બેરાલાલ અને બકો વારે વારે બોસને પુછી રહ્યા છે.
‘બોસ, કેમ્પ લાગે તો કહેજો હોં. કેમ્પ લાગે તો કહેજો હોં.’
‘હા ભાઈ, તમે એકવાર કીધું એટલે આવી ગયું. મને હમજાઈ ગયું કે, કેમ્પ લાગે તો તમને જાણ કરવાની છે. પણ, કેમ્પ લાગે તો કહું ને !!
અને વરસાદ – બરસાદ થઈ ગયો છે. વાવણી હારી થઈ ગઈ છે. તમે મજૂરીએ કેમ જાતા નથી.’ ‘બોસ, કેમ્પ લાગવાનો છે ને એટલે.’
એક દિવસ બાજુનાં ગામમાં આંખોનો કેમ્પ યોજાયો.
બોસે બેઉને બોલાવીને કહ્યું.
‘જૂઓ બાજુનાં ગામમાં આંખોનો મફ્‌ત કેમ્પ યોજાયો છે. તમારે જાવું હોય તો જઈ આવજો.’ ‘બોસ આ કેમ્પની વાત નથી. બીજો કેમ્પ.’
‘અચ્છા.., બીજાં કેમ્પમાં જોવું છે!?? તો રાહ જૂઓ.’
વળી થોડાંક દિવસમાં તાલુકા કક્ષાએ સર્વરોગ નિદાન કેમ્પ થયો.
વળી બોસે બન્નેને બોલાવ્યા.
‘તાલુકાએ કેમ્પ ભરાણો છે. હવે તો જશો ને..!??’
‘અરે..બોસ, અમારે જિલ્લાનાં કેમ્પમાં જાવું છે. ઈ કે ‘દિ ભરાવાનો છે?’ ‘અરે , કેમ્પ તાલુકાનો હોય કે જિલ્લાનો. કામ તો બીમારી માટે જ કરે. તમારે જિલ્લાનો શું આગ્રહ છે ? અને કેમ્પની રાહમાં તમે કામે કેમ નથી જાતાં ? કેમ્પમાં તમને કદાચ! નિદાન મફત કરશે. દવાય કદાચ મફતમાં આપશે. પણ, ઘરમાં દાણાં નહીં નાખી દે. કામ તો તમારે જ કરવું પડશે.’
‘તમે હમજ્યા નહીં બોસ. આ કેમ્પ જ દાણાંનો છે. આ દવાનો કેમ્પ જ નથી.’
‘શું વાત કરો છો? દાણાંનો કેમ્પ?? આવો કેમ્પ તો ભાળ્યો નથી.’
‘દાણાંનો મતલબ!! રૂપિયાનો. રૂપિયા આવશે તો દાણાં તો આવશે જ ને.’
‘મને કાંઈ હમજાયુ નહીં બકા. રૂપિયાનો કેમ્પ તો મેં પહેલીવાર હાંભળ્યો. આવાં ક્યાંય કેમ્પ હોતાં હશે. રૂપિયા માટે તો માણસ દિ’ ને રાત મજૂરી કરે છે. જો રૂપિયાનાં કેમ્પ ભરાતાં હોત તો તો માણસ મજૂરી જ ના કરત. મેં ક્યાંય આવો કેમ્પ જોયો નથી. અમથાલાલ તમે આવો કેમ્પ ભાળ્યો છે??’ ‘ભાળ્યો તો નથી. પણ, ક્યાંક હાંભળ્યો છે ખરો.’ ‘શું વાત કરો છો અમથાલાલ!?? રૂપિયાનો કેમ્પ??’
‘હા હા રૂપિયાનો કેમ્પ. છતાંય પાક્કું કરવું પડે હોં. સરકાર બોલે કાંઈ અને કરે કાંઈ, અને તમને મળે ઈ તો હાવ જ નવીન.’
‘જૂઓ.. જૂઓ..બોસ. અમે હાવ ખોટેખોટું કે ‘તા હશું ? દરેક જિલ્લામાં આવાં રૂપિયાનાં કેમ્પ ભરાવાના છે ઈ વાત પાક્કી છે. માત્ર મોટાં માણસની લાગવગ કરવી પડશે. ઈ વાત પાક્કી છે.
એટલે બોસ, ગોઠવાતું હોય તો અમારું ક્યાંક ગોઠવી દેજો ને. હું છે કે, અમારે આવી કાળી મજૂરી ના કરવી પડે.’
‘હારું હારું હું જોઉં છું. ક્યાંક મેળ પડતો હશે તો ગોઠવી નાખીશું. પણ, સરકારી સહાય આવી આવીને કેટલી આવશે ? પહેલાં એ હંધાયના ઘર ભરાહે. અધિકારીઓ મલાઈ ખાશે. કાર્યકર્તાઓ મળે ત્યાથી બટકાં ભરશે અને પછી વધે ઈ તમારાં હાથમાં આવશે. આમાં તમારી કડકાઈ ભાંગશે કેમ !?? આનાં કરતાં મજૂરી કરવાં માંડો. આજે નહીં તો કાલે દિ’ વળશે.’
‘બોસ, તમને હજી આ રૂપિયાની ખબર જ નથી. આ રકમનાં મીંડા ગણવા ઈ અમારું તો કામ જ નથી. કાં અમથાલાલ.’
‘હા ભાઈ, વાત તો હાચી છે. ઘડીભર તો હું ય ગોથે ચડી ગયો. પાંચ આંકડા અને સાત મીંડા. મતલબ, ૭૮૨૧૩૦૦૦૦૦૦૦/- આ રકમ છે.’
‘ના ના ના. આવડી મોટી રકમની ફાળવણી હોય જ નહીં. આ વાત ખોટી છે.’
બોસને આ વાત ચૂંટણી માયલું ગપ્પું લાગ્યું.
પણ, અમથાલાલને ચોખવટ કરવી પડી. ‘ભાઈ આ વાત ચૂંટણીમાં આપેલો વાયદો નથી. નેતાનો બફાટ નથી. કેન્દ્ર સરકારના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આપેલો આ આંકડો છે. એટલે એક વાત તો પાક્કી છે કે, આ ગપ્પું નથી. હા પણ, આ રૂપિયામાંથી આપણાં બેરાલાલ અને બકાને આમાંથી રૂપિયા મળશે કે કેમ ? ઈ ખબર નથી.’
‘લો કર લો બાત! અમને આમાંથી કેમ નહીં મળે? આટલાં બધાં રૂપિયા છે. જિલ્લે જિલ્લે જઈને રૂપિયા બાટવા છે. તો પછી અમને કેમ ના મળે!??’
‘રૂપિયા આપવાનાં છે. આ વાત પાક્કી છે. પણ, જેનાં હોય એમને આપવાનાં છે. સરકારને આટલાં બધાં રૂપિયાનો માલિક નથી મળી રહ્યો.’
‘કાંઈક હમજાય એવું બોલો અમથાલાલ. અહીંયા રૂપિયા માટે તો રાત દિ’ કાળી મજૂરી કરીએ છીએ તોય બે પાંદડે તો થાતાં જ નથી. અને આવડાં મોટાં રૂપિયા કોને ના જોઈએ? કેમ્પ તો કરો, લાઈન લાગશે લાઈન !! પણ, એક વાત હમજાણી નઈ. આટલાં બધાં રૂપિયા સરકાર પાંહે પડ્‌યાં કેમ છે?? કોઈ રાજકીય નેતાની નજર નહોતી પડી !?’
‘બેરાલાલ અને બકા, આ રૂપિયા બેંકમાં અને વિમા કંપની પાંહે પડ્‌યાં છે. જેનું કોઈ માલિક નથી. એટલે સરકારે એક પોર્ટલ બનાવ્યું કે આ રૂપિયા જેનાં હોય ઈ લઈ જાય. છતાંય કોઈ લેવાં ન આવ્યું.
હવે સરકારે RBI, SEBI, IRDAI અને PFRDA જેવી નિયમનકારી સંસ્થાને ભેગી કરી. જિલ્લે જિલ્લે જઈને કેમ્પ કરો. આ રૂપિયાના માલિક ગોતો. અને આ રૂપિયા ૭૮૨૧૩૦૦૦૦૦૦૦/- જેવી રકમ આપી દો.’ બેરાલાલ અને બકાને અચરજ થયું.
‘પણ અમથાલાલ, અમારે આમાંથી રૂપિયા જોતાં હોય તો અમારે શું કરવાનું??’
‘તમારાં બાપદાદાની જૂની બેંકની ચોપડી ગોતો. જૂની વિમાની રસીદ ગોતો.’ અને તમે..! હા હા તમે. ક્યાં સુધી આ વાંચવાનું ચાલુ રાખશો? તમેય જૂની ટકડી, પટારી, પટારામાં જૂની બેંકની ચોપડી ગોતો..!!!
kalubhaibhad123@gmail.com