(૧) તમને નથી લાગતું કે આપણે મોબાઈલ ઉપવાસ કરવા જોઈએ?
રિયા પટેલ (રાજકોટ)
કરવા જોઈએ પણ એમાં ભાવતું ફરાળ કરવાની છૂટ હોવી જોઈએ!
(૨) માણસ કયા વારે સૌથી વધારે બીમાર થાય છે?
જીગર આહીર (દાત્રાણા-પાટણ)
વારેવારે.
(૩) છોકરાઓ ’ઉની ઉની રોટલી ને કારેલાનું શાક’ એવું ગાતા હોવા છતાં ઘણી જગ્યાએ વરસાદ નથી આવતો એનું કારણ શું?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
વરસાદને કારેલાનું શાક નહી ભાવતું હોય.
(૪) અમે વેકેશનમાં ફરવા જવાનો પ્લાન બનાવીએ છીએ પણ એ સફળ થતો નથી તો શું કરવું?
જય દવે (ભાવનગર)
આ વખતે પેલા ફરી આવો. આવીને પ્લાન બનાવજો.
(૫) ઇન્જેક્શન આપ્યા પછી વિદેશમાં દર્દી નર્સને “થેન્ક્યુ” બોલે છે; અને આપણા ભારતમાં ?
કનુભાઈ પરમાર (દામનગર)
રૂનું પોતું કેટલો સમય દબાવી રાખવાનું?!
(૬) વરસાદમાં ભજીયા જ કેમ વધારે ખવાય ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
ભૂંગળા હવાઈ જાય.
(૭) ગાંડા ભેગો ડાહ્યો ભળે તોય ગાંડો જ કેમ કહેવાય? બધાં ડાહ્યા કેમ નથી કહેવાતા ?
સૈયદ રાબિયા(બાબરા)
પણ એને ભળવા શું કામ દીધા?
(૮) સાહેબ..! છૂટાછેડાનું કારણ શું?
ધોરાજીયા ઘનશ્યામ એન.(સાજણટીંબા)
લગ્ન.
(૯) બધા જોક્સ સ્ત્રીઓ પર જ કેમ હોય છે પુરુષો પર કેમ નહી?
સંગીતાબેન ધોરાજીયા (આણંદ)
(પરણેલા)પુરુષને જોયા પછી એના પર જોક્સ કરવાની કોઈને ઈચ્છા જ નથી થતી!
(૧૦) આંગળીઓ બધી એક સરખી કેમ ના હોય..?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
સરખી હોત તો સ્કૂલમાં છોકરાંને રજા લેવા કઈ આંગળી ઊંચી કરવી એ પ્રશ્ન ઉભો થાત.
(૧૧) હમણાં ખાડા, ભાડા, જાડા, ઝાડા, હદ વટાવી ગયાં છે એનું કારણ શું ?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયા મોટા)
તમે તમારા નામમાં પહેલો અક્ષર ન રાખ્યો હોત તો આ બધામાં છેલ્લો અક્ષર સરખો ન આવત.
(૧૨) બ્રેક અપ એટલે શું?
રામભાઈ પટેલ (સુરત)
મોટાએ કરેલી ઈટ્ટાકિટ્ટા!
(૧૩) સાહેબ તમે વિદેશવાળા સાથે ચા, પાણી પીધેલ છે?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
એક વખત એક બિસ્કિટ પણ ખાધું હતું.. એ લોકો રાજી થયા બિચારા!
(૧૪) રામરાજ્યમાં કઇ-કઇ ભરપૂર સગવડો હતી?
બાલુભાઈ કિકાણી (લીલિયા મોટા)
તમામ પ્રકારની સગવડ હતી. બસ આવા પ્રશ્નો પૂછવાની સગવડ નહોતી.
(૧૫) ન્યૂઝમાં હતું કે ઉંદરો આઠસો બોટલ દારૂ પી ગયા. સાચું?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
સાચું જ હશે.. બીજા દિવસે કેટલીક બિલાડીઓ લથડિયા ખાતી હતી!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..