વર્ષ બદલે વાતો જૂની થાય, નવા વર્ષમાં નવી આશા થાય! ૨૦૨૪ વર્ષના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. ત્રણ દિવસ બાદ કેલેન્ડર બદલાઈ જશે. માત્ર કેલેન્ડરમાં મહિના, તારીખો અને વારના નામ એના એ જ રહે છે પણ વર્ષનું ટાઇટલ બદલાઈ જશે. હવેથી તારીખ અને મહિનાની પાછળ ૨૦૨૫ લખાશે. આ માત્ર આંકડાકીય ફેરફાર જ નથી પણ હજી હમણાં જ બનેલી ઘટનાઓને ભૂતકાળના ગર્ભમાં ધરબીને ભવિષ્યની નવી આશાઓ અને અરમાનો માટે વર્તમાનના વિવિધ આયામો સુધી પહોચવાની મથામણ કરતા માનવીઓ માટેની સમય ચારણી છે. અત્યારે જૂના વર્ષ અને નવા વર્ષનો સંધિકાળ ચાલે છે. સંધી કાળનું કૈક જુદુ જ મહત્વ રહેલું છે. આ દિવસો કાળના બે પડાવોને જોડતી કડી છે ત્યારે પસાર થયેલી પળોને પલટાવી શકાતી નથી પણ વીતેલી ક્ષણોને વાગોળીને, વલોવીને એમાંથી નવા વર્ષ માટે ઉપયોગી નીપજ તારવી શકાય. આ એવો સમય છે જેનું ફ્લેશબેક કરતા આખા વર્ષ દરમ્યાન મળેલી સફળતા-નિષ્ફળતાના લેખા-જોખા થાય છે. આખા વર્ષ દરમ્યાનના માણસના ખુશી અને ગમ એના માનસપટ પર જબકારા મારે છે. કેટલીક યાદગાર પળો માત્ર વીતેલા વર્ષ પૂરતી જ નહિ પણ જીંદગી પર્યંત ભુલાય નહિ તેવી હોય છે. કેટલીક ઘટનાઓ એવી ઘટી હોય છે એ યાદ કરવાથી આજે પણ મૂડ ખરાબ થઈ જાય છે. કેટલાક પ્રસંગો પરેશાન કરનાર બન્યા હોય છે. કેટલાક કિસ્સા આપણા જીવનમાં પરિવર્તન માટેના હિસ્સા બન્યા હોય છે. કેટલીક ભૂલો આજીવન ભૂલી શકાતી નથી હોતી. એમાંથી મળેલી શીખ આગળની મુસાફરીના માર્ગ માટે માર્ગદર્શક બનનારી હોય છે. કેટલીક આપત્તિઓ આપણી પોતાની ભૂલના કારણે આવી હોય છે. કેટલાકમાં બીજાની બનાવટનો ભોગ બન્યા હોય તેવી હોય છે. ક્યાંક કોઈના વાણી વર્તન અને વ્યવહારનો ભોગ બન્યા હોઈએ તો ક્યાંક આપણા વાણી, વર્તન અને વ્યવહાર બીજાની ખુશી કે ગમ માટે નિમિત્ત બન્યા હોય છે. ક્યાંક આપણો સ્વાર્થ બીજાના સુખમાં અવરોધક બન્યો હોય તો ક્યાંક કોઈ બીજાનો સ્વાર્થ આપણા દુઃખનું કારણ બન્યો હોય છે. આપણી આસપાસની દુનિયામાં વીતેલા વર્ષમાં ઘણી બધી ધારેલી કે અણધારેલી ઘટનાઓ કે દુર્ઘટનાઓ બની ગઈ હોય જેમાં આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ હોઈએ અને આવી ઘટનાઓ કે દુર્ઘટનાઓ આપણા સુખ-દુઃખનું કારણ બની હોય છે. ક્યારેક કોઈ સ્વજનથી માઠું લાગ્યું હોય અને અબોલા થયા હોય તો ક્યારેક આપણાથી કોઈ નારાજ થયું હોય અને આપણે એને માફ કરી શક્યા ના હોઈએ. ક્યારેક કોઈની પાસે માફી માગવી પડી હોય તો ક્યારેક કોઈને મોટું મન રાખીને માફી આપી હોય. છતાં કોઈની માફી માગવાની રહી ગઈ તો માગી લઈએ, કોઈને માફ કરવાનું બાકી રહી ગયું હોય તો યાદ કરી લઈએ. પરિવારમાંથી કોઈ સ્વજને આપણી વચ્ચેથી કાયમી વિદાય લીધી હોય તો એની ખોટ સાલતી હોય. એની સામે પરિવારમાં નવા સભ્યનું આગમન થયું હોય એનો આનંદ મળતો હોય. ક્યારેક દિવસ રાત સખત મહેનત કરી હોય છતાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવ્યાનો સંતોષ મળ્યો હોય. ક્યારેક રજાઓમાં પરિવાર સાથે ખૂબ આનંદ કર્યો હોય. ક્યારેક ફરજ માટે પરિવારના પ્રસંગને મિસ કર્યો હોય. ક્યારેક કોઈને રાહ જોવડાવી હોય તો ક્યારેક કોઈની આપણે રાહ જોવી પડી હોય.ક્યારેક દોડધામના કારણે ટાણું ચૂકી ગયા હોઈએ તો ક્યારેક સમયસર ધરાઈને ધાન ખાવાનો મિઠો ઓડકાર આવ્યો હોય.ટુંકમાં વીતેલા વર્ષમાં સમય સાથે અનુકૂલનની શીખ મેળવીને ગયા વર્ષના સંભારણા કરીએ. ક્યાંક સુખદ રીતે કોઈની મહેમાનગતિ માણી હોય તો ક્યાંક અગવડતાઓ ચલાવી લીધી હોય. ક્યાંક આદર મળ્યો હોય તો ક્યાંક અપમાન સહન કરવું પડ્યું હોય. વીતેલા વર્ષ દરમ્યાન ક્યારેક અચાનક ખુશીના સમાચાર મળ્યા હોય તો ક્યારેક દુઃખદ સમાચાર મળ્યા હોય. કુટુંબ, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે તન, મન અને ધનથી આપણું યોગદાન આપણે જે મેળવ્યું છે એમાંથી આપતા હોઇએ ત્યારે એનો વસવસો નહિ પણ અનેરો આનંદ હોય છે. વીતેલા વર્ષના અનુભવમાં ક્યારેક આપવાની ઈચ્છા હોય પણ આપણી ક્ષમતા ના હોય અને મનમાં એક પ્રકારનો ક્ષોભ હોય છે. આવનારું વર્ષ આપણી ઈચ્છા મુજબ યોગદાન આપી શકીએ એવી સગવડતાવાળું બની રહે એવી સૌની ખ્વાહિશ હોય છે. કોઈનાથી છેતરાયા હોઇએ છતાં બીજાને છેતરવા નહિ એવો સિદ્ધાંત સમયના આ બદલાતા પડાવ સાથે અચલ જળવાઈ રહે એવું સૌના માટે વિચારીએ. ખાસ તો પ્રકૃતિ અને પર્યાવરણ સહિત માનવજાત પ્રત્યે શિસ્ત, ક્ષમા, સ્નેહ, મમતા, કરુણા સાથે કર્તવ્યપાલન સો ટકા શુદ્ધ ભાવથી કરતા રહીએ. વર્ષના અંતિમ દિવસોમાં આખા વર્ષ દરમ્યાન આપણાથી થયેલી ભૂલોની ક્ષમા યાચના સાથે આવનારા નવા વર્ષમાં ભૂલોની બાદબાકી થાય, સંસ્કારોનો સરવાળો થાય, ગુણોનો ગુણાકાર થાય એવા શુભ સંકલ્પ સાથે ગયું વર્ષ ભલે ગમે તેવું ગયું હોય પણ આવનારું નવું વર્ષ સૌના માટે ખૂબ ગમે એવું જાય એવી અનેરી શુભેચ્છાઓ સાથે હેપી ન્યુ યર ઈન એડવાન્સ.WELLCOME ૨૦૨૫. જય શ્રી કૃષ્ણ.