પાકિસ્તાનમાં વરસાદથી મૃત્યુઃ પાકિસ્તાનમાં સતત વરસાદ અને ત્યારબાદ અચાનક આવેલા પૂરને કારણે મૃત્યુઆંક વધીને ૭૦૬ થઈ ગયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સેનાએ જવાબદારી સંભાળી લીધી છે. પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સેનાએ રાહત કામગીરી તીવ્ર બનાવી દીધી છે. પાકિસ્તાનની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે તેના તાજેતરના આંકડામાં જણાવ્યું છે કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઓછામાં ઓછા ૨૪ વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ૨૬ જૂનથી મૃત્યુઆંક ૭૦૬ થયો છે.
પરિસ્થિતિ કેટલી ભયાનક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પૂર સંબંધિત ઘટનાઓમાં ઘાયલોની સંખ્યા વધીને ૯૬૫ થઈ ગઈ છે. એનડીએમએ અનુસાર, ખૈબર-પખ્તુનખ્વા સૌથી વધુ અસરગ્રસ્ત થયું છે, જ્યાં અત્યાર સુધીમાં ૪૨૭ લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારબાદ પંજાબ પ્રાંતમાં ૧૬૪, સિંધમાં ૨૯, બલુચિસ્તાનમાં ૨૨, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ૫૬ અને ઇસ્લામાબાદ ક્ષેત્રમાં ૮ લોકો મૃત્યુ પામ્યા છે.
પાકિસ્તાનના દૈનિક અખબાર ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ના સમાચાર અનુસાર, સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે સેનાએ રાહત કામગીરી વધુ તીવ્ર બનાવી છે, ખૈબર-પખ્તુનખ્વામાં ૯ શિબિરો દ્વારા ૬,૯૦૩ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે. તેમણે કહ્યું કે ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં ૮ લશ્કરી એકમો રાહત કાર્યમાં રોકાયેલા છે, જ્યારે બુનેરમાં ૨ બટાલિયન કામ કરી રહી છે. સેનાના વિમાનો પણ બચાવ અને પુરવઠા કામગીરીમાં મદદ કરી રહ્યા છે.
પાકિસ્તાનના સંઘીય માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારએ કહ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે.એનડીએમએ પાકિસ્તાની સેના અને સંઘીય અને પ્રાંતીય સરકારો એકબીજા સાથે સંકલન કરી રહી છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં ૨૫,૦૦૦ લોકોને સલામત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે. પાકિસ્તાન હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં દેશના મોટાભાગના ભાગોમાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી કરી છે.
ખૈબર પખ્તુનખ્વામાં ૪૨૭ લોકો મૃત્યુ પામ્યા છે જયારે પંજાબ ૧૬૪ લોકો મૃત્યુ પામ્યા,સિંધ ૨૯ લોકો મૃત્યુ પામ્યા,બલુચિસ્તાન ૨૨ લોકો મૃત્યુ પામ્યા,પીઓકે ૫૬ લોકો મૃત્યુ પામ્યા.ઇસ્લામાબાદ ક્ષેત્રમાં ૮ લોકો મૃત્યુ પામ્યા છે