અમરેલી એસપીએ ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીને ઝડપવા આપેલી સૂચના અને માર્ગદર્શન બાદ અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડે રાજકોટ શહેર યુનિવર્સિટી (ગાંધીગ્રામ) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના આરોપીને ઝડપી લીધો હતો.
હાલ અમરેલીમાં રહેતો મૂળ માંગરોળના કંકાસા ગામનો રામજીભાઈ ઉર્ફે રામ નાનજીભાઈ પરમાર (ઉ.૩૨)એ ટ્રક વેચાણ કરારથી ખરીદી કરી રૂપિયા એક લાખ ચૂકવી બાકીની રૂપિયા ૬.૧૧ લાખ આપવાનો વાયદો કરી પૈસા નહીં આપીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.
તે પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો પરંતુ ચોક્કસ બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો.
આરોપી સામે અમરેલી સિટી અને રાજકોટ શહેર યુનિવર્સિટી (ગાંધીગ્રામ) પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડ ટીમ દ્વારા આરોપીને ઝડપવાની કામગીરી કરવામાં આવી હતી.