ભાગ – ૨
પરંતુ નયનનાં હૃદય રૂપી મંદિરમા ઝણઝણાટીની ઝાલર વાગતી રહી.
નયનના એક એક રૂંઆ ઊભાં થઈ એ છોકરી તરફ તાકી રહ્યા..!!
ભણતાં ભણતાં વચ્ચે કોલેજની ચૂંટણીની મોસમ આવી. દરેકે એ છોકરીની નજીક આવવા મથામણ કરી. પરંતુ કોઈની દાળ નાં ગળી. હા..એ છોકરો ચૂંટણીમાં જીતી ગયો.
ત્યારે ખબર પડી કે એનું નામ તો જે હશે તે પણ.. એને બધાં લંકેશ કહેતાં.
જેમ બધી મોસમ આવે એમ આવી પરીક્ષાની મોસમ…
અંદર જવા લાંબી લાઈન લાગી હતી. નયનથી થોડી આગળ એ છોકરી ઊભી હતી. એની પાછળ ચૂંટણીમાં જીતનાર છોકરો લંકેશ. પછી કેટલાક છોકરા છોકરીઓ. નયન અને સાથે એક જ બેંચ પર બેસનાર પ્રકાશ. અને પાછળ ઘણાં બધાં…
જોષી સર વન બાય વન દરેકને તપાસી અંદર જવા દેતાં.
જોષી સરની આખી કોલેજમાં હાંક વાગે. એ ગમે તેને મુરઘો બનાવી દે.
આજે ખુદ ગબ્બર યાની જોષી સરની હડફેટે ઘણાં આવી જવાનાં ઈ વાત પાક્કી હતી.
કેટલાંક તો આવી ચોરી કરવાની કાપલીઓ રફેદફે કરવાં લાગ્યાં.
લંકેશની હલચલ નયનને શંકાશીલ લાગી. એ વારંવાર એ છોકરી તરફ આગળ ઝૂકી રહ્યો હતો.
સરવાળે નયન અને પ્રકાશ બન્નેની નજરમાં એ હરકત આવી ગઈ.. જેમાં એ લંકેશ આગળની છોકરીના પર્સમાં કાપલી પધરાવી પાછળ કરડી નજર કરી રહ્યો હતો.
ત્યાં થોડી હો.. હા..! થય ને કેટલાંક છોકરા છોકરીઓ અંદર જતાં રહ્યાં.
જોષી સરે નયન અને પ્રકાશને તપાસી અંદર જવા ઈશારો કર્યો.
એક કોઠો વીંધી આગળ વધ્યા. ત્યાં બીજો કોઠો પરીક્ષા કક્ષનો આવ્યો..
ત્યાંય તપાસ થઈ રહી હતી.
નયન લાઈનમાં હતો ત્યાં.. કોઈએ ખભા પર હાથ મૂક્યો.
… અને નયનને પરસેવો.. પરસેવો…! થય ગયો…..
પરસેવો લૂછતાં લૂછતાં નયનને પરસેવો છૂટી ગયો.
‘કોણ હશે..!?, કોનો હાથ હશે?, લાગે છે જોષી સર જેવો કડક હાથ. પણ એ તો ત્યાં હતાં..! અને, એ શા માટે હોય..!?
મારી પાસે ક્યાં કશું છે..?
ઓહ..! માય.. ગોડ..! તો પછી મારે ગભરાવાની ક્યાં જરુર છે..!?
ના ના.., જોષી સર તો ના હોય.
તો પછી કોણ..!? કોણ હોઈ શકે??’
એ વધું કાંઈ વિચારે એ પહેલાં કરડાકીભર્યો અવાજ સંભળાયો…
“જો બકા..!, તે દિવસે તો તને બા’ઈજ્જત જવાં દીધો‘તો. પણ આ વખતે કાંઈ બોલ્યો ચાલ્યો તો.. તો પછી..! સમજાય છે ને બધું..!?”
“હા.. હા..!, સ.. સમજાય છે.”
નયન થોથવાઈ ગયો.
“છોકરો છે તો ડાહ્યો..!”
લંકેશ હોઠમાં હસતાં હસતાં બોલ્યો.
એક પછી એક પરીક્ષાર્થી ચેક થઈને અંદર જતાં હતાં.
“ એ છોકરી..!, આ પર્સ કેમ લીધું છે..!?”
મુછ્‌છડ એક ભાઈ ધમકીભર્યા અવાજમાં બોલ્યા.
“ સર.. સર..!, એમાં કાંઈ જ નથી.”
“ તો પછી પર્સ કેમ લીધું?”
“એ તો.. એ તો.., મોબાઈલ અને પેન માટે.”
“લાવ જોવા દે..! અંદર કાંઈ નથીને..!!”
“બાય ગોડ સર..!, કશું જ નથી.”
“છતાંય મને જોવા દે.”
કહેં‘તાકને એમણે પર્સ હાથમાં લીધું.
હવે પરસેવો વળવાનો વારો લંકેશનો હતો.
છતાંય એ હાથમાં પેન રમાડી રહ્યો હતો.
“ એ.. એ.. છોકરી..!! ખોટું બોલે છે..? આ.. આ..!, કાપલીઓ શું છે..!?”
“ ના હોય સર..! આ મારી નથી.”
“ તો પછી, આ કાપલીઓ તારી બેગમાં શું કરે છે..?”
હવે એમની આંખોના ડોળા દેખાવા લાગ્યા.
“તને પુછ્યું છોકરી..!, આ ચોરી કરવાની કાપલીઓ છે કે નથી..?”
“હ.. હ.. હશે સર..!, પણ એ મારી નથી.”
ગળગળાં અવાજે એ બોલી.
“ તારી નથી તો શું..! એ મારી છે..?”
હવે તે બે ડગલાં આગળ વધ્યાં.
છોકરી ચાર ડગલાં પાછળ હટી.
“ હવે, તને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. જા પરત જતી રહે.”
છોકરી કરગરી રહી…
“ સર.. સર.., આ કાપલીઓ મારી નથી. આ મારા પર્સમાં કેમ આવી એ, હું નથી જાણતી. મારુ માનો હું ખોટું નથી બોલતી.
વાંક વગર મારૂં વરસ બગડશે.”
દરેકનાં મોઢામાં અત્યારે મગ ભરાઈ ગયા હતા. કોઈ કશું બોલતું નહોતું.
બસ..! માત્ર એ છોકરી ગળગળાં સાદે કરગરી રહી હતી.
નયનને હવે જાણે કીડીઓ ચટકાં ભરી રહી હતી. એનું લોહી ઊકળી ઊઠ્‌યું હતું.
‘આ ખોટું છે..! ખોટું છે..!! પરિણામ જે આવે તે. પણ હવે બોલવું તો પડશે જ.’
અને.. આવી શાંતિને ચિરતો એક પહાડી અવાજ દરેકને સંભળાયો…
“હા.. સર..!, એ છોકરી સાચું બોલી રહી છે.
એ કાપલીઓ એમની નથી.”
આ અવાજ હતો નયનનો.
“સરસ..! નાટક ભજવો છો હોં..!
એ કાપલીઓ એની નથી તો પછી, તારી છે..!??”
હવે આંખનાં ડોળાની દિશા નયન તરફ ફરી.
“ના સર..! મારી તો કેમની હોય..!”
તો પછી, આ કાપલીઓ છે કોની..??”
હવે સરનાં અવાજમાં ધ્રૂજારી પણ ભળી ગઇ.
“સર.., એ કાપલીઓ લંકેશની છે..!!”
નયનથી માંડમાંડ બોલાયું.
હાજર દરેકની આંખો ચાર થઈ ગઈ, અને મોં ખુલ્લાં રહી ગયાં. અને લંકેશની બન્ને હાથની મુઠ્ઠીઓ વળી.
હાથમાં કાપલીઓ લઈને સરે લંકેશને બતાવતાં કહ્યું..
“ લંકેશ..! આ
આભાર – નિહારીકા રવિયા કાપલીઓ તારી છે..?”
“ના ના સર..!, એના પર્સમાં મારી કાપલી..!?”
લંકેશ અજાણ થતાં બોલ્યો.
“તો પછી, આ નયન કહે છે કે…”
સરે નયન તરફ ઈશારો કર્યો.
“નયન..!, હવે બધાંને હું જોઈ લઈશ..!
શું અહીં ફેસ્ટિવલ ચાલે છે..? તમે બધાં મારી સાથે ખોખો રમત રમો છો..?
તારી પાસે શું સબૂત છે કે.., આ કાપલીઓ લંકેશની છે. અને આ છોકરીના પર્સમાં કેવી રીતે આવી..?”
“સર..!, જોષી સર તપાસી રહ્યા હતાં ત્યારે આ લંકેશે આ કાપલીઓ એના પર્સમાં મૂકેલી. આ ઘટનાં મેં મારી સગી આંખે જોઈ છે.”
લંકેશનું લોહી હવે ઊકળી રહ્યું હતું..
“ બસ..હોં.. બકા..!!”
હવે સર તરફ જોઈને
“ અને સર..!, એ ખોટું પણ બોલી રહ્યો હોય. બીજા કોઈએ આ ઘટનાં જોઈ છે..?”
“ હા.. હા.. સર, અમે બે જણ તાજનાં સાક્ષી છીએ.
બોલ પ્રકાશ આ વાત ખરી છે ને..!”
નયને પ્રકાશનો હાથ પકડતાં કહ્યું.
હવે દડો હતો સરનાં કોર્ટમાં..
“પ્રકાશ..!, આ ઘટનાનો તું સાક્ષી છો..?
તે લંકેશને આ કાપલીઓ નાંખતા જોયો છે..?”
પ્રકાશ હવે ગભરાયો.., લંકેશની કેરીની ફાડ જેવી બે આંખો પ્રકાશને ચાર ચાર લાગવાં લાગી. એ ગેં ગેં.. ફેં.. ફેં.. કરતાં પોતાની આંખો ચોળતાં બોલ્યો..
“સર..!, મને કયાંરનું આંખમાં કણાં જેવું પડયું છે. એટલે મને બધું ઠીકઠાક નથી દેખાઈ રહ્યું. એટલે હું આ બાબતે શ્યોર નથી.”
હવે સરનો પીતળિયો હલ્યો..
“નયન..!, કોઈની સામે આંગળી ચીંધતી વખતે પોતાની તરફ પણ ત્રણ આંગળી હોય છે. આ હવે મારે તને શિખવવુ પડશે..?”
“ના ના સર..!, મને એક લાસ્ટ ચાન્સ આપો. હું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દઈશ.!”
“ બોલ હવે બાકી શું રહ્યુ છે..!?”
એ છોકરી અહોભાવથી બધુંજ જોઈ રહી હતી.
બીજા બધાને પણ લાગ્યું કે.. નયન હવે ફસાઈ ગયો છે. કરવાં ગયો કામ અને મળી ગયો ડામ. હવે શું કરશે..!?
નયને આગળ આવતાં કહ્યું..
“ સર..!, એ કાપલીના અક્ષર અને લંકેશના અક્ષરો બન્ને મેળવી જુઓ.
એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
તમને વધારે સબૂતની જરૂર જ નહીં પડે.”
એ છોકરી સહિત કેટલાકથી તાળિયો પડાઈ ગઈ. અનાયાસે જ.
ત્યારે લંકેશની સામે અચાનક રામ આવી ગયાં હોય એવો માહોલ સર્જાયો…
… અરે..!, અચાનક આ શું થયું..!?
કેમ બધાં દોડાદોડી કરી રહ્યા છે..?
અને આ પોલીસની ગાડીઓની સાયરન કેમ વાગી રહી છે..!?
કોણ..?, અને કેમ..?, અને શા માટે આવ્યાં હશે..!??
– વધું આવતાં અંકે…