ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન ગૃહ વિભાગ, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગ્રામ રક્ષક દળ અને નશાબંધી, વાહન વ્યવહાર કાયદો અને ન્યાયતંત્ર તેમજ રમતગમત, મીઠા ઉદ્યોગ જેવા વિષયો ઉપરની પ્રશ્નોત્તરીથી ગૃહની શરૂઆત થઈ હતી.
આજે પ્રશ્નોત્તરીમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા દ્વારા વિધાનસભામાં પૂછવામાં આવ્યું હતું કે, ૩૧/૧૨/૨૦૨૫ની સ્થિતિ એ છેલ્લા બે વર્ષમાં રણોત્સવ દરમિયાન રાજ્ય સરકારને પ્રીમિયમ મેનેજમેન્ટ ફી કેટલી વસૂલે છે. જે અંગે ગૃહમાં પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે, રણોત્સવ દરમિયાન રાજ્ય સરકાર પ્રીમિયમ મેનેજમેન્ટ ફી વસૂલે છે. જે અન્વયે કુલ રૂ. ૧૭,૦૬,૩૫,૬૬૮/- (સત્તર કરોડ છ લાખ પાંત્રીસ હજાર છસ્સો અડસઠ)ની માતબર આવક થઈ છે.
માત્ર આવક જ નહીં, પરંતુ પ્રવાસીઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો જાવા મળી રહ્યો છે. જે અંગેના પેટા પ્રશ્નમાં સરકારી આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તે અંગે જાઈએ તો વર્ષ ૨૦૨૪ (એટલે કે ૦૧/૦૧/૨૦૨૪ થી ૩૧/૧૨/૨૦૨૪) દરમિયાન કુલ ૮,૫૫,૫૬૫ પ્રવાસીઓએ રણોત્સવની પ્રવાસ ખેડ્યો હતો. જ્યારે વર્ષ ૨૦૨૫ (૦૧/૦૧/૨૦૨૫ થી ૩૧/૧૨/૨૦૨૫) દરમિયાન આ સંખ્યામાં વધારો થયો છે. એટલે કે ૨૦૨૫ વર્ષમાં ૯,૪૧,૬૩૭ પ્રવાસીઓએ મુલાકાત કરી છે. આમ છેલ્લા બે વર્ષમાં કુલ ૧૭,૯૭,૨૦૨ પ્રવાસીઓએ કચ્છના સફેદ રણની મુલાકાત લઈને રણોત્સવનો આનંદ માણ્યો છે. પ્રવાસીઓની સંખ્યાનો ઘસારો જાતા લાગે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.







































