વડીયા ખાતે ઘણા વર્ષોની માંગ અને તપસ્યા બાદ વર્તમાન સરકાર દ્વારા સરકારી આટ્ર્સ, કોમર્સ અને સાયન્સ કોલેજને મંજૂરી આપવામાં આવી હતી. હાલમાં આ કોલેજ ગ્રામપંચાયત સંચાલિત સુરગવાળા હાઈસ્કૂલના બિલ્ડિંગમાં કાર્યરત છે. જૂન ૨૦૨૫થી શરૂ થયેલા શૈક્ષણિક સત્રમાં આ વિસ્તારના સો કરતાં વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી પોતાના ઉચ્ચ અભ્યાસની શરૂઆત કરી હતી.પરંતુ કોલેજ શરૂ થયાને છ માસથી વધુ સમય વીતી જવા છતાં આજદિન સુધી એકપણ કાયમી અધ્યાપકની નિમણૂક કરવામાં આવી નથી. શરૂઆતમાં જૂનાગઢ બહાઉદીન કોલેજના પ્રિન્સિપાલને ચાર્જ સોંપવામાં આવ્યો હતો, બાદમાં બાબરા સરકારી કોલેજના આચાર્યને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા. તેમ છતાં, કાયમી અધ્યાપકો આવ્યા સુધી પાર્ટટાઈમ કે એડહોક અધ્યાપકો માટે જાહેર જાહેરાત આપવામાં આવી ન હતી અને ખાનગી રીતે માત્ર એક જ પાર્ટટાઈમ અધ્યાપકથી કોલેજ ચલાવવામાં આવી. હવે તે અધ્યાપકે પણ રાજીનામું આપતા કોલેજ સંપૂર્ણપણે અધ્યાપકવિહોણી બની છે. બીજી તરફ, અમદાવાદની કોલેજોમાં ફરજ બજાવતા ત્રણ અધ્યાપકોની બદલી વડીયા કોલેજમાં કરવામાં આવી હોવા છતાં એક પણ અધ્યાપક હાજર થયો નથી. પરીક્ષા નજીક હોવા છતાં વિદ્યાર્થીઓને વિષયોની મૂળભૂત માહિતી ન મળતાં ભારે ચિંતા ફેલાઈ છે. આ સ્થિતિથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી, કાયમી અધ્યાપકોની તાત્કાલિક નિમણૂક અને ઇન્ચાર્જ આચાર્યની બદલીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.








































