અમરેલી જિલ્લાનું છેવાડાનું ઉદ્યોગો વિહોણું ગ્રામીણ તાલુકા મથક એટલે વડીયા. અહીં તાલુકાની મોટાભાગની કચેરીઓ આવેલી છે પરંતુ તંત્ર મોટેભાગે ચાર્જમાં ચાલે છે. કોઈ કર્મચારી અહીં ટકતો નથી જે કર્મચારી આવે છે તે થોડા સમયમાં રાજકીય કે અન્ય વગ લઈને અન્ય જગ્યાએ બદલી કરાવી લે છે તેથી કર્મચારી આલમમાં વડીયાને સજાના કેન્દ્ર તરીકે જાણે પ્રસ્થાપિત કરી દીધું હોય તેમ જોવા મળે છે. આ પ્રશ્નનું કારણ તપાસીએ તો વડીયામાં કર્મચારીઓ માટે કોઈ ખાસ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નથી, તેમાં પણ ખાસ રહેવા માટેની સુવિધાઓ જ નથી. વડીયા ગામ ઉદ્યોગો વિહોણું હોવાથી રોજગારીના અભાવે મોટાભાગના લોકો શહેરોમાં સ્થળાંતર કરે છે અને અહીં કોઈ નવા બાંધકામ થતા નથી. સાથે સુવિધા વગરના જુના મકાનો હોવાથી કર્મચારીઓ ભાડે રહેવા મજબુર બને છે તેથી સરકારી કર્મચારીઓ માટે વડીયા સજાના કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત થયેલ છે. આ મહત્વની સમસ્યાઓને કારણે વડીયા અને તેની સરકારી કચેરીઓ માટે કામકાજ અર્થે આવતા લોકોને પણ પારાવાર મુશ્કેલીઓ ઊભી થાય છે તેથી જ આ સમસ્યાનો ઉકેલ આવે તે ખુબ જરૂરી છે. વડીયાની કચેરીઓને પૂરતા કાયમી કર્મચારી મળે, કર્મચારી વડીયામાં વસવાટ કરી શકે, અપડાઉન કરતા કર્મચારીઓની સંખ્યા ઘટે તો સરકારી કચેરીઓની કામગીરી પણ નિયમિત બને જેનો સીધો ફાયદો સામાન્ય લોકોને થાય તેવી માગણી થઇ રહી છે. વડીયાના સુરગપરામાં બગીચા પાસે ત્રણ માળની ઇમારત આવેલી છે તેની માલિકી સરકારના માર્ગ અને મકાન વિભાગની છે. આ ક્વાર્ટર્સમાં ભૂતકાળમાં ઘણા કર્મચારીઓ પરિવાર સાથે વસવાટ કરી વડીયામાં નોકરી કરતા હતા. આ ઇમારત જર્જરિત બનતા તેમાં વસવાટ કરતા કર્મચારીઓ તે ખાલી કરીને ભાડાના મકાનમાં ગયા હતા. આ જર્જરિત ક્વાર્ટર્સ છેલ્લા પાંચ વર્ષથી અવાવરુ થઇ ગયેલ છે અને તે જગ્યા હાલ ઢોરવાડા તરીકે જાણીતી બની ચૂકી છે. આ બહુમાળી ઇમારત સાથે તે જ કેમ્પસમાં મામલતદારના ક્વાર્ટર પણ હતા તે પણ હાલ જર્જરિત છે અને રહેવા લાયક નથી.
તો વડીયાને ‘સજાના કેન્દ્ર’ તરીકેનું લેબલ હટાવી શકાય
સ્થાનિક જાગૃત નાગરિકોમાં ચર્ચા છે કે, જો આ બંને ક્વાર્ટર્સને જમીનદોસ્ત કરીને નવું અદ્યતન બિલ્ડીંગ બનાવવામાં આવે તો અનેક કર્મચારીઓને પડતી તકલીફો દૂર થઇ શકે સાથે વડીયા ઉપર લાગેલું કર્મચારીઓ માટે સજાના કેન્દ્રનું લેબલ હટાવી શકાય. આ મુદ્દે વર્તમાન સમયમાં ગ્રામ પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપ પક્ષની સરકાર છે. એ તમામને વડીયાના લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા છે. આથી લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે, સરકારના હાથ-પગ ગણાતા કર્મચારીઓની ચિંતા શું વર્તમાન સરકારના આ વિસ્તારના ચૂંટાયેલા નેતાઓ કરશે ખરા?









































