વાંકાનેરના મહીકા ગામે રેતી ખનન અને જમીન માફિયાઓના કથિત ત્રાસથી એક ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં એક યુવકનું દુઃખદ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવાનોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતક યુવકના પરિવારજનો અને કોળી સમાજના આગેવાનોએ આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક ગુનો નોંધી, તેમની કડક કાર્યવાહી અને ધરપકડની માંગણી સાથે સિવિલ હોÂસ્પટલના પીએમ રૂમની બહાર ધરણા શરૂ કર્યા છે. જ્યાં સુધી આરોપીઓ પકડાશે નહીં, ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કર્યો છે. વાંકાનેરના મહીકા ગામના કલ્પેશ વિનોદભાઈ બાંભણીયા (ઉંમર વર્ષ ૨૩), વિશાલ વિનોદભાઈ બાંભણીયા (ઉંમર વર્ષ ૨૦) અને યશ હરિભાઈ બાંભણીયા (ઉંમર વર્ષ ૧૮) (ત્રણેય રહે. મહીકા, તા. વાંકાનેર)એ ગઈકાલે સવારે ૧૧ વાગ્યા આસપાસ પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી. ત્રણેયને રાજકોટ ખસેડાયા હતા, જ્યાં રાત્રે ૯ વાગ્યા આસપાસ ૧૮ વર્ષીય યશનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. કલ્પેશ અને વિશાલ સગા ભાઈ છે, જ્યારે યશ તેમના કાકાનો દીકરો છે. કલ્પેશ અને વિશાલના પિતા વિનોદભાઈ ધરમશીભાઈ બાંભણીયાના જણાવ્યા મુજબ, તેમનો પરિવાર ૮૦ વર્ષથી નદી કાંઠે આવેલી આ જમીન ખેડી રહ્યો છે. જાકે, નદી કાંઠે રેતીની લીઝ ધરાવતા માફિયાઓ દાવો કરી રહ્યા છે કે જે જમીન પર ખેતી થાય છે, તે પણ તેમની લીઝમાં આવે છે અને તેથી જમીન ખાલી કરવી પડશે.છેલ્લા ૧૫ દિવસથી આ લોકો સતત પરિવારને ધમકાવતા હતા. ગઈકાલે સવારે આરોપીઓ જેસીબી લઈને વાડીની જમીનમાં રસ્તો કરવા આવ્યા હતા, જેથી ત્રણેય યુવાનો સાથે તેમની માથાકૂટ થઈ હતી. આરોપીઓએ યુવાનોને મારવા દોડતાં તેઓ ડરી ગયા હતા અને આરોપીઓ પરત આવવાની ધમકી આપીને જતાં ત્રણેયે રીંગણીના પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી.પરિવારે આરોપીઓ તરીકે ગોબરભાઈ, ભરત વિઠ્ઠલભાઈ ચાવડા, વિઠ્ઠલ ચાવડા, સર્કલ ઓફિસના ઝાલા નામના વ્યક્તિ અને સરપંચના ભાઈ હમીદ આમદ બાદીનું નામ આપીને તેમની તાત્કાલિક અટકાયત અને કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.