વડિયા-કુંકાવાવ પંથકના આંતરિયાળ ગામ દેવળકી આમ તો રાજકીય સીમાંકન પીડિત ગામ છે. તેના સાંસદ સભ્ય પોરબંદર, ધારાસભ્ય જેતપુર અને જિલ્લા-તાલુકાના સદસ્ય અમરેલીમાં આવે છે. આથી આ ગામના લોકોના તેમના પ્રશ્નો અને મૂંઝવણ દૂર કરવા સતત મથામણ કરતા રહે છે. આ ગામના લોકોને પીવાના પાણીની સુવિધાઓ કાયમી ઉપલબ્ધ કરાવવા વાસ્મો યોજનામાં લાખો રૂપિયાના ખર્ચે ઉંચી ટાંકી બનાવવામાં આવી હતી. આ ટાંકી બન્યાના બે વર્ષ થયા છે, પરંતુ આ ટાંકી બનતી હતી ત્યારથી નબળી ગુણવતા વાળા કામ બાબતે તેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સ્થાનિક આગેવાનો દ્વારા થયા હતા. પરંતુ ગામમાં પાછળના ત્રણ વર્ષમાં વહીવટદાર શાસન હોવાથી જાણે કોઈ સાંભળનાર જ ના હોય તેમ આવા કામમાં ભ્રષ્ટાચારે માજા મુક્યાનું લોકો જણાવી રહ્યા છે. સૌ પ્રથમવાર તે બન્યા બાદ પાણી ભરાયું ત્યારે તેમાંથી પાણી ટપકતું હતું. ત્યાર બાદ તે ભ્રષ્ટાચારને છુપાવવા માટે પાણી ખાલી કરીને કેમિકલ મારવામાં આવ્યુ હતું. નબળી ગુણવત્તાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી શક્યતા હોવાથી આ બાબતે તટસ્થ તપાસ જરૂરી છે.