વડોદરા જિલ્લાના કાયાવરોહણ ગામમાં રહેતા ૬૫ વર્ષીય ખેડૂત અતુલભાઈ પટેલ ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા. અહેવાલો દર્શાવે છે કે તેમણે કૌભાંડીઓના સતત ધમકીભર્યા કોલ અને માનસિક દબાણને કારણે આત્મહત્યા કરી હતી. રાજ્યમાં ડિજિટલ ધરપકડ પછી આ પહેલો આત્મહત્યાનો કેસ માનવામાં આવે છે.અહેવાલ મુજબ, અજાણ્યા વ્યક્તિઓએ દિલ્હી એટીએસ (આતંકવાદ વિરોધી સ્ક્વોડ) ના અધિકારી હોવાનો દાવો કરીને વીડિયો કોલ દ્વારા ફોન કર્યો હતો. તેઓએ અતુલભાઈને ખોટી માહિતી આપીને ધમકી આપી હતી કે તેમના બેંક ખાતામાં ૪૦ કરોડની છેતરપિંડી થઈ છે. ત્યારબાદ તેઓએ તેમને ડિજિટલ ધરપકડ હેઠળ મૂક્્યા હોવાનો દાવો કર્યો હતો.સ્કેમરો દર પાંચ મિનિટે ફોન કરીને અતુલભાઈને માનસિક રીતે હેરાન કરતા હતા. તેઓ સતત પોલીસ ફરિયાદ, જેલ અને કાનૂની કાર્યવાહીની ધમકી આપીને તેમના પર દબાણ કરતા હતા. તેઓએ તેમને તેમના પરિવારને ન કહેવા માટે પણ દબાણ કર્યું હતું. માનસિક દબાણ સહન ન કરી શકવાથીપસતત તણાવ અને ભયના આ વાતાવરણમાં, ૬૫ વર્ષીય અતુલભાઈ પટેલનું માનસિક સંતુલન બગડવા લાગ્યું. અંતે, કંટાળીને અને હતાશ થઈને તેમણે ઝેર પીને આત્મહત્યા કરી. દરમિયાન, આ ઘટનાએ ગામ અને તેમના પરિવારમાં શોક ફેલાવ્યો છે.આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે ‘ડિજિટલ અરેસ્ટ’ નામની એક નવી ઓનલાઈન છેતરપિંડી ગ્રામીણ વિસ્તારોમાં પહોંચી ગઈ છે. ગુનેગારો લોકોમાં ડર પેદા કરવા, પૈસા પડાવવા અથવા માનસિક રીતે મૂંઝવણમાં મૂકવા માટે સરકાર અથવા પોલીસ વિભાગના નામનો ઉપયોગ કરે છે.









































