સંસ્કારી નગરી વડોદરામાં લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો જંગ જામવા જઈ રહ્યો છે. આગામી ૧૧ જાન્યુઆરીથી વડોદરામાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. ત્યારે આ વનડે સિરીઝની મેચ રમવા માટે વડોદરા એરપોર્ટ પર આજે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું ભવ્ય આગમન થયું છે, ત્યારે કિંગ કોહલીની એક ઝલક જોવા માટે તેના ચાહકોની ભારે ભીડ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉમટી પડી હતી.
આજે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુપર ડુપર ભારતીય ક્રિકેટર કિંગ વિરાટ કોહલી આવી પહોંચ્યા હતા, ત્યારે તેમને જાવા માટે ક્રિકેટ પ્રેમીઓની ભારે ભીડ ઉમટી પડી હતી અને ‘કોહલી-કોહલી’ના નાદ સાથે સમગ્ર એરપોર્ટ પરિસર ગુંજી ઉઠ્યું હતું. ફેન્સમાં તેની એક ઝલક મેળવવા માટે પડાપડી જોવા મળી હતી, જેને પગલે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત કરી દેવામાં આવી હતી.
નોંધનીય છે કે, વડોદરામાં ઇન્ડિયા-ન્યુઝીલેન્ડની ત્રણ મેચ રમાવાની છે. જેમાંની પહેલી મેચ આગામી ૧૧મી જાન્યુઆરીને રવિવારે રમાનારી છે, જેને લઈને કિંગ કોહલી આજે વડોદરા આવી પહોંચ્યા છે અને આગામી સમયમાં ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ આજે એક પછી એક વડોદરા એરપોર્ટ પર ઉતરાણ કરશે, ત્યારે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડોદરામાં યોજાનાર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ વન-ડે સિરીઝનું શિડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ બંને ટીમ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં આગામી ૧૧ જાન્યુઆરીને રવિવારે પ્રથમ વનડે મેચ રમશે, બાદમાં ૧૪ જાન્યુઆરીને બુધવારે ઉત્તરાયણના દિવસે વડોદરાવાસીઓ જ્યારે પતંગ ઉડાવવામાં મશગૂલ હશે ત્યારે ભારત-ન્યૂઝીલેન્ડ બીજી વનડે મેચ રમાશે અને બાદમાં ૧૮ જાન્યુઆરીને રવિવારે ઇન્ડિયા વિરૂધ્ધ ન્યુઝીલેન્ડની ત્રીજી વનડે રમાશે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી આ મેચો માટેની પૂર્વ તૈયારીના ભાગ રૂપે બંને ક્રિકેટ ટીમના ખેલાડીઓ શહેર નજીક આવેલી કોટંબી સ્ટેડિયમ ખાતે આવતીકાલથી એટલે કે ૮ જાન્યુઆરીથી ૧૦ જાન્યુઆરી સુધી સતત ત્રણ દિવસ પ્રેÂક્ટસ સેશન યોજશે. ત્યારે વર્ષો બાદ વડોદરાને આંતરરાષ્ટ્રીય મેચની યજમાની મળી હોવાથી સ્થાનિક ક્રિકેટ એસોસિએશન અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
આમ આ મેચોને કારણે વડોદરામાં આખા જાન્યુઆરી મહિનામાં ક્રિકેટરોનો ભારે જમાવડો જાવા મળશે, જેની શરૂઆત આજે કિંગ કોહલીના આગમનથી થઈ ગઈ છે, ખાસ કરીને ઉત્તરાયણના દિવસે રમાનાર બીજી મેચને લઈને વડોદરાના લોકોમાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રેક્ટીસ સેશન દરમિયાન પણ ખેલાડીઓને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી શકે તેવી શક્યતાને જોતા કોટંબી ગ્રાઉન્ડ ખાતે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.












































