એક સુંદર મજાનું ઝાડ. આ ઝાડ નીચે એક નાનકડી કીટ્ટુ કીડી રહેતી. તે સ્વભાવે ખૂબ જ મિલનસાર અને રમુજી હતી. તેને વાદળાં સાથે વાતો કરવી ખૂબ ગમતી. એક રાત્રે તે આકાશમાં જોઈ રહી હતી. આકાશમાં એક ધોળું રૂ જેવું વાદળું તરતું હતું. કીટ્ટુ બોલી, ‘હે વાદળભાઈ, આજે તમે કેમ આમ એકલા એકલા ફરો છો? તમારા મિત્રો ક્યાં છે?’
વાદળું હસ્યું અને બોલ્યું, ‘અરે કીટ્ટુ! અમે બધાં ભેગાં થઈએ છીએ, ત્યારે જ તો વરસાદ પડે છે! પણ કીટ્ટુ, તું પણ મારી જેમ સાવ એકલી જ છે, ચાલ આપણે થોડી ગમ્મત કરીએ!’
વાદળની વાત સાંભળી કીટ્ટુ રાજીરાજી થઈ ગઈ અને બોલી, ‘વાદળભાઈ, તમે તો મારા મનની વાત કરી. મારા મિત્રો પણ આમ-તેમ ખોરાક શોધવા ગયા છે. એ આવે ત્યાં સુધી આપણે ગમ્મત કરીએ ને રમત રમીએ. ચાલો હું જે કહું એવો તમે તમારો આકાર બનાવો.’
વાદળું ખુશ થઈ ગયું. ‘હા, ચાલો રમીએ.’
કીટ્ટુએ કહ્યું, ‘મને સસલું બહુ જ ગમે! ચાલો, તમે સસલું બની જાવ!’
વાદળું હસ્યું, આમતેમ દોડ્‌યું ને થોડું મરડાયું. થોડીવારમાં જ વાદળાએ સસલાનો આકાર બનાવ્યો. ધોળું-ધોળું રૂ જેવું સસલું ને તેના લાંબા કાન અને નાનું મોં જોઈને કીટ્ટુ ખુશ થઈ ગઈ.
પછી કીટ્ટુ બોલી, ‘હવે હાથી બનાવો!’
વાદળું હસ્યું, આમતેમ દોડ્‌યું, થોડું મરડાયું ને ધીમેથી પોતાનો આકાર બદલ્યો. વાદળું હાથી જેવું બની ગયું. તેની લાંબી સૂંઢ જોઈ કીટ્ટુ તાળી પાડી કૂદવા લાગી.
‘હવે… હવે… મોર બનાવો’ – કીટ્ટુએ કહ્યું.
વાદળું મોર જેવું સુંદર બની ગયું. તેનાં પીંછાં ખૂબ જ સુંદર લાગતાં હતાં. કીટ્ટુ અને વાદળાની રમત ચાલુ રહી. તેમણે કૂતરો, બિલાડી, પક્ષી અને ઘોડાના આકાર બનાવ્યા. કીટ્ટુને વાદળા સાથે ગમ્મત કરવાની મજા પડી. અંતે વાદળાએ એક સુંદર ફૂલનો આકાર બનાવ્યો અને બોલ્યું, ‘કીટ્ટુ, આ ફૂલ તારા માટે. હવે મારે મારા મિત્રો પાસે જવું પડશે. આવજે.’
કીટ્ટુએ હાથ હલાવ્યો અને બોલી, ‘આવજો, વાદળભાઈ! કાલે ફરી મળીશું.’ વાદળું હસતું હસતું આગળ વધી ગયું. વાદળ સાથે ગમ્મત કરી કીટ્ટુ ખુશ હતી. એ વાદળ સામું જોઈ હસવા લાગી અને હાથ હલાવતાં બોલી, ‘આવજો વાદળભાઈ! થેન્ક યું!
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭