અમરેલી જિલ્લાના વડીયામાં પૈસાની લેતીદેતી મામલે જાહેરમાં હંગામો અને મારામારી કરી શાંતિનો ભંગ કરતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વડીયામાં ઉછીના પૈસાની લેતીદેતી બાબતે ત્રણ શખ્સો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હર્ષભાઇ જીતેન્દ્રભાઇ ભટ્ટી (ઉ.વ.૨૧), રાજભાઇ જયેશભાઇ પરમાર (ઉ.વ.૩૧) તથા મોહીતભાઇ રાજુભાઇ પાડલીયા નામના ત્રણેય શખ્સો જાહેરમાં એકબીજા સાથે લડવા લાગ્યા હતા. રહેણાંક વિસ્તારમાં અને જાહેર માર્ગ પર આ રીતે મારામારી થવાને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને જાહેર સુલેહ-શાંતિનો ભંગ થયો હતો. ઘટનાની જાણ થતા જ વડીયા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા.








































