ચૂંટણી પંચે મતદાર યાદીમાં છેડછાડના વિપક્ષના આરોપને ફગાવી દીધો છે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે મતદાર યાદીમાં સુધારા માટે માત્ર ૮૯ અપીલો કરવામાં આવી હતી. વિપક્ષનો આરોપ બિલકુલ ખોટો છે. વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આરોપોમાં કોઈ તથ્ય નથી.
ચૂંટણી પંચનું કહેવું છે કે ચૂંટણી પહેલા મતદાર યાદીમાંથી નામ ઉમેરવામાં અને કાઢી નાખવામાં આવે છે. જા કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય અથવા સંબંધિત જગ્યાએ રહેતી ન હોય અથવા તેણે પોતાનો મતવિસ્તાર બદલ્યો હોય, તો આવી વ્યક્તિનું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે. કમિશન નિષ્પક્ષ અને પારદર્શક રીતે યાદીમાં નવા લાયક મતદારો ઉમેરે છે. ડુપ્લીકેટ અને મૃત મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં ફક્ત ૮૯ અપીલો દાખલ કરવામાં આવી હતી. જ્યારે દેશમાં ૧૩,૮૫૭,૩૫૯ બૂથ લેવલ એજન્ટ્‌સ હતા. મતદાર યાદીમાં ફેરફાર માટે ફક્ત ૮૯ અપીલો કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે જા કોઈ કહે છે કે જે મતદાર યાદીના આધારે મતદાન થયું હતું તે સાચી નથી, તો તેણે ૧૯૬૧માં સરકાર દ્વારા પ્રસ્તાવિત અને ૧૯૬૧માં સંસદ દ્વારા પસાર કરાયેલ ચૂંટણી કાયદો વાંચ્યો નથી.
આગામી થોડા મહિનામાં બિહાર અને અન્ય રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની હોવાથી, વિપક્ષી પક્ષો દ્વારા આ મુદ્દો વધુ ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ ચૂંટણી પંચ, જેણે અગાઉ કહ્યું હતું કે ઇપીઆઇસી નંબરોના ડુપ્લીકેશનનો અર્થ “ડુપ્લીકેટ/બનાવટી મતદારો” નથી, તે પોતાની વાત પર અડગ છે અને પોતાની વાત સાબિત કરવા માટે ડેટા જાહેર કર્યો છે.
તમને જણાવી દઈએ કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદી પર વિગતવાર ચર્ચા કરવાની અપીલ કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ મતદાર યાદીમાં વિસંગતતાઓનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ૨૦૧૯ થી ૨૦૨૪ સુધીમાં મહારાષ્ટ્રની મતદાર યાદીમાં લગભગ ૩૦ લાખ મતદારો ઉમેરવામાં આવ્યા છે.