અમરેલી જિલ્લાના પીઢ રાજકીય આગેવાન અને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડના મોટાભાઈ તેમજ સુરત સ્થિત ઉદ્યોગપતિ દિલીપ ઊંધાડના પિતા સ્વ. ડાયાભાઈ નાથાભાઈ ઊંધાડની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વડીયાના ગાયત્રી ચોક યુવક મંડળ અને સ્થાનિક આગેવાનો દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરી સેવારૂપી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આજે તા.૧૦/૦૧/ને શનિવારના રોજ સવારે ૯ઃ૩૦ થી ૧૨ઃ૩૦ વાગ્યા સુધી વડીયાના કૃષ્ણપરામાં આવેલી પટેલ વાડી ખાતે રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. આ નિદાન કેમ્પમાં અમરેલીની ખ્યાતનામ એઇમ્સ હોસ્પિટલના ડો. કેયુર કોટડીયા અને ડો. કૃણાલ થડેશ્વર પોતાની વિનામૂલ્યે સેવા આપશે. કેમ્પમાં ડાયાબિટીસ, કાર્ડિયોગ્રામ તપાસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે અને જરૂરિયાતમંદ દર્દીઓને મફત દવા આપવામાં આવશે. માનવસેવા ઉપરાંત અબોલ જીવો માટે પણ સેવાકાર્યોનું આયોજન કરાયું છે. જે અંતર્ગત વડીયાની ગોવર્ધન ગૌશાળા ખાતે પશુ આરોગ્ય મેળો યોજાશે, જેમાં પશુરોગ નિદાન અને સારવાર માટે ડોક્ટરોની સેવા મળશે. ઉપરાંત ગાયોને લીલો ઘાસચારો અને પક્ષીઓને ચણ નાખવા સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરાશે. આયોજકો દ્વારા વડીયા તાલુકા અને વિસ્તારના લોકોને શનિવારે સવારે યોજાનાર આ તમામ સેવા કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.