ભારતના રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં આજે રાજ્યભરમાં દેશભક્તિની ભાવનાથી ઉજવણી યોજાઈ. રાજ્ય કક્ષાની મુખ્ય ઉજવણી ગાંધીનગર સ્થિત વિધાનસભા પરિસરમાં કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય મંત્રિમંડળના સભ્યો, મુખ્ય સચિવ,આઇએએસ અધિકારીઓ અને સચિવાલયના મોટા પ્રમાણમાં અધિકારીઓ–કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતની ગુંજ સાથે થઈ હતી, ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રેરણાદાયી સંબોધન આપ્યું. તેમણે જણાવ્યું કે “૧૮૭૫માં લખાયેલું ‘વંદે માતરમ’ આજે પણ દરેક ભારતીયના રોમ-રોમમાં રાષ્ટ્રપ્રેમીનો ઉલ્લાસ જગાવે છે.” મુખ્યમંત્રીએ રાષ્ટ્રગીતના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને યાદ કરતા જણાવ્યું કે, તેમણે લખેલા આ ગીતે સ્વતંત્રતા આંદોલનના સમયથી દેશને એકતાનો મંત્ર આપ્યો હતો.મુખ્યમંત્રીએ હળવા હાસ્યભર્યા સ્વરે કહ્યું કે “શિયાળાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હજુ ગરમી લાગે છે. આપેલા પ્રતિજ્ઞાપત્રનો ઉપયોગ હવે તડકાથી બચવા થઈ રહ્યો છે,” જેનાથી સમગ્ર સભામાં હળવી હાસ્યની લહેર ફરી વળી.ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આજનો દિવસ માત્ર રાષ્ટ્રગીતના ૧૫૦ વર્ષનો જ નહીં, પણ રાષ્ટ્રભક્તિના અનેક પ્રસંગોનો પણ સાક્ષી છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી, અટલ બિહારી વાજપેયીનું શતાબ્દી વર્ષ અને આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી જેવા પ્રસંગો દેશભક્તિની ભાવનાને વધુ પ્રગટ કરે છે.મુખ્યમંત્રીએ કહ્યું કે, “વંદે માતરમ’ માત્ર ગીત નથી, તે ક્રાંતિકારી મંત્ર છે. આ શબ્દ બોલતા જ ૧૪૦ કરોડ ભારતીયોના હૃદયમાં દેશપ્રેમનો ઉત્સાહ જગે છે.” તેમણે સ્વદેશી વિચારધારાને પણ આ ગીત સાથે સીધી રીતે જાડતા જણાવ્યું કે, “વંદે માતરમ્‌ એટલે મા ભારતીની વંદના એટલે આપણી સ્વદેશી વસ્તુઓનો સન્માન અને પ્રોત્સાહન.”કાર્યક્રમના અંતે સ્વદેશી અપનાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત અને દેશના વિકાસ માટે “સ્વદેશી” જીવનમંત્ર તરીકે અપનાવવો જરૂરી છે. તે જ સમયે, ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે પણ વંદે માતરમજ્ર૧૫૦ની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ હતી. કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે “આ ગીત દેશવાસીઓને પ્રેરણા આપે છે અને આપણને માતૃભૂમિ માટે તન-મનથી સમર્પિત થવા માટે પ્રોત્સાહન આપે છે.” જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ કુટુંબ સાથે હાજરી આપી અને “વંદે માતરમ”  ગીત સાંભળી રાષ્ટ્રપ્રેમી વ્યક્ત કર્યો.જીતુ વાઘાણીએ જણાવ્યું કે આજના અવસર પર દરેક વ્યક્તિએ એક દિવસ પોતાના પરિવાર સાથે “વંદે માતરમ” ગીત સાંભળીને દેશ માટે નવી ઉર્જા મેળવે તેવી સંકલ્પના લેવી જાઈએ. તેમણે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ પર ભાર મૂકતા જણાવ્યું કે “દેશના વધુ વિકાસ માટે સ્વદેશી અપનાવવું એ સાચો દેશપ્રેમ છે.”