ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં સામેલ થવા આવેલા વલસાડના એક આશાસ્પદ યુવાનનું ચાલુ દોડ દરમિયાન તબિયત લથડતા કરુણ મોત નીપજ્યું. સુરતના કામરેજ તાલુકાના વાવ સ્થિત  એસઆરપી ગ્રાઉન્ડ ખાતે દોડના અંતિમ તબક્કામાં યુવાનને છાતી અને પગમાં અસહ્ય દુખાવો થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાના મોગરાવાડી દેવદર્શન સોસાયટીમાં રહેતો ૨૭ વર્ષીય રવિન્દ્ર પ્રવિણભાઇ બારીયા ખાખી વર્દી પહેરવાના સપના સાથે સુરતના વાવ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતીની દોડની પરીક્ષા આપવા આવ્યો હતો. દોડના છેલ્લા રાઉન્ડ દરમિયાન રવિન્દ્રને અચાનક છાતીમાં દુખાવો, પગમાં કમજારી અને ચક્કર આવવા લાગ્યા હતા. ગ્રાઉન્ડ પર હાજર મેડિકલ ટીમ અને સ્ટાફે તેને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
સિવિલ હોસ્પિટલ માં પ્રાથમિક સારવાર બાદ તબિયતમાં થોડો સુધારો જણાતા ડોક્ટરોએ તેને રજા આપી હતી. રવિન્દ્ર તેના વતનથી આવેલા ડ્રાઈવર સાથે કામરેજ નજીકની એક હોટલ પર આરામ કરવા પરત ફર્યો હતો. જાકે, હોટલ પહોંચ્યાના થોડા જ સમયમાં તેને ફરીથી છાતી અને પગમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. ગંભીર હાલતમાં તેને તાત્કાલિક મોદી હોસ્પિટલ  અને ત્યારબાદ કામરેજની સીટી લાઇફ કેર હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ રવિન્દ્રને મૃત જાહેર કર્યો હતો.
પુત્રના મોતના સમાચાર સાંભળી વલસાડથી દોડી આવેલા પિતા પ્રવિણભાઇ બારીયા પર આભ તૂટી પડ્યું હતું. પિતાએ આ સમગ્ર ઘટના અંગે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સાચા કારણની સ્પષ્ટતા થશે.
પોલીસ ભરતીની તૈયારીમાં રાત-દિવસ એક કરનાર યુવાનના આ રીતે મોતના સમાચારથી ગ્રાઉન્ડ પરના અન્ય ઉમેદવારો અને સ્ટાફમાં પણ ભારે ગમગીની જાવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, કડક ટ્રેનિંગ અને પ્રેક્ટીસ  છતાં રવિન્દ્રનું ખાખી પહેરવાનું સપનું અધૂરું રહી ગયું છે.