વડોદરામાં વિજ્ઞાન જાથા સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. તાજેતરમાં વાઘોડિયા વિસ્તારમાં આવેલા દશામાંના મઢમાં સાંઢણીની આંખમાંથી ઘીની ધાર વહેવા મામલે વિજ્ઞાન જાથાની ટીમે સ્થળ તપાસ કરી હતી. અને ઘી નીકળવાની વાતને ધતિંગ ગણાવ્યું હતું. આજે મોટી સંખ્યામાં મહિલા, બાળકો સહિતના લોકો એકત્ર થઇને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે. લોકોના હાથમાં વિજ્ઞાન જાથા મુર્દાબાદ જાગો બિન્દુ જાગો, ધર્મની રક્ષા કરવા જાગો સહિતના પોસ્ટરો જોવા મળ્યા છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
તાજેતરમાં દશામાં ના વ્રત દરમિયાન વાઘોડિયા વિસ્તારમાં આવેલા માતાજીના મઢમાં સાંઢણીની આંખમાંથી ઘી નીકળવાના વીડિયો ભારે વાયરલ થયા હતા. આ મામલે થોડાક સમય પહેલા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાની ટીમે પોલીસને સાથે રાખીને સ્થળ પર તપાસ કરી હતી. અને આ બધુ ધતિંગ હોવાનો દાવો કર્યો હતો. સાથે જ મંદિરની સેવિકા જાડેથી માફીનામું લેવામાં આવ્યું હતું. જો કે, આ ઘટના બાદ માંઇ ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે અને આજે મોટી સંખ્યામાં માંઇભક્તો જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. અને વિજ્ઞાન જાથાના ચેરમેન વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપરત કરનાર છે.
દશામાં મંદિરની સેવિકા ભૂઇ બહેને મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મને પહેલા તેમણે કહ્યું કે, આ ખોટો ચમત્કાર છે. ચમત્કારની કોઇ સાબિતી ના આપી શકે, ભગવાનના પુરાવા હું પણ ના આપી શકું, તેમણે મારી મૂર્તિને ૮ માં દિવસે ખસેડી છે, મારી સ્થાપનાની મૂર્તિ ખસેડાય નહીં. બીજું કે ઘી નીકળવા અંગે પાઇપ, ચક્ર અથવા અન્યનો કોઇ પુરાવો મને આપ્યો નથી. તેમની પાસે કોઇ પુરાવા હતા તો મને કેમ કંઇ આપ્યું નથી, તેઓ મને પોલીસ મથક લઇ ગયા હતા, મારા પર દબાણ લાવવામાં આવ્યું હતું, મારો ફોન લઇ લીધો હતો, મને ફોન વાત કરવા માટે આપ્યો ન્હતો. મને નોટીસ કે કોઇ પણ પ્રકારે જાણકારી આપવામાં આવી ન્હતી. અને અચાનક રેડ કરી દેવામાં આવી હતી. મારૂ કશું પણ થાય, મને કોઇ પડી નથી.