સાવરકુંડલા તાલુકાના પિઠવડી ગામના મૂળ રહેવાસી અને હાલ સુરતની રામકૃષ્ણ સોસાયટીમાં સ્થાયી થયેલા ૭૫ વર્ષીય ધીરુભાઈ વલ્લભભાઈ નાકરાણીનું વડોદરા નજીક અકસ્માતમાં મોત નીપજ્યું છે. ગત ૨૩ ફેબ્રુઆરીની રાત્રે ધીરુભાઈ તેમના પત્ની ચંપાબેન અને ડ્રાઈવર કાંતીભાઈ રાઠોડ સાથે સફેદ રંગની મહેન્દ્રા ઠેંફ કારમાં પિઠવડીથી સુરત જવા રવાના થયા હતા. ૨૪ ફેબ્રુઆરીની વહેલી સવારે પોણા છ વાગ્યાની આસપાસ વાસદથી વડોદરા તરફ આવતા હાઈવે પર ભારત પેટ્રોલ પંપ નજીક કાર અચાનક રોડના મધ્યમાં આવેલા ડિવાઈડરના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ પ્રચંડ ટક્કરમાં ધીરુભાઈનું ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું, જ્યારે તેમના પત્ની ચંપાબેનને છાતી, પાંસળી અને મણકાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. ડ્રાઈવર પણ ઇજાગ્રસ્ત થયો છે. આ મામલે ચંપાબેને છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.