમાં ફેલાઈ ગયો હતો અને ઉપર સુધી પહોંચી ગયો હતો. ઘરની મહિલા મિતલબેન ગોહિલે જણાવ્યું કે, પતિ ધૃવભાઈ, ૯ વર્ષીય પુત્ર શાશ્વત, અને તેઓ પોતે એક રૂમમાં સુતા હતા,સાસુ અને દીકરી બાજુના રૂમમાં સુતા હતા.રાત્રે અચાનક ગૂંગળામણ અને શ્વાસમાં તકલીફ અનુભવ થતાં મિતલબેન જાગી પતિને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ભાનમાં ન આવ્યા. ધુમાડો એટલો વધારે હતો કે દેખાતું પણ નહોતું,મિતલબેન કહે છે કે તે અને તેમની સાસુ તથા દીકરી બાલ્કની દ્વારા નીચે પડોશીના ઘરમાં ઉતરીને બહાર નીકળી આવ્યા, પરંતુ પતિ અને પુત્ર ઘરમાં જ ફસાઈ ગયા.
સ્થાનિક લોકોએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરતા,૨ થી વધુ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ઉપર અને નીચે બંને માળે આગ લાગેલી હતી ત્યાં પાણીનો માર માર્યો હતો. ધૃવભાઈ અને બાળક શાશ્વતને બેભાન હાલતમાં બહાર કાઢીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હોસ્પિટલ માં બંનેને મૃત જાહેર કરાયા હતા. પરિવારના અન્ય ત્રણ સભ્યો હાલ સારવાર હેઠળ છે.
ફાયર બ્રિગેડ અને વેજલપુર પોલીસ બંનેએ ઘટના સ્થળે તપાસ શરૂ કરી છે. શોર્ટ સર્કિટ પક્કું કારણ છે કે અન્ય કંઈ તકેદારીનો અભાવ અંગે હજુ તપાસ ચાલુ છે.