ટીબી મુક્ત ભારતના અભિયાન અંતર્ગત, વડીયા તાલુકાના ૧૦ ગામોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ બદલ, તમામ ૧૦ ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે, જિલ્લા ભાજપ પ્રમુખ,અતુલ કાનાણી, જિલ્લા વિકાસ અધિકારી પી.બી. પંડ્યા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન, અશ્વિન કુંજડીયા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા આરોગ્યના વિવિધ કાર્યક્રમો વિશે સમજણ આપવામાં આવી હતી. ટીબી મુક્ત ગ્રામ પંચાયત માટે સરપંચોને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ટીમના તમામ સભ્યોએ મહેનત કરી હતી.