વઢવાણનો અકીલ થીમ નામનો યુવક ચોટીલાની એક હિન્દુ યુવતીને લવ જેહાદના ઇરાદે ભગાડી ગયો હોવાનો આરોપ યુવતીના પરિવારે લગાવ્યો છે.ચોટીલાના યુવતીના પરિવારે ફરિયાદમાં જણાવ્યું છે કે વઢવાણનો આ યુવક તેમની દીકરી પાસેથી સોનાના દાગીના અને રોકડ રકમ પડાવીને લઈ ગયો છે. પરિવારે માહિતી આપી છે કે યુવતી ઘરેથી ૧.૨૫ લાખ રૂપિયા રોકડા અને બે સોનાની ચેન લઈને ગઈ છે, તેમજ તેના બેંક ખાતામાંથી ૭૦,૦૦૦ રૂપિયા પણ ઉપાડી લેવામાં આવ્યા છે. ‘હિન્દ રક્ષક સંઘ’ના રાષ્ટ્રીય અધ્યક્ષા ડા.સીમાબેન પટેલ, ચોટીલાના ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ, રાષ્ટ્રીય બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ જગદીશભાઈ વડોદરીયા સહિત મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના કાર્યકરો અને યુવતીના પરિવારે તાત્કાલિક ધોરણે યુવતીને આરોપીના કબજામાંથી છોડાવીને પરિવારને સોંપવા તેમજ અકીલ થીમ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હિન્દુ સંગઠનોએ જણાવ્યું છે કે આરોપી અકીલ થીમ માથાભારે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેના કારણે પરિવારને યુવતીની સલામતી અંગે ભય લાગી રહ્યો છે. સંગઠનોએ પોલીસને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે અને ચેતવણી આપી છે કે જો આ સમયગાળામાં યુવતીની ઘરવાપસી નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલનો કરશે અને સુરેન્દ્રનગર બંધનું એલાન પણ આપશે.