વડિયાથી ખાખરીયા જતાં રોડ પર ગેસ ગોડાઉન પાસે પૂરપાટ ઝડપે આવતી અર્ટિકા કારે મોટરસાયકલને અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.આ અંગે રાજકોટના જેતપુર તાલુકાના ઉમરાળી (જામ) ગામે રહેતા ભાવેશભાઇ ભીખાભાઇ રાઠોડે મુંબઈમાં રહેતા ભાવીનભાઇ કીશોરભાઇ યોગી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ મૃતક યુવક પોતાના ગામ ઉમરાળીથી બગસરા જવા માટે મોટરસાયકલ (નં. GJ-૧૦-DM-૨૩૭૧) લઈને નીકળ્યા હતા. આ દરમિયાન વડિયાથી ખાખરીયા જવાના માર્ગ પર ગેસ ગોડાઉનથી થોડે દૂર પહોંચતા સામેથી આવતી કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. કાર નંબર MH-૪૭-BK-૪૦૬૧ના ચાલકે પોતાના હવાલાનું વાહન પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી ચલાવી મોટરસાયકલ સાથે જોરદાર ટક્કર મારી હતી. બાઇક સવારની ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું.