વડિયા તાલુકાના ખાખરીયા ગામે તસ્કરોએ ખેડૂતની વાડીને નિશાન બનાવી હોવાની ઘટના સામે આવી છે. રેલ્વેના પાટા નજીક આવેલી વાડીમાંથી અજાણ્યા શખ્સો સબમર્સીબલ મોટર સહિતના સાધનોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. હરસુખભાઇ રવજીભાઇ વઘાસીયા (ઉ.વ.૪૮) એ જાહેર કર્યા મુજબ, ખાખરીયા ગામની સીમમાં રેલ્વેના પાટાની બાજુમાં આવેલી ‘ગંગાજળીયા’ તરીકે ઓળખાતી વાડીમાં ચોરીનો આ બનાવ બન્યો હતો. તારીખ ૩૦/૦૧/૨૦૨૬ના સાંજના સાડા છ વાગ્યાથી તારીખ ૩૧/૦૧/૨૦૨૬ સવારના નવ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ વાડીમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો વાડીના કુવા/બોરમાંથી પાતાલ કંપનીની સબમર્સીબલ મોટર, તેમાં નાખેલો ૧૦૦ ફૂટ કેબલ વાયર, પાણીનો દંડો અને મોટરનું સ્ટાર્ટર મળી કુલ રૂપિયા ૨૫,૦૦૦ની કિંમતના આખા સેટની ચોરી કરી લઈ ગયા છે. ખેડૂતે પોતાની વાડીએ આવી તપાસ કરતા ચોરી થઈ હોવાનું જણાયું હતું. આ અંગે અજાણ્યા ચોર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. વારંવાર બનતી આવી ચોરીની ઘટનાઓને પગલે સીમ વિસ્તારના ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી હતી. વડિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.એમ.કાછેલા વધુ તપાસ કરી રહ્યા છે.








































