બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન એસઆઇઆર ચાલી રહેલા વિવાદ વચ્ચે, કોંગ્રેસ આ મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. બિહારમાં એસઆઇઆર હેઠળ તૈયાર કરાયેલ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી ૬૫ લાખથી વધુ લોકોના નામ દૂર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષો ચૂંટણી પંચની આ પ્રક્રિયા પર શંકા કરી રહ્યા છે અને તેનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસે ભાજપ પર ‘મત ચોરી’નો આરોપ લગાવ્યો છે. હવે કોંગ્રેસ સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ૧૪ ઓગસ્ટે દેશભરમાં ‘મત ચોર, ગડ્ડી છોડ’ રેલીનું આયોજન કરવા જઈ રહી છે. આ રેલી ૧૪ ઓગસ્ટે રાત્રે ૮ વાગ્યે દેશના દરેક જિલ્લામાં યોજાશે.

કોંગ્રેસનો આરોપ છે કે શાસક પક્ષ ‘મત ચોરી’ કરી રહ્યો છે અને ચૂંટણી પંચ તેના પર ધ્યાન આપી રહ્યું નથી. આ રાષ્ટ્રવ્યાપી રેલી પછી, કોંગ્રેસ ૧૫ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર સુધી રાષ્ટÙવ્યાપી સહી ઝુંબેશ પણ ચલાવશે. આ અંતર્ગત, એક મેમોરેન્ડમ પર પાંચ કરોડ લોકોની સહીઓ લેવામાં આવશે અને તે ચૂંટણી પંચને સુપરત કરવામાં આવશે.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેએ દિલ્હીમાં પાર્ટી મુખ્યાલયમાં મહાસચિવો અને પ્રભારીઓની બેઠક યોજી હતી. આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ૧૪ ઓગસ્ટે સમગ્ર ભારતમાં રાત્રિ માર્ચ કાઢવામાં આવશે. ‘વોટ ચોર, ગડ્ડી છોડ’ રેલી રાત્રે ૮ વાગ્યાથી દરેક જિલ્લામાં યોજાશે. આ પછી, ૨૧ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર સુધી રાજ્ય સ્તરે ‘વોટ ચોર, ગડ્ડી છોડ’ રેલીઓ યોજાશે. ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબર સુધી એક મોટી સહી ઝુંબેશ ચલાવવામાં આવશે. આમાં પણ આ જ સૂત્ર હશે.

કોંગ્રેસના સાંસદ વેણુગોપાલે કહ્યું કે પાર્ટી વિરોધને દેશના પાયાના સ્તરે લઈ જશે. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ સરકારને ટેકો આપી રહ્યું છે. વેણુગોપાલે કહ્યું, “અમે આ મુદ્દા પર મોટા પાયે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. અમે તેને ભારતના લોકોના પાયાના સ્તરે લઈ જઈશું. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ચૂંટણી પંચ મત ચોરીમાં સરકારને સંપૂર્ણ રીતે ટેકો આપી રહ્યું છે.”

કોંગ્રેસના સાંસદ સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે ચૂંટણી પંચ ભારતમાં લોકશાહીનો “નાશ” કરી રહ્યું છે. તેમણે ભારતીય જનતા પાર્ટી પર મતદારોની ભૂમિકા નબળી પાડવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, “ચૂંટણી પંચ જે રીતે કામ કરી રહ્યું છે, તે ભારતના લોકશાહીને નષ્ટ કરવા તરફ કામ કરી રહ્યું છે. આપણે તેમનો સામનો કરવો પડશે. ભાજપ ચૂંટણી પંચ ઇચ્છે છે અને આપણે લોકશાહી ઇચ્છીએ છીએ. પહેલા મતદારો સરકારો પસંદ કરતા હતા. હવે સરકારે મતદારોને પસંદ કરવાનું શરૂ કરી દીધું છે. જો તેમની પાસે અંતરાત્મા હોય, તો તેમણે પોતે જ પદ છોડી દેવું જાઈએ.” કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે આગામી દિવસોમાં આ મુદ્દા પર રાજકારણ વધુ ગરમાશે.