સમય કોઈની રાહ જોતો નથી. તે શાંતિથી ચાલતો રહે છે અને પાછળ છોડી જાય છેઃ સ્મૃતિઓ, અનુભવો અને અનેક વણબોલેલી શીખ. એક વર્ષ વિતી જાય ત્યારે આપણે માત્ર કેલેન્ડર નથી બદલતા, આપણે અંદરથી પણ કંઈક ગુમાવીએ છીએ અને કંઈક મેળવીએ છીએ.૨૦૨૫ નું વર્ષ પૂર્ણ થયા પછી પાછું વળીને જોઈએ છીએ, ત્યારે સમજાય છે કે જીવન એક વહેતી નદી જેવું છે જેમાં કેટલાક વહાલા સંબંધો કિનારે છૂટી ગયા, તો કેટલાક અજાણ્યા ચહેરાઓ હૃદયના ધબકાર બની ગયા. ક્યારેક ખાલી ખિસ્સાએ આખી રાતની ઊંઘ છીનવી લીધી હતી, તો ક્યારેક નાની સફળતાએ આખા પરિવારના ચહેરા પર ખુશીનું સ્મિત રેલાવ્યું હતું. પણ યાદ રાખજો કે જે દુઃખી દિવસોએ તમને રડાવ્યા હશે એ જ દિવસોએ તમને અંદરથી મજબૂત પણ બનાવ્યા હશે.
વર્ષ બદલાય એ સમયનો ક્રમ અને કુદરતનો નિયમ છે, પણ માણસ જ્યારે અંદરથી બદલાય અને નવી શરૂઆત કરવાની હિંમત કરે ત્યારે ઇતિહાસ રચાતો હોય છે. જે ખોયું છે એને કુદરતની મરજી માનીને સ્વીકારી લેવું અને જે બાકી છે એને જીતવાની અને જીવવાની જીદ સાથે નવા વર્ષને વધાવીએ. વિતેલું વર્ષ આપણને ફરી એકવાર સમજાવી ગયું કે જીવન આયોજન મુજબ ઓછું અને સ્વીકાર મુજબ વધારે ચાલે છે.
ઘણી આશાઓ સાકાર થઈ, તો કેટલીક અધૂરી રહી. કૈક ધાર્યું થયું નહિ હોય તો કૈંક અણધારેલું અફલાતૂન થયું હશે. કાંઈક માંગવા છતાં મળ્યું નહિ હોય, તો કાંઈક એવું અનાયાસે વણમાગેલું મળી પણ ગયું હશે. કોઈને ક્યાંક ઉપયોગી બની શકાયું હશે, તો કોઈ આપણને ઉપયોગી બની ગયા હશે. ક્યાંક હાજરી આપવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં ત્યાં જઇ શકાયું નહિ હોય, તો ક્યાંક અનાયાસે ઉપસ્થિત રહેવાઈ ગયું હશે. ક્યારેક સમય ચૂકી ગયાનો અફસોસ થયો હશે, તો ક્યારેક સૌની પહેલા, સમયની પહેલા પહોંચી જવાનો આનંદ મળ્યો હશે. ક્યારેક આપણી ઈચ્છા મુજબ સૌ ચાલ્યા હશે તો ક્યારેક બીજાની જીદના તાબે થઈને ચાલવું પડ્‌યું હશે. ક્યાંક હાસ્યની પળો હતી, તો ક્યાંક મૌનનું ભારણ હતું છતાં દરેક ક્ષણે જીવન આપણને કંઈક કહેતું રહ્યું હશે, શરત માત્ર એટલી કે આપણે સાંભળવા તૈયાર હોવા જોઈએ. આ વર્ષે સૌથી મોટો પાઠ કદાચ એ જ રહ્યો કે સફળતા જેટલી ચમકદાર લાગે છે, એટલી જ ક્ષણભંગુર છે અને નિષ્ફળતા જેટલી કડવી લાગે છે, એટલી જ માર્ગદર્શક હોય છે. અને એક ખાસ વાત એ કે દુનિયાની કોઈપણ ખરાબ પરિસ્થિતિ કાયમી હોતી નથી, બસ આપણે નવા દિવસ કે નવા સમયની રાહ જોવાની ધીરજ રાખવી બહુ મહત્વની બાબત છે.
સંબંધોની કિંમત, સ્વાસ્થ્યનું મહત્વ અને સંવેદનશીલતાની જરૂરિયાત; આ ત્રણે બાબતોનું મહત્વ આપણે ફરીથી અનુભવ્યું હશે. હવે ૨૦૨૬ નું આ નવું વર્ષ નવા સપનાઓ સાથે આવ્યું છે. નવા વર્ષ માટે સાચો પ્રશ્ન એ નથી કે આ વર્ષ આપણને શું આપશે; સાચો પ્રશ્ન એ છે કે આપણે આ નવું વર્ષ કેવા વિચારો સાથે સ્વીકારીએ છીએ. આશા જો માત્ર અપેક્ષા બની રહે, તો નિરાશા નિશ્ચિત છે. પરંતુ આશા જો પ્રયત્ન સાથે જોડાય, તો બદલાવ શક્ય બને છે. આપણી સ્થિતિ કે પરિસ્થિતિના દાયરામાં રહીને જે કઈ પ્રવૃત્તિઓ કરીએ એ પુરા પ્રયત્નો સાથે સો ટકા સમર્પિત થઈને કરીએ તો પરિણામ મળતાં પહેલાની પ્રક્રિયા પણ પ્રેમાળ બને છે.
નવું વર્ષ આપણને ઘણી તક આપે છે જેમ કે ઓછું બોલવું, વધુ સાંભળવું; ઓછા આક્ષેપ કરવા, વધુ સમજવાનો પ્રયત્ન કરવો; અને સૌથી મહત્વનું, પોતાની જાતને સુધારવી. સમાજ બદલવાનો વિચાર કરતા પહેલાં જો આપણે પોતાનો સ્વભાવ બદલીએ, તો એ જ સૌથી મોટું નવા વર્ષનું નવતરપણું ગણાશે. વિતેલા વર્ષને ફરિયાદ વિના વિદાય આપીએ અને નવા વર્ષને સંકલ્પ સાથે આવકારીએ. કારણ કે જીવનમાં સૌથી સુંદર શરૂઆત એ જ હોય છે, જ્યાં અનુભવ પાછળ ઊભો હોય અને આશા આગળ ચાલતી હોય. વિતેલા વર્ષની શીખઃ વિતેલું વર્ષ માત્ર કેલેન્ડરના પાનાં નથી ફેરવતું, એ તો આપણને જીવન વાંચતા શીખવાડે છે. ક્યાંક સફળતાએ નમ્ર બનવાનું શીખવ્યું, તો ક્યાંક નિષ્ફળતાએ અડગ રહેવાનું. જે મળ્યું, એનો આભાર માનવાનું શીખ્યા અને જે છૂટી ગયું, એમાંથી પાઠ લેવાનું. સમયે સમજાવ્યું કે બધું આપણા હાથમાં નથી, પણ જે હાથમાં છે તેને ઈમાનદારીથી પકડી રાખવું જરૂરી છે. કેટલાંક સંબંધો મજબૂત થયા, કેટલાંક દૂર થયા પણ બંનેએ શીખવ્યું કે સાચા સંબંધ સંજોગોથી નહીં, સંવેદનાથી ટકે છે. વિતેલા વર્ષની સૌથી મોટી શીખ એ જ કે જીવનમાં જીત કરતાં પણ માનવી બનીને જીવવું વધુ મહત્વપૂર્ણ છે. આ શીખ સાથે આગળ વધીએ, નવા વર્ષને માત્ર આશાઓથી નહીં, પરિપક્વતા અને અનુભવના પ્રકાશ સાથે આવકારીએ અને સૌની સાથે ખુદને પણ ચમકાવીએ.

વર્ષ ગયું, સમય ગયો પણ જે શીખ્યા તે અનુભવ હજુ જીવંત છે, સ્મૃતિઓ પાનાં બની ગઈ, મન આજે પણ એ ચિંતનમાં છે. ગઈકાલે જે તૂટ્યું, એ અનુભવ બનીને શીખવાડે છે,
આવતીકાલની આશા આજે  સંકલ્પ બનીને જગાડે છે. સમય બદલે છે અંક, જીવન બદલે છે દૃષ્ટિ,
આશા જીવંત હોય ત્યાં સુધી હાર પણ શીખ બની જાય છે. વિતેલા વર્ષને ફરિયાદ નહીં, કૃતજ્ઞતાભરી વિદાય, નવા વર્ષમાં મનમાં રાખીએ વિશ્વાસનો અજવાસ. આશા જો દીપ બની પ્રગટે મનના આકાશે,
તો અંધકાર પણ માર્ગ બતાવતો થઈ જાશે.