ભારતભરમાં ગાજર સર્વત્ર થાય છે. ગાજરને હિન્દીમાં ગાજર તરીકે અંગ્રેજીમાં Carrotઅને લેટીન ભાષામાં Daucus Tarota તરીકે ઓળખવામાં આવે છે. ગાજરના કંદ શાકભાજી ઉપરાંત અથાણાં તથા મીઠાઈ બનાવવામાં ખૂબ જાણીતા છે. ગાજરમાં પ્રોટીન, ચરબી, શર્કરા ઉપરાંત ખનિજ તત્વનું પ્રમાણ વિપુલ છે. ગાજરના કંદમાં કેરોટીન નામના રંગદ્રવ્યનું પ્રમાણ ખૂબ જ રહેલું છે. જેનું યકૃતમાં પાચન થતાં વિટામિન એ પૂષ્કળ પ્રમાણમાં બને છે. ગાજરનું સૂપ શરીરમાં શક્તિ-સ્ફૂર્તિ લાવવા માટે શ્રેષ્ઠ પૂરવાર થયેલ છે. આ ઉપરાંત તેના પાનમાં પણ પ્રોટીન, વિટામિન તથા ખનીજ તત્વો વિપુલ પ્રમાણમાં હોઈ પશુ આહાર માટે ઉત્તમ ખોરાક ગણાય છે કેમકે તેનાથી પશુ તંદુરસ્ત બને છે અને વધુ દૂધ આપી શકે છે. ભારતમાં ગાજરની ખેતી ઉત્તર ભારતના રાજ્યોમાં વધુ પ્રમાણમાં અને બાકીના રાજ્યોમાં ઓછા-વધતા પ્રમાણમાં થાય છે. ગુજરાતમાં ગાજરનું વાવેતર મુખ્યત્વે પાટણ, અમદાવાદ, ખેડા, મહેસાણા અને ભાવનગરના વિસ્તારમાં વધુ થતું જોવા મળે છે.
જમીન અને આબોહવા: સારા નિતારવાળી, ઊંડી ભરભરી અને ગોરાડું જમીન આ પાકને વધુ અનુકૂળ આવે છે. ચીકણી ભારે તેમજ વધુ અમ્લતાવાળી જમીન આ પાકને માફક આવતી નથી, પરંતુ જે જમીનમાં પોટાશનું તત્વ વધુ હોય તેવી જમીન આ પાકને વધુ માફક આવે છે. સામાન્ય રીતે ગાજર ઠંડી ઋતુનો પાક હોઇ શિયાળુ ઋતુમાં લેવામાં આવે છે. આ પાકને ઠંડુ અને સૂકું હવામાન વધુ માફક આવે છે. ગાજરના પાક માટે ૧૫ થી ર૦° સે. ઉષ્ણતામાન વધુ માફક આવે છે. આ ઉષ્ણતામાને ગાજરના કંદનો રંગ એકદમ સારો આવે છે તેનાથી ઊંચા કે નીચા ઉષ્ણતામાને કંદનો રંગ ફિકકો રહે છે. નાના ગાજર ઘરમાં કૂંડામાં થાય છે તેથી ઘરે કૂંડામાં પણ ઊગાડી શકાય છે.
જાતો: ગાજરની જાતો તેના રંગને આધારે એશિયન અને યુરોપીયન એમ બે સમૂહમાં વર્ગીકૃત કરાયેલ છે. (૧) યુરોપીયન જાતોઃ નાન્ટીસ, એન્ટની, પુસા યમદગ્નિ અને અર્લી નાન્ટીસ (૨) એશિયન જાતોઃ પુસા કેસર (લાલ રંગ), પુસા અમિતા (કાળો રંગ), પુસા રૂધીરા (લોહી રંગ), ગુજરાત દાંતીવાડા ગાજર૧ (લાલ રંગ) પુસા કેસરઃ ગાજરની આ જાત એશિયન (લોકલ રેડ) અને યુરોપીયન (નાન્ડીસ હાફ) જાતોના સંકરણથી તૈયાર કરાયેલ છે. કંદ રંગે ઘેરા લાલ, અણીદાર, પાતળા, રંગીન અને ઓછી શાખાવાળા હોય છે. કંદમાં કેરોટીનનું પ્રમાણ વધુ હોય છે. કંદ ૮૦ થી ૯૦ દિવસે કાપણી માટે લાયક થાય છે. નાન્ટીસઃ કંદ રંગે કેસરી, નળાકાર, પાતળા, અણી વગરના, પૂંછડીવાળા, સ્વાદે મીઠા હોય છે. એન્ટીનીઃ કંદ ઘાટા લાલાશ પડતાં નારંગી રંગના, શંકુ આકારના લીસા અને છેડે બુઠ્ઠા હોય છે. કંદ ૧૨૦ દિવસે તૈયાર થાય છે. આ ઉપરાંત અન્ય જાતોમાં ગોલ્ડન હાર્ટ અને કાશ્મીરી બ્યુટી જેવી જાતો ઉપલબ્ધ છે. જમીનની તૈયારી અને વાવણી ઃ જમીનને ર૦ થી રપ સે.મી. જેટલી ઊંડી ખેડ કરી, જમીનના ઢેફાં બરાબર ભાંગી, ભરભરી કરી જમીનને સમતળ કરવી. ત્યારબાદ અનુકૂળ સાઈઝના સપાટ કયારા બનાવી તેમાં ગાજરનાં બીજ પૂંખીને વવાય છે.
બીજ દરઃ ૮ થી ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર ખાતરઃ જમીનને તૈયાર કરતી વખતે ૧૫ થી ર૦ ટન છાણીયું ખાતર જમીનમાં ભેળવવું.
પિયતઃ ગાજરમાં વાવણી બાદ તરત જ પ્રથમ પિયત આપવું. બીજું પિયત ૪ થી ૬ દિવસ બાદ અને ત્યારબાદ જમીનની પ્રત અને ઋતુ પ્રમાણે જરૂરિયાત મુજબ પિયત આપવાં. જો બીજ નજીક ઉગ્યાં હોય તો દરેક છોડના મૂળના વિકાસ માટે પૂરતી જગ્યા મળી રહે તે રીતે છોડ પારવવા અને જરૂરિયાત મુજબ નિંદામણ કરતાં રહેવું.
કાપણીઃ ગાજરનો પાક વાવણી બાદ ૯૦ થી ૧૧૦ દિવસે તૈયાર થાય છે. ગાજરના પાકને કાપણી પહેલાં બે થી ત્રણ દિવસે પિયત આપવાથી જમીન ભેજવાળી અને નરમ બને છે, જેથી ઉપાડવામાં સરળતા રહે છે. ગાજરના પાન કાપીને કંદ કોથળામાં કે ટોપલામાં ભરી બજારમાં વેચાણ માટે મોકલવા. ગુણધર્મોઃ ગાજર મધુર, તૂરાં, કડવાં, તીષ્ણ, હળવા, સ્નિગ્ધ, પચ્યેથી મધુર, ગરમ, વાયુ સવળો કરનાર, હૃદયને હિતકારી, રક્તશુધ્ધકર્તા, કફ કાઢનાર, વાત – પિત શામક, બળપ્રદ, સડાનો નાશકર્તા અને સંગ્રહણી, હરસ અને પેટનાં દર્દો, રક્તવિકાર, સોજા, ઉધરસ, પથરી જેવા રોગો મટાડે છે. ગાજરમાંથી મળતા પોષકતત્વો ઃ ગાજરમાં બીટા-કેરોટિન, ફાઇબર, એન્ટી-ઓક્સિડન્ટ, વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, પેન્ટોથેનિક એસિડ, ફોલેટ, પોટેશીયમ, આર્યન, કોપર, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયોડિન અને સોડિયમથી ભરપૂર હોય છે. આ બધા તત્વો સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે અને આપણા શરીરના વિવિધ અવયવોને કાર્ય કરવામાં ગતિ પૂરી પાડે છે.







































