અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના મોરવાડા ગામે સિંહ પરિવારે દેખા દેતા અને ગાયનું મારણ કરતા સ્થાનિકો અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. ચોમાસુ પાક વરસાદના અભાવે સુકાઈ રહ્યો હોવાથી ખેડૂતો પોતાના ખેતરોમાં પાણી વાળવા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે, ત્યારે સિંહની હાજરીથી તેમની ચિંતામાં વધારો થયો છે.સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, સિંહ પરિવારે ગામના વાડી વિસ્તારમાં એક ગાયનું મારણ કર્યું હતું અને ત્યારબાદ આસપાસના વિસ્તારમાં પણ આટાફેરા કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના કારણે લોકોમાં વધુ ડર ફેલાયો છે. મોરવાડા ગામમાં મોટી સંખ્યામાં પશુપાલકો હોવાથી અને ખેડૂતો રાત-દિવસ ખેતરોમાં કામ કરતા હોવાથી, આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે અને લોકોને સલામતીની ખાતરી આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.