અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી.બસની અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓનાં અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. બસ સમયસર ન આવતી હોવાથી વિદ્યાર્થીઓ શાળાએ સમયસર પહોંચી શકતા નથી. આ બાબતે એસ.ટી.નાં જવાબદાર અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓનાં પેટનું પાણી હલતું નથી. સાવરકુંડલા તાલુકાનાં વીજપડી ગામે છેલ્લા ઘણા સમયથી બસની અનિયમિતતાને લઈ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને મઢડા, લુવારા, ગોરડકા, દેડકડી, રામગઢ સહિતનાં ગામોનાં વિદ્યાર્થીઓ બસની અનિયમિતતાને લઈ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓનો સંયમ ચરમસીમાએ પહોંચતા એસ.ટી.નાં અધિકારીઓની આંખ ખોલવા વિદ્યાર્થીઓએ વીજપડી બસસ્ટેન્ડ ખાતે રસ્તા રોકી ચક્કાજામ કર્યો હતો.