વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રાજદીપ સોસાયટીમાં રહેતા એક પરિવારે સાથે મળીને ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમને ઉલટી થવા લાગી હતી અને તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જવાહર નગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એન. પરમારે જણાવ્યું હતું કે પરિવાર સાથે આપઘાતનો પ્રયાસ કરનાર સુભાષભાઈનો નંદેસરી જીઆઈડીસીમાં પેટ્રોલ પંપ છે. તેમના પેટ્રોલ પંપ પર ૬ કરોડ રૂપિયાનું દેવું છે. તેમણે બેંકમાંથી લોન લીધી છે અને સંબંધીઓ પાસેથી પણ પૈસા ઉધાર લીધા છે. આ તમામ લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા છે.
સયાજી હોસ્પિટલના રેકોર્ડ મુજબ, ગોરવા જલાનંદ ટાઉનશીપ નજીક રાજદીપ સોસાયટીમાં ૫૨ વર્ષીય પતિ, તેમની ૪૯ વર્ષીય પત્ની, ૨૩ વર્ષીય પુત્ર, ૧૭ વર્ષની પુત્રી અને ૫ વર્ષનો પુત્ર રહે છે. ગઈકાલે બપોરે આખો પરિવાર ઘરે ભેગા થયો હતો. ચા-પાણી પીધા પછી, કોઈ કારણોસર બધાએ ઝેરી દવા ગળી લીધી. જેના કારણે બધાને ઉલટી થવા લાગી. જ્યારે બાજુના પડોશીને આ વાતની ખબર પડી, ત્યારે તે તેમના ઘરે આવ્યો. આ પછી ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને બધાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
આ અંગે આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાએ કહ્યું, “મારા પતિ પેટ્રોલ પંપ ચલાવે છે. અમે બધાએ સાથે દવા લીધી. જેથી અમે એક પરિવાર તરીકે સાથે રહી શકીએ. અમારો પરિવાર ખૂબ જ આર્થિક મુશ્કેલીમાં છે. અમારે બેંક લોન છે. જા મારા પતિ તણાવમાં હોત, તો મને ખબર હોય જ ને, આ દવા એક વર્ષ પહેલા લાવ્યા હતા અને ગઈકાલે દવા લીધી હતી.”