અમદાવાદ શહેરમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બપોરે ૨ થી ૩ ના સમયગાળા દરમિયાન શહેરમાં સરેરાશ ૧ ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં વરસાદનું જાર વધુ જાવા મળ્યું હતું. બોપલ, ગોતા, ચાંદલોડિયા જેવા વિસ્તારોમાં ૧ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે કેટલાક વિસ્તારોમાં તો દોઢ ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે અખબારનગર અંડરપાસમાં પાણી ભરાતા તેને વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.શહેરના અનેક મુખ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં પ્રહલાદનગર, શ્યામલ, શિવરંજની, વસ્ત્રાપુર, બોડકદેવ, ગોતા, રાણીપ, થલતેજ, ખોખરા, મણિનગર, પાલડી, અને વાસણાનો સમાવેશ થાય છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે મુજબ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે.પશ્ચિમ ઉપરાંત, પૂર્વ અને ઉત્તર અમદાવાદના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. સરદારનગર, નિકોલ, અને વસ્ત્રાલ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ જતા ટ્રાફિક ધીમો પડ્યો હતો અને લોકોને ઓફિસથી ઘરે જવામાં પણ વિલંબ થયો હતો.દરમિયાન સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદ થયો છે.ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદથી નદી-નાળાઓ છલકાઈ ગયા છે. સાબરકાંઠાની હરણાવ નદી અને અરવલ્લીની ઇન્દ્રાસી નદી બે કાંઠે વહી રહી છે. આ ઉપરાંત મહેસાણામાં આવેલા ધરોઈ ડેમના ૪ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. આ સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે, કેમ કે આ વરસાદ પાક માટે ફાયદાકારક સાબિત થશે. સાથે જ, નદી-નાળાઓમાં પાણીની આવક વધતા ભૂગર્ભજળ સ્તરમાં પણ સુધારો થશે.આ વરસાદથી ગરમી અને બફારામાંથી રાહત મળી છે, જેનાથી શહેરીજનો ખુશ છે. જાકે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા અંગે કરાયેલા દાવાઓ પર ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. આગામી દિવસોમાં જા વધુ વરસાદ પડશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.