ભારતની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનની રાહ થોડા કલાકોમાં જ પૂરી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૭ જાન્યુઆરીએ આ ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ સાત અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોનું પણ લોચિંગ કરશે. તેઓ રેલ, માર્ગ અને જળ પરિવહન સંબંધિત અનેક મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને સમર્પિત કરશે. ૧૭ જાન્યુઆરીએ બપોરે ૧૨ઃ૪૫ વાગ્યે, પ્રધાનમંત્રી માલદા પહોંચશે અને માલદા ટાઉન રેલ્વે સ્ટેશનથી દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન હાવડા અને ગુવાહાટી (કામખ્યા) વચ્ચે દોડશે. તેઓ ગુવાહાટી (કામખ્યા)-હાવડા વંદે ભારત સ્લીપર ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી પણ આપશે.

સંપૂર્ણ વાતાનુકૂલિત વંદે ભારત સ્લીપર ટ્રેન મુસાફરોને સસ્તા ભાડા પર વિમાન જેવો અનુભવ પ્રદાન કરશે. આ ટ્રેન હાવડા-ગુવાહાટી રૂટ પર મુસાફરીનો સમય લગભગ ૨.૫ કલાક ઘટાડશે, જે લાંબા અંતરની મુસાફરી, ધાર્મિક પર્યટન અને પર્યટન ક્ષેત્રને મોટો પ્રોત્સાહન આપશે. પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળમાં ચાર મુખ્ય રેલ્વે પ્રોજેક્ટ્‌સનો શિલાન્યાસ પણ કરશે, જેમાં બાલુરઘાટ-હિલી નવી રેલ લાઇન, ન્યૂ જલપાઇગુડીમાં આધુનિક માલ જાળવણી સુવિધા, સિલિગુડી લોકો શેડનું અપગ્રેડેશન અને જલપાઇગુડી જિલ્લામાં વંદે ભારત ટ્રેનો માટે જાળવણી માળખાના આધુનિકીકરણનો સમાવેશ થાય છે. આનાથી મુસાફરો અને માલ સેવાઓ મજબૂત થશે અને રોજગારની નવી તકો ઊભી થશે.

આ ઉપરાંત, પ્રધાનમંત્રી ન્યૂ કૂચ બિહાર-બામનહાટ અને ન્યૂ કૂચ બિહાર-બોક્સીરહાટ રેલ લાઇનનું વીજળીકરણ રાષ્ટ્રને સમર્પિત કરશે, જે ઝડપી, સ્વચ્છ અને ઊર્જા-કાર્યક્ષમ રેલ કામગીરીને સક્ષમ બનાવશે.

સાત નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો પણ શરૂ કરવામાં આવશેઃ

ન્યૂ જલપાઇગુડી-નાગરકોઇલ અમૃત ભારત એક્સપ્રેસ

ન્યૂ જલપાઇગુડી-તિરુચિરાપલ્લી અમૃત ભારત એક્સપ્રેસ

અલીપુરદ્વાર-એસએમવીટી બેંગલુરુ અમૃત ભારત એક્સપ્રેસ

અલીપુરદ્વાર-મુંબઈ (પનવેલ) અમૃત ભારત એક્સપ્રેસ

કોલકાતા (હાવડા) -આનંદ વિહાર ટર્મિનલ

કોલકાતા (સીલદહ) -વારાણસી

કોલકાતા (સંત્રાગાચી) -તામ્બરમ

આ બધા પ્રોજેક્ટ્‌સ પૂર્વી અને ઉત્તરપૂર્વ ભારતમાં આધુનિક માળખાગત સુવિધાઓના નિર્માણને વેગ આપશે, જેનાથી આ પ્રદેશો દેશના વિકાસના મુખ્ય એન્જીન તરીકે ઉભરી શકશે. આ ટ્રેનો સામાન્ય મુસાફરો, વિદ્યાર્થીઓ, સ્થળાંતર કરનારા કામદારો અને ઉદ્યોગપતિઓ માટે સસ્તી અને વિશ્વસનીય લાંબા અંતરની રેલ કનેક્ટીવિટીને મજબૂત બનાવશે. વધુમાં, એલએચબી કોચથી સજ્જ બે નવી ટ્રેનો, રાધિકાપુર-એસએમવીટી બેંગલુરુ એક્સપ્રેસ અને બાલુરઘાટ-એસએમવીટી બેંગલુરુ એક્સપ્રેસ, પણ શરૂ કરવામાં આવશે, જે યુવાનો, વિદ્યાર્થીઓ અને આઇટી વ્યાવસાયિકો માટે બેંગલુરુ જેવા મુખ્ય રોજગાર કેન્દ્રોને સીધી કનેક્ટીવિટી પ્રદાન કરશે