અમરેલીની પ્રતિષ્ઠિત વિદ્યાસભા કોલેજના પૂર્વ નિયામક ગિરીશ ભીમાણી વિરુદ્ધ વિદ્યાર્થિનીઓની છેડતીના આક્ષેપોએ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે ૧૬મી જાન્યુઆરીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ  દ્વારા કોલેજ કેમ્પસનો ઘેરાવ કરી ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિવાદમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે સંગઠન દ્વારા આબુ પ્રવાસ દરમિયાન બનેલી ઘટનાના કથિત ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા.

મળતી વિગતો અનુસાર, વિદ્યાસભા કોલેજની વિદ્યાર્થિનીઓ જ્યારે માઉન્ટ આબુના પ્રવાસે ગઈ હતી, ત્યારે પૂર્વ નિયામક ગિરીશ ભીમાણીએ ત્યાં પહોંચી વિદ્યાર્થિનીઓ સાથે અશોભનીય વર્તન અને છેડતી કરી હોવાનો આક્ષેપ એબીવીપીએ લગાવ્યો છે. આ ઘટનાની ગંભીરતાને જાતા ૧૩મી જાન્યુઆરીએ જ સંકુલ દ્વારા ભીમાણીને તમામ પદો પરથી દૂર કરી દેવામાં આવ્યા હતા. અગાઉ રાજકોટમાં પણ એનએસયુઆઇ દ્વારા આ મામલે વિરોધ કરી તેમનું મોં કાળું કરવામાં આવ્યું હતું.

એબીવીપીએ આજે આબુની હોટલ કે જે-તે સ્થળના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સંગઠનનો આરોપ છે કે અમરેલી પોલીસે આ મામલે ફરિયાદ નોંધવામાં આનાકાની કરી છે અને પીડિતોને આબુ ખાતે ફરિયાદ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. વિદ્યાર્થી નેતાઓએ માંગ કરી છે કે આરોપી ભીમાણી સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય અને ફરિયાદ ન લેનાર પોલીસકર્મીઓ સામે પણ પગલાં લેવામાં આવે.

વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ ‘ગિરીશ ભીમાણી હાય હાય’ ના નારા લગાવ્યા હતા અને કેમ્પસમાં રામધૂન બોલાવી નૈતિક દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ પીડિત વિદ્યાર્થિની સત્તાવાર ફરિયાદ નોંધાવવા સામે આવી નથી. જો કોઈ પીડિતા ફરિયાદ આપશે તો તાત્કાલિક ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ ઘટનાને પગલે સમગ્ર અમરેલીમાં ચકચાર મચી ગઈ છે.