સાવરકુંડલા -લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના પ્રયત્નોથી સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં બે નવા પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવાની મંજૂરી મળી છે. આ બંને કેન્દ્રના નિર્માણ માટે કુલ રૂ. ૭૨.૫૬ લાખનો ખર્ચ કરવામાં આવશે. ધારાસભ્ય કસવાલાએ જણાવ્યું કે, સાવરકુંડલા તાલુકાના વંડા ગામ અને લીલીયા તાલુકાના સનાળિયા ગામમાં આ નવા કેન્દ્ર બનવાથી ગ્રામીણ લોકોને તેમના ગામમાં જ આધુનિક આરોગ્ય સેવાઓનો લાભ મળશે. આ પેટા કેન્દ્રોમાં સગર્ભા મહિલાઓ, બાળકો અને વૃદ્ધો માટે રસીકરણ, જરૂરી દવાઓ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી નિયમિત તપાસ સહિતની અનેક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. આ સબ સેન્ટરોથી લોકોને નાના-મોટા રોગોની સારવાર માટે દૂરના શહેરોમાં જવાની જરૂરિયાત રહેશે નહીં. આરોગ્ય સુવિધાઓના વિસ્તરણ માટે સતત રજૂઆતો કરનાર કસવાલાએ જણાવ્યું કે, સરકારની આ સંવેદનશીલતાથી ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યની સ્થિતિ સુધારવામાં મોટી મદદ મળશે. આ નવા સબ સેન્ટરોનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ નવા સેન્ટર મંજૂર કરવા બદલ મહેશભાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો આભાર માન્યો હતો.