વડીયા ગામની મધ્યમાં આવેલી મોંઘીબા પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગના નિર્માણનું કામ હાલ પૂર્ણતાના આરે છે. ત્રણ માળના આ બિલ્ડિંગ બાબતે લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ આ બિલ્ડીગમાં કોઈ સ્થાનિક આગેવાનોની દેખરેખ ના હોવાથી તેમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાકટરના પાપે સમગ્ર બિલ્ડીંગના બાંધકામમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. આ બિલ્ડીંગમાં લાઈન-લેવલના કોઈ ઠેકાણા નથી. વીટ્રીફાઈડ સહિત ઉપયોગમાં લેવાયેલ મટિરીયલ્સ નબળી ગુણવત્તાનું હોવાનો કચવાટ સ્થાનિક કર્મચારીઓમાં પણ સાંભળવા મળી રહ્યો છે. આ બાબતે જો તટસ્થ તપાસ કરવામાં આવે તો બિલ્ડીંગમાં થયેલ ભ્રષ્ટાચાર સામે આવે એવી ચર્ચા છે. આ બાબતે બાળકોના હિતને ધ્યાને રાખી સ્થાનિક આગેવાનો પણ અવાજ ઉઠાવે અને ઉચ્ચ કક્ષાએથી સ્થાનિક આગેવાનોને સાથે રાખી તટસ્થ તપાસ કરવામાં આવે પછી જ આ બિલ્ડીંગનું પેમેન્ટ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે.








































