વડોદરા શહેરમાં આજે એક મોટા અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. જીએસએફસી બ્રિજ પર આજે એક દિલને હચમચાવી નાંખે એવી ઘટના સામે આવી છે. બે ભારે માલવાહક વાહનો વચ્ચે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી જતાં સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં બે મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય ત્રણ મુસાફરો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના ટ્રાફિકથી સૌથી વ્યસ્ત ગણાતા જીએસએફસી બ્રિજ પર આજે બે ભારે વાહનો વચ્ચે એક પેસેન્જર રિક્ષાનો કચ્ચઘાણ વળી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષા બંને ભારે વાહનો વચ્ચે ચગદાઈ ગઈ હતી અને પડીકું વળી ગઈ હતી. રિક્ષામાં કુલ ૫ મુસાફરો સવાર હતા. જેમાં ૨ મુસાફરોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે ૩ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. લોકોએ રિક્ષામાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ ગમખ્વાર અકસ્માતને પગલે બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાને પ્રત્યક્ષદર્શી જાનારે જણાવ્યું હતું કે બે ટ્રકોની વચ્ચે રિક્ષા પત્તાની જેમ ચગદાઈ ગઈ હતી, અકસ્માત દ્રશ્યો જાઈને જ અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.