વડોદરામાં નંદેસરીનાં કોંગ્રેસનાં નેતાનાં પુત્ર સામે એટ્રોસિટી અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવાઈ છે. ૨૬ વર્ષીય યુવતી ગર્ભવતી બનતા જબરજસ્તી ગર્ભપાત કરાવ્યો હતો. યુવતીના પરિવારે અનિરૂદ્ધસિંહ વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, તેમજ ગુનો નોંધી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

સંસ્કારી નગરી વડોદરામાં વધુ એક દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. નંદેસરીનાં કોંગી નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર સામે અનિરૂદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મ તેમજ એટ્રોસિટીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ૨૬ વર્ષીય આરોપીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુમ  હતું, બાદમાં યુવતી ગર્ભવતી બનતાં જબરજસ્તીથી ગર્ભપાત કરાવતા યુવતીએ આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતીના પરિજનોએ પોલીસ મથકે અનિરૂદ્ધસિંહ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે. તેમજ  એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી શોધખોળ શરુ કરી છે.

અગાઉ નવસારીમાં ભાજપના મીડિયા સેલના પૂર્વ કન્વીનર અને ટેટૂ આર્ટિસ્ટ જય સોનીએ આદિવાસી યુવતીને ફોસલાવી આદિવાસી સમાજની યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો યુવતીએ આક્ષેપો સાથેની અરજી કરતા ખળભળાટ મચી ગયો હતો. જેમાં નવસારી ડીવાયએસપીએ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હતી, આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.