દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. કપરાડાના જોખમી ગણાતા કુંભઘાટ પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, પુરપાટ ઝડપે જતી એક ટ્રક પાછળ ઇકો કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર આંબા જંગલ ગામના એક જ પરિવારના પાંચ સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. અન્ય ૨ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર, કપરાડાના આંબા જંગલ ગામનો એક પરિવાર ઇકો કારમાં સવાર થઈને પસાર થઈ રહ્યો હતો. દરમિયાન, કુંભઘાટના ભયાનક વળાંક પર સામેથી આવતી એક પુરપાટ ઝડપે દોડતી ટ્રક અને ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારમાં સવાર લોકો ફસાઈ ગયા હતા.
અકસ્માતનો અવાજ એટલો ભયાનક હતો કે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. કમનસીબે, પરિવારના ૫ સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય ૨ સભ્યોને તાત્કાલિક ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
એક જ પરિવારના પાંચ સભ્યોના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા આંબા જંગલ ગામ સહિત સમગ્ર કપરાડા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગામમાં જાણે માતમ છવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં જ કપરાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.





































